દરેક વયની સ્ત્રીઓ માટે કુરતી પહેલી પસંદગી બની ચૂકી છે. આ કુરતી સ્ટાઈલિશ દેખાવા માટેનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ ગણાય છે. એની સાથે સાથે એ ટ્રેડિશનલ અને ચાર્મિંગ લૂક પણ આપે છે. લૂકની સાથે સાથે કુરતી કમ્ફર્ટેબલ ડ્રેસ સ્ટાઈલ છે. દરેક વખતે ડિફરન્ટ લૂકની શોધમાં રહેતી માનુની માટે કુરતી બેસ્ટ ઓપ્શન છે, કારણ કે એને સહેલાઈથી મોડિફાઈ અને કસ્ટમાઈઝ કરી શકાય છે. વળી, દરેક પ્રસંગ પ્રમાણે હેવિ અને લો રેન્જમાં કુરતી મળી રહે છે. કોલેજ જતી કોલેજ ગર્લ હોય કે પછી વર્કિંગ વુમન કે પછી પ્રોફેશનલ લૂકમાં રહેતી મહિલા બધા માટે બજારમાં તેમની ચોઈસ પ્રમાણે કુરતી મળી રહે છે. જોકે પ્રોફેશનલ વેરમાં અને પ્રાસંગિક રીતે પણ પહેરી શકાય તેવી ઘણી પેટર્ન અને સ્ટાઈલ કુરતીમાં ઉપલબ્ધ હોય છે.
તેમાં ઈન્ડો વેસ્ટર્ન, અલગ કટ્સ અને ડિઝાઈન ધરાવતી કુરતીઓ વચ્ચે અત્યારે ટેઈલ કટ્સ કુરતી મહિલાઓ અને યુવતીઓની ફેવરિટ બની છે. ટેઈલ કટ્સવાળી કુરતીમાં ઘણી બધી ચોઈસ પણ મળી રહે છે. પ્રિન્ટેડ અને હેવિ વર્કવાળી ટેઈલ કુરતી મોટાભાગે ર્જ્યોજેટ મટીરિયલમાં જ વધુ જોવા મળે છે અને તે લગભગ દરેક પ્રસંગે પહેરી શકાય છે.
વેસ્ટર્ન વેર
ટેઈલ કટ્સ કુરતી એટલે કે એ કુરતીમાં આગળના કે પાછળના ભાગે અથવા સાઈડમાં એક ટૂંકો કટ હોય એટલે કે એ બાજુએથી કુરતી ટૂંકી હોય. મહિલા અને કોલેજિયન ગર્લ્સમાં આ પ્રકારની કુરતી વધુ પસંદગી પામી રહી છે. કારણ કે આ એક બેસ્ટ વેસ્ટર્ન વેર છે. ટેઈલ કટ કુરતીમાં પણ અલગ અલગ વેરાઈટી ઉપલબ્ધ છે. જો તમને પસંદ હોય અને તમારા ફિગરને સૂટ કરે તો વિધાઉટ બોટમ આ કુરતી વનપીસ તરીકે પણ પહેરી શકાય.
પ્રસંગે શોભે
સામાન્ય રીતે હેવિ સાડી કે ઘાઘરા ચોલી કરતાં આ કુરતી લગ્નપ્રસંગે કમ્ફર્ટેબલ પણ રહે છે અને તમારા બજેટમાં જોઈએ એવી કુરતી મેળવી શકો છો. આ કુરતીને ટ્રોડિશનલ લૂક આપવો હોય તો નીચે ઘેરદાર ચણિયો પહેરી શકાય અને જો તમારો ઈન્ડો વેસ્ટર્ન લૂક જોઈતો હોય તો સિલ્ક પેન્ટ કે ચૂડીદાર પણ પહેરી શકાય.
પાર્ટી માટે પરફેક્ટ
ટૂંકી અથવા તો ઘૂંટણ સુધીની લંબાઈ ધરાવતી આ કુરતી ક્લબિંગ, પાર્ટી, કિટ્ટી પાર્ટી અને ડેટિંગ પર જતી વખતે લેગિંગ્સ, જેગિંગ્સ, જિન્સ અને ટ્રેગિંગ્સ સાથે પહેરી શકાય. આની સાથે એસેસરીઝમાં મોર્ડન જ્વેલરી પહેરી શકાય. જો બપોરે તડકામાં જવાના હોવ તો સનગ્લાસીસ અને ફ્લેટ ચંપલ સાથે ફ્રિલવાળી પ્રિન્ટેડ કુરતી પહેરી શકાય.
ફેશન એકર્સપર્ટની સલાહ
ફેશન એક્સપર્ટ્સ કહે છે કે ફેસ્ટિવલમાં કે પ્રસંગે સામાન્ય રીતે મહિલાઓ તેમના ડ્રેસના કલર્સ અને કટ માટે બહુ જ સજાગ હોય છે. ટેઈલ કટ હમણાં ઇનટ્રેન્ડ છે. બ્રાઈટ કલર્સમાં પારસીવર્ક, જરદોશીવર્ક, મોટિવ એમ્બ્રોઈડરી વર્ક અથવા ટેમ્પલ બ્રોકેડ લેસના ઉપયોગથી બનેલી ટેઈલ કુરતી ખૂબ જ રિચ લૂક આપે છે. ટેઈલ ફ્લેરડ કટમાં અનારકલીનાં કોમ્બિનેશનનો પ્યોર જ્યોર્જેટ ડ્રેસ તમને ભીડમાં અલગ તારવી શકે છે. ખાસ વાત એ પણ છે કે તમે તમારા ફિગરને સૂટ કરે એ રીતે ડ્રેસમાં ટેઈળ કટ કરાવો એ પણ મહત્ત્વનું છે.