મોટાભાગની યુવતીઓ અને સ્ત્રીઓને મૂંઝવણ હોય કે મેક અપ કિટમાં રહેલી કઈ વસ્તુનો ઉપયોગ કરે તો તેમને સૂટ થાય? તો મેક અપ માટે તમારે સ્કિન મુજબ મેક અપ કિટમાં રહેલી વસ્તુઓનું યોગ્ય કોમ્બિનેશન કરવાનું રહે છે. દરેક પ્રકારનો મેક અપ દરેક પ્રકારની સ્કિન પર સારો નથી લાગતો. મેક અપના રંગો સાથે ત્વચાનું કોમ્પ્લેક્શન મેચ થવું જરૂરી છે. ગોરી, ઘઉંવર્ણી કે શ્યામ સ્ત્રીઓએ ત્વચા પર શોભે એવા રંગો જ લગાવવા જોઈએ. કેવી ત્વચા સાથે કેવો મેક અપ ખરા અર્થમાં સુંદર લાગે એ જાણીને તમારી ત્વચાના રંગ પ્રમાણે મેક અપ કરશો તો કોઈ પણ પ્રસંગે છવાઈ જશો. અહીં ગોરી, ઘઉંવર્ણી અને શ્યામ ત્વચા ધરાવતી યુવતીઓ અને સ્ત્રીઓ માટે કેટલીક મેક અપ ટિપ્સ આપવાનો પ્રયત્ન કર્યો છે.
ગોરી ત્વચા
કરિશ્મા કપૂર કે કેટરીના કૈફ જેવી ખૂબ ગોરી ત્વચા હોય ત્યારે ફાયદો એ છે કે એના પર જુદા-જુદા રંગો સાથે એક્સપરિમેન્ટ કરી શકાય છે. ફેર સ્કિનમાં સ્વીટ ગર્લી લુકથી લઈને બોલ્ડ ડ્રામેટિક લુક સુધી બધું જ સારું લાગી શકે છે, પરંતુ જો યોગ્ય રીતે કરવામાં આવે તો, કારણ કે ગોરી ત્વચા પર જો કોઈ ડાઘ હોય તો એ ઊઠીને દેખાય છે એટલે એને ઢાંકવા જરૂરી છે.
- ડાર્ક કાજલ: ડાર્ક બ્લેક કાજલથી આંખોને ડ્રામેટિક લુક આપવામાં કંઈ ખોટું નથી. આ મેક અપ વધુ પડતો પણ નહીં લાગે. આંખોની ઉપરના ભાગમાં સ્મૂધ બેઝ બનાવવા માટે ક્રીમ બેઝ્ડ કન્સિલર વાપરો અને ત્યાર પછી લાઈનર કે કાજલ લગાવો. ડાર્ક આઇ-શેડોને સ્મૂધ કરવા માટે બ્રશનો ઉપયોગ કરી એને ઉપરની તરફ અને ત્યાર પછી બહારની તરફ બ્લેન્ડ કરવું.
- પિન્ક શેડ લિપ્સ: આંખોને હાઈલાઇટ કર્યા બાદ હોઠને બને એટલા નેચરલ રહેવા દો. સોફ્ટ પિન્ક શેડની લિપસ્ટિક સારી લાગશે. સૌથી પહેલાં લિપ બામ લગાવી એને સેટ થવા દો અને ત્યાર બાદ પિન્ક જ લાઇનરથી હોઠને આઉટલાઇટ આપો. ત્યાર બાદ અંદરના ભાગમાં નેચરલ પિન્ક અથવા પિચ શેડ ફીલ કરો. છેલ્લે થોડો ગ્લોઝ લગાવી શકાય.
- ગાલ પર ગ્લો: પિન્ક ટોનવાળું કન્સિલર લઈ ગાલ પર બ્લેન્ડ કરો. એ પછી એના પર ટિન્ટેડ મોઇશ્ચરાઇઝર લગાવો. નેચરલ પિન્ક, પ્લમ કે પિચ શેડનું બ્લશર પણ સારું લાગશે.
ઘઉંવર્ણી ત્વચા
ઘઉંવર્ણી ત્વચામાં પણ કેવા રંગો લગાવી શકાય એ બાબતે કોઈ ચોક્કસ માપદંડ નથી. આવી સ્કિન પર કેટી આઈ અને ડાર્ક પિન્ક લિપસ્ટિક સારી લાગે છે. આ લુક વર્સેટાઈલ છે અને એમાં વધુ મહેનત નથી લાગતી. પાર્ટીઓમાં શિમરિંગ લુક માટે બ્રોન્ઝર પણ લગાવી શકાય.
- કેટી આઈસ: પહેલાં લાઈનર ફક્ત એક સીધી લીટી જેવું જ બનાવવામાં આવતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિન્ગ્ડ લાઈનર એટલે કે ખૂણાઓ પાસેથી થોડું ફન્કી લાગે એવું લાઇનર લગાવવાનો ટ્રેન્ડ આવ્યો છે. આવું લાઈનર લગાવવા માટે લિક્વિડ લાઈનરનો ઉપયોગ કરવો. અંદરના ખૂણાથી શરૂઆત કરીને બ્રશને બહાર સુધી ખેંચો. એ પછી બહારના ખૂણા પાસે ડબલ લાઇન બનાવો. જે થોડી બોક્સ જેવી ઈફેક્ટ આપશે. છેલ્લે મસ્કરા લગાવીને વધુ સારો લુક મેળવી શકાય.
- બ્રાઈટ લિપ્સ: પાર્ટીઓમાં રેડ, ફુશિયા, પિન્ક જેવા શેડ્સ ટ્રેન્ડમાં રહેશે. હોઠ પર સૌથી પહેલાં થોડું કન્સિલર લગાવી એને સ્મૂધ બનાવવા અને ત્યાર બાદ જ એના પર કોઈ ડાર્ક કલર લગાવવો.
- બ્રોન્ઝડ ફેસઃ ચહેરા પર કન્સિલર લગાવ્યા બાદ બ્રશનો ઉપયોગ કરી કપાળ, નાકની નીચે અને હોઠના ફૂલેલા ભાગ પર બ્રોન્ઝર લગાવો.
શ્યામ ત્વચા
ફિલ્મ અભિનેત્રી નંદિતા દાસ કે બિપાશા બાસુ જેવી થોડી ડાર્ક-ડસ્કી સ્કિન હોય તો એના પર મેટાલિક શેડ સારા લાગશે. ગોલ્ડ, બ્રોન્ઝ, ડીપ બ્રાઉન અને સ્મોકી આઈઝ આ સ્કિન પર સારી લાગશે. હોઠ પર કોરલ કે ઓરેન્જ શેડ સારો લાગશે.
- સ્મોકી આઈસ: ડાર્ક કે ડસ્કી સ્કિન ધરાવતી યુવતીઓ કે મહિલાઓએ હંમેશાં હેવી આઈ મેક અપ લગાવવાનું રાખવું જોઈએ. અભિનેત્રી રેખા હંમેશાં હેવિ આઈ મેક અપમાં દેખાય છે. આ જ તેના લુકની ખાસિયત છે. આંખોમાં લાંબું લાઈનર અને કાજલ લગાવ્યા બાદ ડાર્ક આઇ-શેડો લગાવો. અને રૂનું પૂમડું લઈ એને બ્લેન્ડ કરો. મસ્કરાથી ફિનિશિંગ આપી શકાય. હાઈલાઇટર લગાવવું હોય તો બ્રશની મદદથી આંખોના વચ્ચેના ભાગમાં લગાવવું.
- ડાર્ક મેટ ફિનિશ શેડ: સૌથી પહેલાં હોઠ પર લિબ બામ લગાવો અને એ સેટ થાય એટલે એના પર ડાર્ક મેટ ફિનિશ ધરાવતી લિપસ્ટિક લગાવો. લિપલાઈનરનો ઉપયોગ પણ કરી શકો. હોઠ ફાટી જવાની તકલીફ હોય તો લિપ બામ પછી કોઈ ટ્રાન્સપરન્ટ કે લાઈટ શેડની લિપસ્ટિક લગાવો. ટ્રાન્સપરન્ટ ગ્લોસ પણ લગાવી શકાય.
- બ્લશ્ડ લુક: ચહેરાને સૌથી પહેલાં મોઇસ્ચરાઇઝ કરીને એના પર કન્સિલર લગાવવું. કન્સિલર બરાબર બ્લેન્ડ થાય એ જરૂરી છે. ત્યાર પછી લાઈટ પિન્ક શેડનું રૂઝ લઈ હોઠના હાડકાંવાળા ભાગ પર લગાવવું. લગાવ્યા બાદ એને ગોળાકાર મોશનમાં બ્લેન્ડ કરી લેવું.