ગુજરાતના ૩ શિક્ષકોની પસંદગી રાષ્ટ્રપતિ એવોર્ડ માટે થઇ છે, જેમાં શહેરની સેકન્ડરી સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડના ધો. ૯ અને ૧૦માં ગણિત - વિજ્ઞાનના વિષય સાથે વિદ્યાર્થીઓને ડાન્સની તાલીમ આપતા શિક્ષક સુધાબહેન જોષીની પસંદગી થઇ છે.
૩૨ વર્ષથી દિવ્યાંગ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાન અને ડાન્સ શીખવી રહ્યાં છે. સુધાબહેને ૩૨ વર્ષમાં કોઇ દિવસ સ્કૂલનો સમય કે રજાના દિવસો જોયા વગર વિદ્યાર્થી માટે મહેનત કરી છે. સામાન્ય બાળકોની સરખામણીએ દિવ્યાંગ બાળકોને ગણિત-વિજ્ઞાન વિષયો શીખવવા અઘરા છે ત્યારે તેઓ અંધ બાળકોને તે શીખવવા આકરી મહેનત કરે છે. ગણિત-વિજ્ઞાન વિષયોની સાથે સાથે તેઓ બાળકોને ડાન્સની તાલીમ આપે છે. સુધાબહેન જોષીએ જણાવ્યું હતું કે, બાળકોને ગણિત-વિજ્ઞાન શીખવવા માટે મેં પોતે જ ચાર્ટ તૈયાર કર્યાં છે, જેથી બાળકોને સરળતાથી શીખવી શકાય. જે બાળકોને ડાન્સમાં રસ હોય તેઓને હું ટ્રેનિંગ આપું છું. અમારા બાળકો બે વાર અમેરિકા અને ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં પર્ફોમન્સ આપી ચૂક્યાં છે.