સુજાતા સાહુઃ લદાખમાં પરિવર્તનનો પ્રયાસ

Monday 26th April 2021 12:24 EDT
 
 

સોફ્ટવેર ટેકનોલોજીસ્ટ અને ૧૭૦૦૦ ફીટ ફાઉન્ડેશનનાં સ્થાપક સુજાતા સાહુએ લડાખથી અંતરિયાળ વિસ્તારમાં આવેલાં ગામડાંઓમાં શિક્ષણનો દીપ પ્રજવલિત કર્યો છે. ૪૮ વર્ષનાં સુજાતા સાહુએ ૧૩ વર્ષ આઇટી સેકટરમાં ભારતમાં અને નવ વર્ષ યુએસએમાં કામ કર્યું હતું. એમના મનમાં હંમેશા સમાજ માટે કંઇક કરવાની ભાવના હતી. ભારત પાછા ફર્યા બાદ ભણવાની ઉંમરે બાળકોને કામ કરતાં અને ભીખ માંગતાં જોઇને એમનું હૃદય દ્રવી ઊઠયું.
એક દિવસ એમના પતિ સંદીપ સાહુએ એમને લેહ, લદાખ માટે સોલો ટ્રેકીંગ કરવાનું કહ્યું. સુજાતા કહે છે કે, ‘આ દુર્ગમ વિસ્તારમાં હું ૨૧ દવસ માટે સોલો ટ્રેકીંગ માટે જૂન ૨૦૧૦માં નીકળી પડી. એ દરમિયાન અંદરનાં અનેક ગામડાંઓમાં જવા મળ્યું. ત્યાં મને બે સ્કૂલ ટીચર્સ મળ્યા, જેઓ એમના સ્ટુડન્ટને યુનિફોર્મ અને ભોજન આપવા માટે ૩૬ કલાકની મુસાફરી કરીને લેહ જતા હતા. તેમને વાહનની સગવડ બહુ ઓછી હતી અને ચાલવાનું વધારે હતું. એમનો જુસ્સો અને સરળતા મને સ્પર્શી ગયાં. સાથે સાથે જ મને કશુંક સારું કરવાનો રસ્તો મળી ગયો.’
સુજાતા કહે છે કે આ પછી મેં એ વિસ્તારની મુલાકાત લીધી તો મને થયું કે અહીં શિક્ષણ જ પ્રાયોરિટી હોઈ શકે કારણ કે ગામડાંના લોકો એમના બાળકોને શ્રેષ્ઠ એજ્યુકેશન મળે એ માટે દૂર શહેર સુધી મોકલવા તૈયાર હતાં. આથી અમે આ દિશામાં કામ કરવાનું નકકી કર્યું અને એ માટે ૧૭૦૦૦ ફીટ ફાઉન્ડેશનની સ્થાપના થઇ. સૌ પ્રથમ અમે લિંગશેડ નામના ગામડામાં ગયાં, જયાં ૨૦ ગધેડા પર પુસ્તકો, કપડા, અને રમતગમતનાં સાધનો લઇ ગયાં હતાં.
સુજાતા કહે છે કે અમે પહોંચ્યા ત્યારે ૧૦૦ વિદ્યાર્થીઓ અમારી રાહ જોતાં લાઈનમાં ઊભા હતા. ભણવા માટેનો એમનો જુસ્સો પ્રશંસનીય હતો અને અમે આ જ વિસ્તારની અન્ય સ્કૂલોમાં જઇને વિદ્યાર્થીઓને હેલ્પ કરવા માટેનો નિર્ધાર કર્યો. જુલાઇ ૨૦૧૨માં અમે આ વિસ્તારમાં ૧૦૦ લાઇબ્રેરી બનાવી. ૧૫ સ્કૂલોમાં નવું ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવ્યું અને ૫૦૦ ટીચર્સને ટ્રેઈનિંગ આપી. આ વિસ્તારમાં ૯૦૦ સ્કૂલોમાં ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ ભણે છે અને અમે ૨૦૦ સ્કૂલોને એડોપ્ટ કરવા માટેની પ્રોસેસ લગભગ પૂરી કરી છે. ૩૦૦ અન્ય સ્કૂલોમાં લાઈબ્રેરી માટેનું ફંડ ભેગું કર્યું. આ સિવાય અમે લેહ અને કારગીલ વિસ્તારની સ્કૂલોના વિકાસ માટે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે એમઓયુ કર્યો છે. અમારું ફોકસ ગવર્મેન્ટ સ્કૂલની ગુણવત્તા સુધરે અને તેઓ બાળકોના વિકાસ માટે મજબૂત માળખું ઊભું કરે તેના પર છે.
અમારી ટીમે અન્ય વિસ્તારની પણ મુલાકાત લીધી છે, જયાં પણ સ્કૂલોની હાલત દયનીય છે. અમે અન્ય લોકોના સંપર્ક કરી અહીં પણ વ્યવસ્થા સુધારવા ઇચ્છીએ છીએ પરંતુ અમારી પાસે સૌથી મોટી સમસ્યા ફંડની છે. અમારી સંસ્થા સીએસઆર (કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી) ફંડ પર ચાલે છે. કેટલુંક વ્યક્તિગત ડોનેશન જરૂર મળે છે, પરંતુ રાજ્ય સરકારનો કોઈ આર્થિક સપોર્ટ મળતો નથી. જોકે અમે અમારા પ્રયત્નો ચાલુ રાખ્યા છે. અમને આશા છે કે થોડા સમયમાં અમે બધા જ ગામડાઓની સ્કૂલનો વિકાસ કરી શકીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter