આઈસીસી ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને દુબઇ ઓમાનમાં રમાતી આ ટૂર્નામેન્ટના રાઉન્ડ-૧ના પ્રથમ મુકાબલામાં મેજર અપસેટ સર્જાય હતો. ટી૨૦ વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડની ટીમે પોતાના પ્રથમ મુકાબલામાં જ બાંગ્લાદેશને હરાવી તમામ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ છે. આ વખતે સ્કોટલેન્ડની ટીમ જે કિટમાં નજરે પડે છે, તેના ખુબ જ વખાણ થઇ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ કિટને માત્ર ૧૨ વર્ષની એક છોકરીએ ડિઝાઇન કરી છે, જે હવે ક્રિકેટજગતમાં ચર્ચામાં છે.
૧૨ વર્ષની રેબેકા ડાઉનીએ સ્કોટલેન્ડની આ જર્સીને ડિઝાઇન કરી છે. જ્યારે આખી દુનિયામાં આ કિટના વખાણ થયા ત્યારે સ્કોટલેન્ડ ક્રિકેટ તરફથી ટ્વિટ કરીને રેબેકા ડાઉનીનો આભાર માનવામાં આવ્યો હતો. અને આ સમયે રેબેકા ડાઉની પણ સ્કોટલેન્ડનો પ્રથમ મુકાબલો ટીવી પર જોઇ રહી હતી.
વર્લ્ડકપ શરૂ થયો તે પહેલા સ્કોટલેન્ડ ક્રિકેટે એક કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું. જેમાં શાળાના લગભગ ૨૦૦ વિદ્યાર્થીઓ પાસેથી અલગ-અલગ ડિઝાઇન મંગાવવામાં આવ્યા હતા. આમાંથી જ રેબેકા ડાઉનીની ડિઝાઇન સિલેક્ટ થઇ હતી. પર્પલ કલરની સાથે શાઇન કરી રહેલ સ્કોટલેન્ડની કિટ ટ્વિટર યૂઝર્સને પણ પસંદ આવી રહી છે. દરેક વ્યક્તિ આ કિટને વર્લ્ડકપની સૌથી બેસ્ટ કિટ ગણાવી રહ્યા છે.