જે મહિલાઓના હોઠ કાળા હોય છે તેઓ આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા લીપસ્ક્રબથી માંડીને લીપ-બામ સહિત અનેક કોસ્મેટિક્સનો ઉપયોગ કરતા જોવા મળે છે. સવિશેષ તો ઠંડીમાં, અને તેમાં પણ મહિલાઓમાં હોઠ કાળા પડવાની સમસ્યા વધુ જોવા મળે છે. આ મુશ્કેલીને દૂર કરવા માટે પહેલા આમ થવા પાછળનું કારણ જાણવું જરૂરી છે. દરેક મહિલામાં આ સમસ્યા અલગ કારણોથી થઇ શકે છે, જેમાં પાણી ઓછું પીવાથી માંડીને દવાઓની આડઅસરનો સમાવેશ થાય છે. પ્રાચીન ભારતીય ચિકિત્સાપદ્ધતિ આયુર્વેદના નિષ્ણાતો કહે છે કે આ સમસ્યાનો સામનો કરવા માટે એ જાણવું જરૂરી છે કે હોઠના કાળા પડવા પાછળનું કારણ શું છે? ઘરેબેઠા આ સમસ્યાને દૂર કરવા માટે બીટ અને ખાંડના બનેલા લીપ સ્ક્ર્બનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત પાણી વધારે પીઓ અને હોઠો પર દેશી ઘીનું હળવા હાથે માલીશ કરવાથી હોઠના રંગમાં પરિવર્તન આવતું જોવા મળશે. હોઠ કાળા થવાનું એક કારણ સ્મોકિંગ પણ હોઇ શકે છે. આથી જો આ ટેવ હોય તો તેને સદંતર તિલાંજલિ આપવાની જરૂર છે. આનાથી તમારા હોઠની કાળાશ તો ઘટશે જ સાથોસાથ તમારા સ્વાસ્થ્યને નુકસાન થતું પણ બચાવી શકશે. હોઠ કાળા પડવાનું કારણ જાણીને ઉપાય કરશો તો ઘરેબેઠાં જ આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકશો.