સેલિબ્રિટીથી માંડીને સામાન્ય મહિલાને જચે પોલ્કા ડોટ્સ

Saturday 08th June 2019 06:38 EDT
 
 

સામાન્ય કોઈ પણ કપડામાં અત્યારે ટપકાંની ડિઝાઈન બહુ જ પ્રચલિત છે. ઝીણા - મોટાં ટપકાં કાપડ કે આઉટફિટ પર હોય તેને ફેશન ઈન્ડસ્ટ્રીમાં પોલ્કા ડોટ્સના નામે ઓળખાય છે. પોલ્કા ડોટ્સની ફેશન ઇ.સ. ૧૯૨૬થી અમેરિકામાં શરૂ થઈ હતી. મિસ અમેરિકાનો ફોટો પોલ્કા ડોટ સ્વિમસૂટમાં પ્રકાશિત થયો હતો. ત્યાર બાદ ઈ. સ. ૧૯૨૮માં ડિઝનીએ મિની માઉસને બ્લેકમાં વ્હાઈટ એન્ડ લાલ પોલ્કા ડોટ ડ્રેસમાં મેચિંગ બો સાથે રજૂ કરી હતી. ઇ. સ. ૧૯૩૦ સુધીમાં અમેરિકાભરમાં પોલ્કા ડોટ્સના ડ્રેસ ફેશન-સ્ટોરમાં ઉપલબ્ધ થઈ ગયા હતાં.

અમેરિકાની અતિ લોકપ્રિય અભિનેત્રી મેરિલિન મનરોએ તેની લોકપ્રિય તસવીરમાં પોલ્કા ડોટ ડ્રેસને વધારે ખ્યાતિ અપાવી દીધી હતી. પોલ્કા ડોટ બિકિનીએ એ સમયે ધૂમ મચાવી હતી અને આજે પણ ધૂમ મચાવે છે. ભારતીય ફેશનમાં પોલ્કા ડોટની વાત કરીએ તો સૌથી પહેલાં ફિલ્મ ‘બોબી’ની ડિમ્પલ કાપડિયાનું સફેદ પોલ્કા ડોટ શર્ટ યાદ આવે અને ત્યાર બાદ એ સમયની અભિનેત્રીઓના સ્કાર્ફ ધ્યાનમાં આવે.

પોલ્કા ડોટ્સ ધરાવતાં આઉટફિટ કેવી રીતે કેરી કરશો?

પોલ્કા ડોટ આમ તો સેવન્ટીઝની ફેશન છે, પણ જ્યારે પહેરો ત્યારે એકદમ ફ્રેશ લુક આપે છે. કેઝ્યુઅલ, બીચવેઅર, પાર્ટી કે બર્થ-ડે પાર્ટીમાં પણ પહેરી શકો છો. જ્યારે પણ પોલ્કા ડોટ ડ્રેસિસનું નામ પડે એટલે સૌથી પહેલાં મિડી, ફ્રોક કે ની-લેન્થ ડ્રેસ જ મગજમાં આવે. પોલ્કા ડોટ્સના ડ્રેસ સાથે એક્સેસરીઝથી તમે સારો લુક આપી શકો છો. એની સાથે ગ્લિટરવાળી જ્વલેરી વધારે સારી લાગશે. જ્વેલરી સિવાય મોટી બેગ્સથી તમે એકદમ સેવન્ટીઝનો લુક ધારણ કરી શકો છો.

ઉંમરનું મહત્ત્વ સમજીને પહેરો

ઉંમર મુજબ પોલ્કા ડોટ ડ્રેસ પસંદ કરો. કેવી રીતે કરશો તે જાણો. ત્રીસની આસપાસની ઉંમરની મહિલાઓ એકદમ સોફિસ્ટિકેટેડ લાગે એવો મીડિયમ સાઇઝનો પોલ્કા ડોટ પસંદ કરી શકે છે. એની સાથે એકદમ ઓછી જ્વેલરી વધુ સારી રહેશે. તમે હાથમાં એકદમ લાઇટ બ્રેસલેટ પણ પહેરી શકો છો. પોલ્કા ડોટ ડ્રેસ પોતે જ એક સ્ટેટમેન્ટ છે. એટલે એની સાથે બાકીની મહેનત ઓછી કરવી પડે છે.

વીસની આસપાસની ઉંમરની યુવતીઓ પોલ્કા ડોટ શર્ટને શોર્ટસ સાથે પહેરી શકે છે. જોકે તેમના માટે તો બધા જ વિકલ્પો ખુલ્લા છે. એક વાર શ્રદ્ધા કપૂરે સફેદ પોલ્કા ડોટ શર્ટ સાથે બ્લુ ડેનિમ શોર્ટસ પહેર્યાં હતાં. વાળ એકદમ ખુલ્લા હતા અને શૂઝ સાથે લૂકને ફાઇનલ ટચ આપ્યો હતો. એકાદ સિમ્પલ, પણ બહુ જ આકર્ષક લુક આવી રીતે મેળવી શકાય. ચાળીસની આસપાસની અથવા ચાળીસથી ઓછી ઉંમરની મહિલાઓ પણ ની-લેન્થ ડ્રેસ અથવા તો સાડી પસંદ કરી શકે છે. પોલ્કા ડોટ કોઈ મર્યાદિત ઉંમરના લોકો માટે નથી જ. એ કોઈ પણ પહેરી શકે છે અને આકર્ષક દેખાઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter