દરેક મહિલાની ત્વચાનો પ્રકાર અલગ હોય છે અને બજારમાં ત્વચાના પ્રકાર મુજબ બ્યૂટી પ્રોડક્ટ્સ મળે છે. આ બધું હોવા છતાં જો ત્વચા પર ધ્યાન આપ્યા વગર કોઈ કોસ્મેટિક પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે તો તેનું પરિણામ ખતરનાક આવી શકે છે. બ્યૂટી એક્સપર્ટ્સ જણાવે છે કે, ખોટી પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ચહેરા પર ખંજવાળ, ખીલ, ત્વચા અચાનક જરૂર કરતાં વધુ સુકાઈ જવી કે લાલ થઇ જવી અને કેટલીક વખત તો પોપડી બનીને ઉખડવાની સમસ્યા શરૂ થઇ જતી જોવા મળે છે. આમ થવાનું મુખ્ય કારણ હોય છે લાંબા સમય સુધી ખોટી વસ્તુ કે બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ. બીજું કારણ છે, મહિલાઓ દ્વારા સ્કિન કેર અને મેકઅપ પ્રોડક્ટ પર છાપેલી તારીખ પર ધ્યાન ન આપવું. અનેક વખત પ્રોડક્ટમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રીમાંથી કોઈ વસ્તુથી તમને એલર્જી થઈ શકે છે, જેની તમને ખબર પડતી નથી અને નુકસાન પહોંચાડે છે.
આમ, ત્વચાનો પ્રકાર સમજ્યા વગર કોઈ પણ કોસ્મેટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઉપરાંત કોઈ પણ પ્રોડક્ટને સીધી ચહેરા પર લગાવવાને બદલે કન્સીલરથી માંડીને હાઈલાઈટરને પહેલા હાથ પર લગાવીને થોડા સમય માટે રાહ જૂઓ. જો ત્વચામાં કોઈ પણ પ્રકારની સમસ્યા જોવા ન મળે તો જ એ પ્રોડક્ટનો તમારા ચહેરા પર ઉપયોગ કરો.