સ્ટાઇલિશ લુક આપતાં ડિફરન્ટ ટાઇપનાં ક્લચ

Wednesday 24th August 2022 08:33 EDT
 
 

સ્ટાઇલિશ ક્લચની ફેશનજગતમાં બોલબાલા છે. તેને ટીનેજરથી માંડી દરેક એજની મહિલા એક યા બીજા પ્રકારે સાથે રાખે છે. ઘણી વખત આપણે યોગ્ય પેટર્નની બેગ કે ક્લચ પસંદ નથી કરી શકતાં. પરિણામે આપણો ઓવરઓલ લુક નિખરતો નથી. તો વળી ક્યારેક એક જ ક્લચનો ઉપયોગ દરેક આઉટફિટમાં કરીએ છીએ તો આ પણ યોગ્ય નથી. દરેક આઉટફિટ સાથે એક જ પ્રકારનું ક્લચ ક્યારેય ચાલી શકે નહીં. આથી જ ઘણી વખત એવું બનતું હોય છે કે મહિલા માથાથી લઇને પગ સુધી સ્ટાઇલિશ લુકમાં સજ્જ થયેલી હોય છે અને હેન્ડબેગ અથવા ક્લચ એની સાથે મેળ ખાતું ન હોય એવું પણ બને છે. આજે આપણે ક્લચ ડિઝાઇન્સની વાત કરીશું જે દરેક પ્રકારના ટ્રેડિશનલ ડ્રેસની સાથે તમે કેરી કરી શકો છો.

• ટ્રાયબલ પ્રિન્ટનું ક્લચઃ આજકાલ ટ્રાયબલ પ્રિન્ટ લગભગ દરેક સેક્શનમાં ચલણમાં છે. બેડ શીડ્સથી માંડીને સ્કર્ટ અને ક્લચ સુધી બધી વસ્તુઓમાં ટ્રાયબલ પ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટ્રાયબલ પ્રિન્ટ અત્યારે હોટ ફેવરિટ હોવાથી આ પ્રકારનાં ક્લચને તમારા વોર્ડરોબમાં અવશ્ય સ્થાન આપો. એ તમારા માટે સ્ટાઇલિશ ઓપ્શન રહેશે.
• હેન્ડ એમ્બ્રોઇડરી ક્લચઃ હંમેશા યાદ રાખો કે હેન્ડમેઇડ વસ્તુઓ ક્યારેય આઉટ ઓફ ફેશન થતી નથી. આ જ નિયમ હેન્ડ એમ્બ્રોઇડરીવાળા ક્લચને પણ લાગુ પડે છે. એમાં પણ જો તમારા ક્લેક્શનમાં જરદોશી વર્ક, ચિકનકારી વર્ક, સાદા ભરતનાં ક્લચ સામેલ હોય તો એ તમારા લુકને વધારે સ્ટાઇલિશ બનાવી દેશે. તમારે વધારે પાર્ટીમાં કે કોઈ ખાસ ફંક્શનમાં જવાનું થતું હોય તો હેન્ડ એમ્બ્રોઇડરીવાળાં ક્લચ ક્લેકશનમાં અવશ્ય રાખો. તમને બહુ ઉપયોગી થશે.
• પ્લેન ક્લચઃ કહેવાય છે કે સિમ્પ્લિસિટી સૌથી ઉત્તમ હોય છે. જોકે એમાં થોડી ચમક પણ જરૂરી છે. તેથી તમારા પાર્ટીવેર ક્લચના લિસ્ટમાં તમે પ્લેન ગોલ્ડન ક્લચને સામેલ કરી શકો છો. એને તમે કોઈ પણ અવસર પર સાથે રાખી શકો છો, અને વટ પાડી શકો છો. આ ક્લચ વેસ્ટર્ન ડ્રેસીસ સાથે તો મેળ નહીં ખાય પરંતુ તમે ઇન્ડિયન સૂટ, સાડી, શરારા, ઇન્ડો-વેસ્ટર્ન વગેરેની સાથે ગ્લોસી લુક આપશે.
• પોટલી બેગઃ કોઈ પણ ફંક્શનમાં દેશી ડ્રેસીસની સાથે સ્ટાઇલિશ પોટલી બેગ્સ ખૂબ સરસ લાગે છે. પોટલી બેગ્સની ખાસિયત એ છે કે કોઇ પણ ડિઝાઇન, કોઇ પણ રંગમાં એ સરળતાથી મળી શકે છે. તમે તમારા મનગમતા કલર્સમાં અને જરૂરિયાત મુજબ તેની ખરીદી કરી શકો છો. આમ જોવા જઇએ તો આનો સમાવેશ ક્લચમાં થતો નથી, પરંતુ પાર્ટી અને ફંક્શનના લિસ્ટમાં સામેલ જરૂર થાય છે.
• વેલવેટ ક્લચઃ એમ્બ્રોઇડરીની ફેશન જેમ જૂની થતી નથી એ રીતે વેલવેટની ફેશન પણ સદાબહાર છે. તે ક્યારેય જૂની થતી નથી. એનો કોઇ પણ ઇવનિંગ પાર્ટી ક્લચની જેમ ઉપયોગ કરી શકાય છે. વેલવેટ ક્લચની ખાસિયત એ છે કે તે કોઇ પણ વેસ્ટર્ન આઉટફિટ અને ટ્રેડિશનલ આઉટફિટ બંને સાથે કેરી કરી શકો છો.
• હેન્ડબેગ સ્ટાઇલ ક્લચઃ હેન્ડબેગ સ્ટાઇલ ક્લચ એટલે એવું ક્લચ જેમાં પકડવા માટે હેન્ડલ આપવામાં આવે છે. એવાં અનેક ક્લચ માર્કેટમાં મળી જશે જે સ્ટાઇલિશ હેન્ડબેગ્સનું કામ પણ કરે છે. આ ક્લચ અનેક સ્ટાઇલમાં ઉપલબ્ધ હોય છે. અપની અપની પસંદ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter