સુરતમાં રહેતી અને ધો. ૮માં અભ્યાસ કરતી ભાવિ મહેતાએ ગણિતમાં બે ગુણ્યા બે અંકના ૧૦૦ ગુણાકાર ૭ મિનિટ ૨૧ સેકન્ડમાં કરી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ભાવિની ઉંમર હાલ ૧૩ વર્ષની છે અને તે ધો. ૮માં અભ્યાસ કરે છે. ૪ સેકન્ડની ઝડપે ૨ અંક*૨ અંક (૦૦*૦૦) એવાં ૧૦૦ ગુણાકાર કરીને તેણે જવાબ આપ્યા હતા. તેમાંથી ૯૬ જવાબ સાચા આપ્યા હતા. આ માટે તેને ફાસ્ટેસ્ટ ટુ સોલ્વ ટુ ડિજિટ મલ્ટિપ્લિકેશન સમ્સનો ટેગ પ્રાપ્ત થયો છે. અગાઉ વર્ષ ૨૦૨૦માં ભાવિની ૬ વર્ષની બહેન કનિકાએ પણ ઈન્ડિયા બુક અને એશિયા બુકમાં સ્થાન મેળવ્યું હતું.
રોજ ૧૫૦૦ દાખલાની પ્રેક્ટિસ
ભાવિ જણાવે છે કે આ લાઈવ ટેસ્ટ હતી. ૧૪મી ઓક્ટોબરે મેં લાઈવ રેકોર્ડ બનાવ્યો હતો. ૯મી નવેમ્બરે મને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસ તરફથી મેડલ અને સર્ટિફિકેટ મળ્યું હતું. હું ધોરણ ૬ માં હતી ત્યારથી ગણિતના ક્લાસિસ શરૂ કર્યાં હતાં. ૨ વર્ષ સુધી મેન્ટલ મેથ્સ શીખ્યા બાદ હવે હું વૈદિક મેથ્સ માટે પ્રેક્ટિસ કરું છું. મને રેકોર્ડ બનાવવાની ઈચ્છા તો ન હતી, પણ ૫મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ નિમિત્તે મારા ગુરુ દીપેશસરે મારી પાસે ગુરુ દક્ષિણામાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ માગ્યો હતો. જેથી મેં વધારે પ્રેક્ટિસ શરૂ કરી હતી. સર મને રોજ ૧૦૦ દાખલાની ૧૫ વર્કશીટ મોકલતા અને એની પ્રિન્ટ કાઢીને રોજ હું પ્રેક્ટિસ કરતી હતી. દિવસમાં ૧૫૦૦ દાખલાની પ્રેક્ટિસ થતી. છેલ્લે જ્યારે રેકોર્ડનું લાઈવ સેશન થવાનું હતું તેના થોડા દિવસ પહેલાં જ મારી આંગળીમાં સોજો આવ્યો હતો. તેથી ટેસ્ટના ૨ દિવસ પહેલા મેં પ્રેક્ટિસ કરવાનું બંધ કર્યું હતું. સામાન્ય રીતે હું ૧૦૦ દાખલા ૬ મિનિટમાં પૂરા કરું છું, પણ આંગળીમાં સોજો હોવાને કારણે ૭ મિનિટ ૨૧ સેકન્ડનો સમય લાગ્યો હતો.
૪ સેકન્ડમાં ૨ અંકનો એક દાખલો
ભાવિ કહે છે કે, સ્ક્રીન પર એક ગુણાકાર કર્યા પછી જવાબ આપીને સોફ્ટવેરથી જવાબ મેળવવામાં વધુ સમય જતો હતો એટલે લાઈવ બેસીને જ વર્કશીટ પર જ એક પછી એક એમ ૨ ડિજિટના ગુણાકારના ૧૦૦ દાખલા ૭ મિનિટ ૨૧ સેકન્ડમાં સોલ્વ કર્યાં હતાં. અગાઉ પ્રેક્ટિસનો વીડિયો બનાવી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મોકલાયો હતો. તેના આધારે ૧૪ ઓક્ટોબરે લાઈવ સેશનથી આ રેકોર્ડની નોંધણી કરાઈ હતી.