નવી દિલ્હીઃ મોટા ભાગના વિકસિત દેશો માને છે કે, મહિલા અને પુરુષોના વેતનમાં અસમાનતા લગભગ સમાપ્ત થઇ ગઇ છે, પરંતુ એક સર્વેક્ષણ મુજબ કામકાજના સ્થળે આ ભેદભાવને સમાપ્ત કરવામાં હજુ પણ ૮૦ વર્ષ લાગશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે વૈશ્વિક સ્તરે કરેલા પુરુષો અને મહિલાઓ વચ્ચેના ભેદભાવ અંગે એક સર્વેક્ષણ બાદ આપેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે, કામના સ્થળે ભેદભાવને સમાપ્ત કરવા માટે હજુ પણ ૮૦ વર્ષ જેટલો સમય લાગશે. ગ્લાસડોરના એક સર્વેક્ષણમાં એવું ટાંકવામાં આવ્યું છે કે, મહિલાઓ અને પુરુષોના વેતનમાં સમાનતા હજુ પણ ઘણી મોટી ચર્ચાનો વિષય છે. વૈશ્વિત સ્તરે પણ આ અંગે ઘણી ચર્ચાઓ થઇ ચૂકી છે. પુરુષો અને મહિલાઓ વચ્ચેના વેતનમાં અસમાનતા અંગેની જોરદાર ચર્ચાઓ વચ્ચે વિકસિત દેશોના મોટા ભાગના લોકોનું માનવું છે કે, તેમના વેતનમાં કોઇ અંતર હોતું નથી.
અમેરિકાની કેરિયર વેબસાઇટ ગ્લાસડોર દ્વારા સાત વિકસિત દેશોમાં કરાયેલા અભ્યાસમાં ૭૦ ટકા લોકોનું માનવું છે કે, પુરુષો અને મહિલાઓને સમાન વેતન મળે છે અથવા તેમના વેતનમાં કોઇ અંતર હોતું નથી. આ સર્વેક્ષણ અમેરિકા, કેનેડા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ તથા સ્વિત્ઝર્લેન્ડમાં કરવામાં થયું છે. સર્વેક્ષણમાં સામેલ ૧૦માંથી સાત પુખ્ત લોકો માને છે કે નિમણૂક કરનારાઓ દ્વારા સમાન કાર્ય માટે મહિલાઓ અને પુરુષોને સમાન વેતન આપવામાં આવે છે. સરવેમાં સામેલ ૭૦ ટકા મહિલઓનું માનવું છે કે, નિમણૂક કરનારા મહિલાઓ અને પુરુષોને સમાન વેતન આપે છે.
ભારતની સ્થિતિ
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વાર કરાયેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં કામ કરતા મહિલા અને પુરુષોમાં વેતન મામલે અસમાનતા ઓછી થઇ છે અને ભારત અસમાનતા મામલે ૧૪૫મા સ્થાનેથી ૧૦૮ સ્થાને આવી ગયો છે.
સર્વેક્ષણકારોએ પણ અસમાનતા સ્વીકારી
એક તરફ ગ્લાસડોર દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં સાત વિકસિત દેશોમાં મહિલા અને પુરુષો કર્મીઓએ વેતનમાં અસમાનતાને નકારી છે છતાં આ સર્વેક્ષણકારો માને છે કે, લોકો ભલે કહે કે, અસમાનતા નથી પરંતુ હજુ ઘણા દેશોમાં વેતન મામલે મહિલા અને પુરુષોમાં અસમાનતા રહેલી છે. આ અંગે ગ્લસડોરે કહ્યું છે કે, આવા વિચારો ફક્ત કર્મચારીઓએ પોતાની ભાવનાઓને આધારે આપ્યા છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું તારણ
૮૦ વર્ષ લાગશે મહિલા-પુરુષ વેતનમાં સમાનતા લાવવામાં
૯૩ ટકા અમેરિકનો માને છે કે, મહિલા, પુરુષોને સમાન વેતન હોવા જોઇએ
૮૯ ટકા પુખ્ત લોકો વેતનમાં સમાનતાના પક્ષમાં
ગ્લાસડોરનો સરવે
૭૦% મહિલાઓની વેતનમાં સમાનતાની કબૂલાત
૭૭% પુરુષોની વેતનમાં સમાનતાની કબૂલાત