સુરતઃ સુરતની બે બહેનો અનુજા અને અદિતિ વૈદ્યએ મે, ૨૦૧૯માં માઉન્ટ એવરેસ્ટ સર કરીને પર્વતારોહણ ક્ષેત્રે સુરત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. હવે અનુજા વૈદ્યે ૧૫મી ઓગસ્ટે સ્વાતંત્ર પર્વ નિમિત્તે ઈન્ડોનેશિયાના ૪૮૮૪ મીટર ઊંચા કાર્સટેન્ઝ શિખર પર તિરંગો લહેરાવાની સાથે જ ૪ ઉપખંડના સર્વોચ્ચ શિખર સર કરવાની સિદ્ધિ હાંસલ કરી દીધી છે.
દક્ષિણ અમેરિકા, એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલેશિયાના સૌથી ઊંચા શિખર સર કર્યા બાદ હવે આગામી દિવસોમાં આફ્રિકા, ઉત્તર અમેરિકા અને એન્ટાર્કટિકા ઉપખંડના શિખર સર કરવાનો તેમણે સંકલ્પ કર્યો છે. સુરતની અઠવાલાઇન્સ આદર્શ સોસાયટીમાં રહેતા અને જાણીતા આયુર્વેદ તબીબ ડો. આનંદ વૈદ્યની બે દીકરીઓ ૨૫ વર્ષીય અદિતિ અને ૨૧ વર્ષીય અનુજાએ ૨૨ મેએ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચીને દેશનો ત્રિરંગો લહેરાવ્યો હતો. તે સાથે જ ૨૯ હજાર ફૂટ ઊંચાઇ પર આવેલા માઉન્ટ એવરેસ્ટને સર કરનારી પ્રથમ ગુજરાતી મહિલા બની ગઇ હતી.
અનુજાએ ફેબ્રુઆરીમાં દક્ષિણ અમેરિકાનું ૨૨૮૪૧ ફૂટ ઊંચે આવેલું એકોન્ટાગુવા શિખર સર કરીને પોતાની સફર શરૂ કરી હતી. હવે અનુજાએ પાપુઆ ઇન્ડોનેશિયામાં આવેલું સૌથી ઊંચુ માઉન્ટ કાર્સટેન્ઝ સર કર્યું છે. ૧૫ ઓગસ્ટે વહેલી સવારે ૬.૧૫ કલાકે અનુજા વૈદ્ય તિરંગા સાથે કાર્સટેન્ઝ શિખર પર પહોંચી હતી. અનુજા અલ્બેનીઆના પિતા-પુત્રી સાથે શિખર પર પહોંચી હતી. અનુજાના પિતા ડો. આનંદ વૈદ્યે જણાવ્યું હતું કે, પાપુઆ ઇન્ડોનેશિયાના ટિમિકામાં ખરાબ વાતાવરણને કારણે શિખર સર કરવામાં ૧૨ દિવસ સુધી રાહ જોવી પડી હતી. હિમવર્ષા અને વરસાદને કારણે તેઓએ ભારે હાલાકી વેઠવી પડી હતી.