અફઘાનિસ્તાનમાં સ્ત્રી સશક્તિકરણ માટે જંગે ચડનારી મોજદા જમાલદાનો ટીવી ચેટ શો દર શુક્રવારે રજૂ થાય છે. મોજદા મહિલા શોની કર્તાહર્તા છે. ‘ધ મોજદા શો’માં મહિલાઓની સમસ્યા દર્શાવાતી હતી અને મહિલાઓ પરના અત્યાચાર પર અવાજ ઉઠાવવામાં આવતો હતો. આ શો પર જોકે પ્રતિબંધ પણ લાગ્યા. જોકે મોજદા જરાય પરેશાન ન થઇ. તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓ માટેનો જંગ જારી રાખ્યો. હવે તે સોશિયલ મીડિયા પર જ પોતાનું અભિયાન ચલાવી રહી છે. આ વાત તેણે તેના જીવન પર બનેલી ફિલ્મ ‘વોઇસ ઓફ રિબેલિયન’માં જણાવી છે, જે તાજેતરમાં રિલીઝ થઇ છે. ગૃહયુદ્ધથી ત્રાસીને મોજદાનો પરિવાર કેનેડા જતો રહ્યો હતો. ત્યારે તે ૫ વર્ષની હતી. કેનેડાથી જ તેણે તાલિબાની તબાહીના દ્રશ્યો જોયા. વાનકૂંવરમાં મોજદીની માતાએ સલૂનમાં અને પિતાએ બેકરીનું કામ શરૂ કરી દીધું પણ મોજદાને તો અફઘાનિસ્તાનમાં રહેતા ફ્રેન્ડ્સ, સંબંધીઓની યાદ સતાવતી હતી.
વર્ષ ૨૦૦૯માં એક ટેલેન્ટ શોમાં ભાગ લેવા તે કાબૂલ આવી. સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીઓ પર એસિડ એટેક વિરુદ્ધનું ગીત અફઘાનમાં પસંદ કરાયું અને તે ‘અફઘાન ગર્લ’ બની ગઈ. તેણે તત્કાલીન અમેરિકી પ્રમુખ ઓબામા સમક્ષ પણ તેની પ્રસ્તુતિ કરી. તેનાથી જ તેને શોમાં તક મળી. શોમાં ઘણી વાર ટીવી સ્ટેશન પર હુમલા પણ થયા છતાં શો ચાલતો. ૩૦ વર્ષની મોજદાના કહેવા મુજબ, તે વિચારતી હતી કે તેની ગમે ત્યારે હત્યા થઇ શકે છે. અલબત્ત, તેની પાસે કેનેડાનું નાગરિકત્વ હતું. ગમે ત્યારે કેનેડાના દૂતાવાસમાં જઇને સુરક્ષા માગી શકતી હતી પણ તેવું ન કર્યું. આજે મોજદા અફઘાન છોકરીઓ માટે ફારસી-અંગ્રેજીમાં ગીતો ગાય છે, તેમને તેમના હકો વિશે જણાવે છે.