ન્યૂ યોર્ક: અમેરિકાની મહિલા પાવર લિફ્ટર તમારા વેલકોટે નવો ઇતિહાસ રચ્યો છે. અમેરિકાના મેરીલેન્ડની આ પાવર લિફ્ટરે 737.5 કિલોગ્રામ વજન ઊંચકીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. વેલકોટે સ્ક્વોટ, બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટમાં મળીને આ વજન ઊંચક્યું હતું. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વની પ્રથમ મહિલા પાવર લિફ્ટર છે.
વેલકોટને ચાલુ વર્ષે વર્લ્ડ રો-પાવર લિફ્ટિંગ ફેડરેશન અમેરિકન-પ્રો દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. આ સમયે તેણે 680 કિલોગ્રામ વેઇટ ઊંચક્યું હતું. હવે એક મહિના બાદ તેણે વિક્રમી પ્રદર્શન કરીને તમામને સ્તબ્ધ કરી દીધા છે.
વેલકોટે 2017માં પાવર લિફ્ટિંગની શરૂઆત કરી હતી. તે પહેલાં બાસ્કેટબોલ રમતી હતી. વેલકોટને જંક ફૂડ ખાવાની આદત હતી અને તેનું વજન 188.2 કિલોગ્રામ થઇ ગયું હતું. જોકે પાવર લિફ્ટિંગ શરૂ કર્યા બાદ તેણે એક વર્ષમાં 100 પાઉન્ડ (લગભગ 45 કિલોગ્રામ) જેટલું વજન ઓછું કર્યું હતું.
તમારાએ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા બાદ જણાવ્યું હતું કે હું શરૂઆતમાં લાંબા અંતર સુધી વોકિંગ કરતી હતી પરંતુ તે પણ મારા માટે મોટું કાર્ય હતું. તે હવે વિશ્વની સૌથી શક્તિશાળી મહિલા બની ગઈ છું તે વાત મારા માન્યામાં પણ આવતી નથી.