સુરતઃ મહિલા સફાઈકર્મીઓ સુરક્ષિત રીતે તેમની કામગીરી કરી શકે તે માટે કલેક્ટિવ ગુડ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સ્તરે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ડિઝાઈનિંગ માટે સ્પર્ધા યોજાઇ હતી. જેમાં સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સુરતની આઇડીટીની વિદ્યાર્થિની મીનુ અગ્રવાલે બનાવેલી ઇકો ફ્રેન્ડલી પીપીઇ કિટે પ્રથમ સ્થાન મેળવ્યું છે. મહિલા સફાઇકર્મીઓને ગંદકી કે રોગના જંતુઓ જ નહીં, ઇલેક્ટ્રિસીટી સામે પણ રક્ષણ આપતી આ પીપીઈ કિટ મીનુને માત્ર રૂ. ૩૫૦માં તૈયાર કરી છે.
મીનુ અગ્રવાલનું કહેવું છે કે, આ પીપીઇ કિટ તૈયાર કરતા પહેલા હું મહિલા સફાઈકર્મીઓને મળી હતી અને તેમને કિટ પહેરીને કામ કરવામાં શું મુશ્કેલી પડે છે તે વિશે જાણ્યું હતું. હાલ જે કિટ છે તેમાં પેન્ટ સ્ટ્રેઈટ છે અને મોટા ભાગની મહિલાઓ સાડી પહેરીને સફાઈ કરતી હોય છે તેથી તેમને અસુવિધા થાય છે. આથી મેં પેન્ટ લૂઝ બનાવ્યા છે. બીજી સમસ્યા હતી ગરમીની અને ત્રીજી પીપીઈ કિટ ભીની થઈ જવાની. જેથી મેં પેરાશૂટ ફેબ્રિક લઈને અંદરની બાજુ રબર અને પીસીએમનું કોટિંગ કર્યું. જેના કારણે કિટ ગરમીમાં ઠંડી અને ઠંડીમાં ગરમી આપે છે. વળી, આ કિટ ગંદકીની સાથે ઇલેક્ટ્રિસિટી સામે પણ સુરક્ષા આપે છે.
મીનુએ માત્ર ૧૨ દિવસમાં કિટ તૈયાર કરી છે. જેમાં મહિલા સફાઈકર્મીઓને પીપીઇ કિટથી શું સમસ્યા આવે છે તે જાણીને એ પ્રમાણે ડિઝાઇન અને ફેબ્રિકની પસંદગી કરાઇ છે. આ પછી કિટમાં રહી ગયેલી ખામીઓને દૂર કરવામાં ૪થી ૫ દિવસનો સમય લાગ્યો હતો. કિટ બનાવવામાં ૩૫૦ રૂપિયાનો ખર્ચો થયો છે.