સ્કિન કેર માટે અનિવાર્ય છે બ્યુટી સિરમ

Wednesday 13th November 2024 08:29 EST
 
 

સ્કિન કેરના મામલે આપણામાંથી ઘણા લોકો કન્ફ્યુઝ રહે છે, કારણ કે દિવસે દિવસે બ્યુટીને લગતી નવી નવી પ્રોડક્ટ લોન્ચ થતી રહે છે. એમાં પણ કઈ પ્રોડક્ટનો અચૂક ઉપયોગ કરવો જોઈએ અને એ શા માટે ઉપયોગી છે એ અંગે આપણને ખાસ કંઈ ખબર હોતી નથી. પરિણામે ઘણી વખત ન લાવવાની પ્રોડક્ટ લઈ આવીએ છીએ અને નાણાં વેડફીએ છીએ.

જોકે બ્યુટી સિરમની વાત અલગ છે. સ્કીન કેર માટે આ એક એવી આવશ્યક પ્રોડક્ટ છે, કે જે દરેક યુવતીએ સ્કિન કેર રૂટિનમાં સામેલ કરવી જ જોઈએ. પછી તમારું એજ ગ્રૂપ કોઈ પણ હોય. દરેક પ્રકારની ત્વચાને અનુરૂપ સિરમ બજારમાં ઉપલબ્ધ છે. એમાંથી તમારી ત્વચાને અનુકૂળ આવે તેવું સિરમ ખરીદો. આવો, આજે આપણે જાણીએ સિરમથી થતા ફાયદા વિશે.

70 ટકા એક્ટિવ ઈન્ગ્રીડિઅન્ટ્સ
સિરમમાં સૌથી મોટો ફાયદો એ છે ક્લીન્ઝર્સ અને મોઈશ્ચરાઈઝર્સમાં પાંચથી દસ ટકા એક્ટિવ ઈન્ગ્રીડિઅન્ટ્સ હોય છે. જ્યારે સિરમમાં તેનું પ્રમાણ આશરે 70 ટકા હોય છે. એનો અર્થ એ કે તમને આ બધા ઈન્ગ્રીડિઅન્ટ્સનો ફાયદો મળશે, જેના વિશે બોટલમાં લખ્યું હોય છે.
શું તમે તમારા સ્કિન ટોનને એકસમાન કરવાનું વિચારી રહ્યા છો તો સિરમ બહુ ઉપયોગી છે. ત્વચા પર પડેલી બારીક લાઈન્સને હટાવવા, ચહેરા પર ચમક લાવવા, કાળા ધબ્બા દૂર કરવા સિરમ તમને બહુ મદદરૂપ થશે.

ત્વચાને અંદરથી રિપેર કરી નિખારે
જો તમારી ત્વચા સંવેદનશીલ હોય કે એકને પોર્સ જેવી સમસ્યાવાળી હોય તો તમે મિનરલ ઓઈલ્સ જેવા એક્સક્લુઝિવ એજન્ટ્સને તો ટાળવા જ રહ્યા. બ્યુટીના સંદર્ભમાં એક્સક્લુઝિવ એજન્ટનો અર્થ છે, એવી વસ્તુ જે ત્વચા પર પરત બનાવીને તેને સીલ કરી દે, પરંતુ સિરમને એવી રીતે બનાવવામાં આવે છે, જે ત્વચાની સમસ્યાને પેદા કરનાર ઈન્ગ્રીડિઅન્ટ્સથી મુક્ત હોય છે. તેનો મુખ્ય હેતુ એક્ટિવ એજન્ટ્સ, સ્ટેમ સેલ્સ, વિટામિન્સ અને બીજા ફાયદાકારક મિનરલ્સ તમારી ત્વચાના બહારના પડમાંથી પસાર થઈ અંદર સુધી જાય છે અને ત્વચાને અંદરથી રિપેર કરી નિખારે છે. આ તમામ કામ સિરમ કરે છે.

ઓઈલી કોમ્પ્લેક્શનને અલવિદા
સિરમની કન્સિસ્ટન્સી બહુ હળવી હોય છે. તે મોઈશ્ચરાઇઝરની સરખામણીમાં જલદી એબ્ઝોર્બ થઈ જાય છે. સિરમ ત્વચાની ભીનાશને જાળવી રાખવામાં મદદ કરે છે, અને તે પણ કોઈ ગ્રીસી ફીલિંગ વગર. સામાન્ય રીતે યુવતીઓ ગ્રીસી એટલે કે ઓઈલી ત્વચાને નફરત કરે છે. તેમના માટે સિરમ બેસ્ટ છે. ચહેરામાં ભીનાશ જળવાઈ રહે છે અને લાંબા સમય સુધી ત્વચા ઓઈલી લગતી નથી. પરિણામે ખીલ થવાની સમસ્યાથી છુટકારો મળે છે.

પૈસાની બચત
સિરમ વધારે પ્રભાવશાળી હોવાથી એમાં ઈન્વેસ્ટ કરીને તમે ઉત્તમ રિઝલ્ટ મેળવી શકો છે. આ રીતે ત્વચા સંબંધિત અલગ અલગ સમસ્યા માટે અલગ અલગ પ્રોડક્ટ વાપરવાને બદલે તમે સમજદારીપૂર્વક ફક્ત એક પ્રોડક્ટ પાછળ પૈસા ખર્ચશો તો વસૂલ છે. ત્વચાને નિખારવા માટે સિરમના માત્ર બે-ત્રણ ડ્રોપ્સ પૂરતાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter