વેસ્ટર્ન સ્ટાઈલનાં કપડાંમાં સ્કાર્ફ કમ્ફર્ટેબલ પણ હોય છે અને દરેક વસ્ત્રો સાથે સ્ટાઈલિશ લુક પણ આપે છે. સ્કાર્ફનો ઇતિહાસ પણ રસપ્રદ છે. કહેવાય છે કે જૂના રોમમાં લોકો સ્વચ્છતામાં બહુ માનતા એટલે ગળાના ભાગમાં થતા પસીનાની દુર્ગંધ ન આવે તેથી ગળાની ફરતે સ્કાર્ફ વીંટાળતા. સ્કાર્ફને રૂમાલી તરીકે પણ ઓળકાવી શકાય. સાઇઝમાં દુપટ્ટા કરતાં નાના અને રૂમાલ કરતાં મોટા, એ એની મુખ્ય ખૂબી હતી. સ્કાર્ફની ખૂબી એ છે કે દરેક સિઝનમાં એનો ઉપયોગ થઈ શકે છે અને દરેક ડ્રેસિંગ પર એનો ઉપયોગ થઈ શકે છે. ઉનાળામાં તમે સ્કાર્ફ પહેરો તો સન એક્સપોઝરથી સ્કિનને બચાવે, ચોમાસામાં પહેરો તો વરસાદમાં તમારા વાળ સૂકવવા કે શરીર લૂછવા માટે કામ લાગી જાય અને શિયાળામાં ઠંડીથી રક્ષણ આપે. બધી જ સિઝનમાં સ્કાર્ફ એક્સેસરી હોવાની સાથે દરેક ટાઇપના આઉટફિટ પર એ મેચ થાય છે. તમે જો ફોર્મલ શર્ટ પહેરો તો એમાં પણ ગળા ફરતે સ્કાર્ફને મફલરની જેમ વીંટાળી દો તો પ્રોફેશનલ લુકમાં સ્ટાઇલ ભળી જશે. વળી અત્યારે તો ઠંડીની સિઝન છે ત્યારે સ્કાર્ફની ડિમાન્ડ વધી છે.
કલર અને પેટર્ન
સ્કાર્ફ પહેરવામાં પણ જોકે થોડીક સેન્સ હોવી જરૂરી છે. જેમ કે જો તમારું ટોપ પ્લેન હોય તો સ્કાર્ફ પ્રિન્ટેડ સારા લાગશે. પ્રિન્ટેડ સ્કાર્ફ સાથે પ્લેન આઉટફિટ પહેરી શકાય. એકસાથે ત્રણ ચાર જગાએ હાજરી આપવાની હોય કપડાં બદલવાની સગવડ ન મળવાની હોય ત્યારે માત્ર સ્કાર્ફ સાથે તમે તમારા લુકને બદલી શકો છો. જ્યાં સોબર લુક જોઈતો હોય ત્યાં લાઇટ કલરનો સ્કાર્ફ પહેરો, પણ જ્યાં થોડોક લાઉડ અને સ્ટાઇલિશ લુક જોઈતો હોય ત્યાં સહેજ નિયોન શેડના સ્કાર્ફ પહેરો તો એ બહેતરીન લુક આપે છે. તેમજ સ્કાર્ફ વીંટાળવાની સ્ટાઇલથી પણ લુકની અદલાબદલી સરળતાથી કરી શકાય છે. સાદી રીતમાં પાછળથી ટ્વિસ્ટ કરીને આગળની બાજુએ સ્કાર્ફના બે છેડાઓ રાખવામાં આવે છે. ચોરસ, લંબચોરસ, ગોળ એમ જુદા-જુદા શેપના સ્કાર્ફને અઢળક રીતે બાંધી શકાય છે.
જુદા જુદા ઉપયોગ
સ્કાર્ફને માત્ર સ્ટાઈલ-સ્ટેટમેન્ટ તરીકે ગળા પર વીંટાળવાનું જ ચલણ નથી. એને ફોર્મલવેરમાં બેગ પર બાંધી દો તો પણ સરસ લાગે. છૂટ્ટા વાળમાં તમે કંટાળવા લાગો તો તેનાથી પોનીટેલ બાંધી શકાય. અથવા હેરબેન્ડની જેમ પણ સ્કાર્ફનો ઉપયોગ થઈ શકે. ઘણા લોકો સ્કાર્ફને બેલ્ટની જેમ બાંધીને પણ જુદો જ લુક આપે છે. ફેબ્રિકમાં પણ અઢળક વેરાઇટી છે. કોટન, શિફોન, સેમી કોટન, વુલન જેવા સિઝન અને આઉટફિટ પ્રમાણે ડિફરન્ટ મટીરિયલમાં સ્કાર્ફ મળતા હોય છે.