તમે ભલે ગમેતેટલું ધ્યાન રાખો પણ આમ છતાં તમારા મેકઅપ કલેક્શનમાં એવી કેટલીક મોંઘીદાટ વસ્તુઓ મળી જ આવશે જેની એક્સપાયરી ડેટ આવી ગઇ હોય. અને આ સમયે સ્વભાવિક છે નાણાં વેડફાયાનો અફસોસ થાય જ. જોકે કેટલાક સ્માર્ટ આઇડિયા અમલમાં મૂકશો તો તમારે આ એક્સપેન્સિવ મેકઅપની વસ્તુઓને ડસ્ટબિનમાં ફેંકવાની જરૂર નહીં પડે.
• મસ્કરા: મસ્કરા સામાન્ય રીતે ત્રણથી છ મહિનામાં એક્સપાયર થઇ જાય છે પણ એ પછી પણ તમે એનો ઉપયોગ આડીઅવળી આઇબ્રોને સરખો શેપ આપવામાં કરી શકો છો. આ સિવાય જો તમને માથાંમાં કે પછી આઇબ્રોમાં સ્પષ્ટ રીતે નજરે ચડતો કોઇ સફેદ વાળ અકળાવતો હોય તો એક્સપાયર થઇ ગયેલી મસ્કરાથી એને ટચ-અપ કરી શકો છો.
• આઇ શેડો: સામાન્ય રીતે આઇ શેડો એક વર્ષ જેટલો જ સમય ટકે છે. આટલા સમય પછી એને ટ્રાન્સપરન્ટ નેઇલ પોલિશ સાથે મિક્સ કરીને તમારો કસ્ટમાઇઝ્ડ નેલકલર તૈયાર કરી શકો છો.
• લિપસ્ટિક: એક્સપાયર થઇ ગયેલી તમારી ફેવરિટ લિપસ્ટિકમાંથી ટિન્ટેડ લિપ બામ બનાવી શકો છો. જો તમારી લિપસ્ટિક એક્સપાયર થઇ જાય તો એને જરાક અમસ્તી ગરમ કરી લો કે જેથી એમાં રહેલા બેક્ટેરિયા નાશ પામે. આ ગરમ લિપસ્ટિકને વેસેલિન કે પછી પેટ્રોલિયમ જેલી સાથે મિક્સ કરવાથી ફેવરિટ શેડનો ટિન્ટેડ લિપ બામ તૈયાર થઇ જશે.
• લિપ બામ: જો લિપ બામ એક્સપાયર થઇ જાય તો એને પગની એડી પર લગાવવું જોઇએ. લિપ બામના આ ઉપયોગથી પગની એડી એકદમ સુંવાળી બની જશે. આ એક્સપાયર લિપ બામની મદદથી ક્યુટિકલ્સ પણ ક્લિન કરી શકાય છે.
• સ્કિન ટોનર: સ્કિન ટોનરમાં સારા એવા પ્રમાણમાં આલ્કોહોલ હોય છે. એ એક્સપાયર થઇ જાય તો એનો ઉપયોગ ગ્લાસ, મિરર કે પછી મોબાઇલ સ્ક્રીન સાફ કરવા માટે કરી શકાય છે.