ગણેશોત્સવમાં ચોકલેટના ગણપતિ બનાવીને તેનું દૂધમાં વિસર્જન કર્યા પછી એ દૂધ બાળકોને આપવાના ઉદાહરણ જાણીતા બન્યા છે. આ વખતે કોરોનાના સંકટ વચ્ચે સુરતમાં એક મહિલા તબીબ ડો. અદિતિ મિત્તલે સૂકામેવાના ગણપતિની મૂર્તિઓ બનાવી છે. ડો. અદિતિ કહે છે કે ગણેશ વિસર્જન બાદ આ મૂર્તિ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા ડ્રાયફ્રૂટ્સને કોવિડ-૧૯ના દર્દીઓમાં વહેંચી દેવાશે.
અદિતિએ આ મૂર્તિઓ બનાવવા માટે અખરોટ, કાજુ, બદામ જેવા સૂકામેવાનો ઉપયોગ કર્યો છે. આ મૂર્તિઓ લંબાઈ ૨૦ ઇંચ જેટલી છે. ડો. અદિતિ જણાવે છે કે, અખરોટ અને કાજુથી ગણેશ ભગવાનનું પેટ અને કાજુથી આંખો બનાવી છે. ભગવાનના કાન મગફળીથી બનાવવામાં આવ્યા છે.
અદિતિએ તેના ટ્વિટર હેન્ડલ પર ગણેશ ભગવાનની આ મૂર્તિઓ શેર કરી છે. આ સાથે તેણે એ પણ લખ્યું છે કે, ગણેશ ચતુર્થી પછી વિઘ્નહર્તાના સુખી અને સ્વસ્થ જીવનના આશીર્વાદ રૂપે આ મૂર્તિઓનું વિતરણ કરાશે. આ ડ્રાયફ્રૂટ્સ દર્દીઓની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરશે. આ મૂર્તિઓનો વિસર્જન પછી સુરતની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગમાં લેવાશે.
સોશિયલ મીડિયા પર ડો. અદિતિના કામની ઘણી પ્રશંસા થઈ રહી છે. કેટલાક લોકોએ તેને ટ્વિટર પર કમેન્ટમાં આશ્ચર્ય સાથે સવાલ પણ કર્યો છે કે આ ડ્રાયફ્રૂટ્સને એકબીજા સાથે કેવી રીતે ચોંટાડ્યા છે?