સ્ત્રીઓ પર સ્ટ્રોકનો ખતરો પુરુષો જેટલો જ હોય છે

Wednesday 04th February 2015 08:12 EST
 
 

હાર્ટ-પ્રોબ્લેમ્સ ફક્ત પુરુષોને જ થાય છે એવું જો તમે માનતા હોય તો તે ખોટું છે. હકીકત એ છે કે સ્ત્રીઓમાં પણ એ જોખમ એટલું જ પ્રબળ હોય છે. આથી તમારે પણ પુરુષો જેટલા જ સાવચેત રહેવાની જરૂર છે

શરીરનો ખૂબ મહત્ત્વનો ભાગ એટલે હૃદય. મોટા ભાગના આરોગ્ય નિષ્ણાતો સહુ કોઇને હૃદયની સંભાળ કઈ રીતે રાખવી અને કઈ રીતે સ્ટ્રોકથી બચવું એની સલાહ આપતા જોવા મળે છે. ૩૫ વર્ષથી ઉપરના મોટા ભાગના લોકો ડાયટ અને એક્સરસાઇઝ પર એટલે જ ધ્યાન આપતા હોય છે કે તેઓ હાર્ટ-પ્રોબ્લેમ્સથી બચવા માગે છે. આ બાબતે ધીમે-ધીમે અવેરનેસ આવી રહી છે એનું એક કારણ ડર પણ છે, કારણ કે આજે લગભગ દરેક કુટુંબમાં એકાદ વ્યક્તિ હાર્ટ-પેશન્ટ જોવા મળે છે. વળી, હાર્ટ-ડિસીઝને ઉંમર જોડે કોઈ લેવા-દેવા નથી એટલે કે ૩૦-૪૦ વર્ષની નાની વયે પણ વ્યક્તિ હાર્ટ-પેશન્ટ હોઈ શકે છે.

ઘણા લોકો માને છે કે હાર્ટના પ્રોબ્લેમ્સ ફક્ત પુરુષોને જ થાય છે, સ્ત્રીઓને નહીં. તો શું હદય-રોગથી મૃત્યુ પામનારા બધા પુરુષો જ છે? બિલકુલ નહીં. આ વાત સાચી નથી એવું જણાવતાં નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટો કહે છે કે સ્ત્રીઓમાં હાર્ટ-પ્રોબ્લેમ્સ મોટા ભાગે તેમના મેનોપોઝના સમય પછી શરૂ થાય છે. જોકે આજના સમયમાં જ્યારે સ્ત્રીઓની લાઇફ-સ્ટાઇલ બરાબર નથી ત્યારે સ્ટ્રેસ, ઓબેસિટી, ડાયાબિટીસ, બ્લડ-પ્રેશર જેવા ઘણા પ્રોબ્લેમ ૩૦ વર્ષની ઉંમરથી જ સ્ત્રીઓમાં જોવા મળે છે ત્યારે મેનોપોઝ પહેલાં પણ ઘણી સ્ત્રીઓને હાર્ટ-પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. એક રીતે જોઇએ તો, પુરુષ અને સ્ત્રી બન્નેમાં હાર્ટને લગતા પ્રોબ્લેમ્સનું પ્રમાણ એકસરખું છે.

આમ સ્ત્રીઓએ પણ પુરુષો જેટલું જ ડરવાનું છે, સાવધાન રહેવાનું છે અને હૃદયને લગતા જેટલા પણ પ્રોબ્લેમ્સ છે એના પ્રત્યે સજાગ થવાનું ખૂબ જરૂરી છે. તાજેતરમાં જાહેર થયેલા અમેરિકન હાર્ટ અસોસિએશનના આંકડાઓ મુજબ દર વર્ષે પુરુષોની સરખામણીએ ૫૫,૦૦૦ વધુ સ્ત્રીઓ સ્ટ્રોકનો ભોગ બની રહી છે. આથી તેના દ્વારા ખાસ સ્ત્રીઓ માટેની ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે જેનો ઉપયોગ કરીને તેઓ પોતાને સ્ટ્રોકથી બચાવી શકે છે. આ ગાઇડલાઇન્સ મુજબ સ્ત્રી અને પુરુષમાં સ્ટ્રોક આવવા માટેનાં જવાબદાર કારણો મોટા ભાગે સરખાં હોય છે, પરંતુ અમુક કારણો એવાં પણ છે જે ફક્ત સ્ત્રીઓમાં જોવા મળે છે. હાઈ બ્લડ-પ્રેશર, હાઈ કોલેસ્ટરોલ, ડાયાબિટીસ, સ્મોકિંગ અને ઓબેસિટી સ્ત્રી અને પુરુષમાં કોમન કારણો છે જેને કારણે સ્ટ્રોક આવી શકે; પરંતુ પ્રેગ્નન્સી, બાળકને જન્મ આપવો અને હોર્મોન્સ જેવાં કારણો ફક્ત સ્ત્રીઓ પર લાગુ પડે છે અને એ સ્ટ્રોક સાથે સંબંધિત પણ છે. ગાઇડલાઇન્સ મુજબ આમ પણ સ્ત્રીઓ પુરુષો કરતાં લાંબું જીવે છે તો તેમના પર સ્ટ્રોકનું રિસ્ક પણ સ્વાભાવિકપણે જ લંબાઈ જાય છે. એટલે કે જીવે ત્યાં સુધી તેમને આ બાબતે સજાગ રહેવું ખૂબ જરૂરી છે. એમાં એમ પણ નોંધવામાં આવ્યું છે કે સ્ટ્રોક પછીની રિકવરી પણ સ્ત્રીઓમાં ધીમે-ધીમે આવે છે જેની સીધી અસર તેમની ક્વોલિટી લાઇફ પર પડે છે એટલે કે તેઓ પહેલાં જેવું તંદુરસ્ત જીવન જીવી શકતી નથી. આ કારણસર પણ સ્ત્રીઓએ એનાથી બચવું જરૂરી છે.

પ્રેગ્નન્સીમાં જોવા મળતા લક્ષણો

ગાઇડલાઇન્સ મુજબ સ્ત્રી પ્રેગ્નન્ટ બને છે ત્યારે જ વેસ્ક્યુલર ડિસીઝનાં પહેલાં ચિહનો સામે આવે છે. ખાસ કરીને જે સ્ત્રીઓને પ્રેગ્નન્સી દરમિયાન ઇક્લેમ્પસિયા કે પ્રીક્લેમ્પસિયા જેવા રોગ થાય છે તેમના પર પછીથી સ્ટ્રોક આવવાની શક્યતા બમણી થઈ જાય છે. પ્રીક્લેમ્પસિયા એટલે પ્રેગ્નન્સી દરમિયાન આવતું હાઈ બ્લડ-પ્રેશર અને ઇક્લેમ્પસિયા એટલે એ દરમિયાન હાઈ બ્લડ-પ્રેશર સાથે આવતી ફિટ એટલે કે આંચકીઓની તકલીફ. એ વિશે સમજાવતાં નિષ્ણાતો કહે છે કે પ્રેગ્નન્સીમાં જે સ્ત્રીઓને બ્લડ-પ્રેશરની સમસ્યા સતાવે છે તેમના માટે સમજો કે એક અલાર્મ છે કે તેમને ભવિષ્યમાં બ્લડ-પ્રેશરનો પ્રોબ્લેમ થશે જ. આમ તે સ્ત્રીઓએ ખૂબ જ કાળજી અને ચોકસાઈ રાખવી જરૂરી છે. ખાસ કરીને તેમણે પોતાની લાઇફ-સ્ટાઇલ એકદમ વ્યવસ્થિત રાખવી જેને કારણે આ સમસ્યા વકરે નહીં. આ ઉપરાંત ગાઇડલાઇન્સ મુજબ જે સ્ત્રીઓને ઓરા સાથેના માઇગ્રેનની તકલીફ હોય તેમને પણ સ્ટ્રોકનું રિસ્ક વધારે હોય છે એટલે તેમણે પણ સાવચેતી રાખવી જરૂરી છે.

બર્થ કન્ટ્રોલ પિલ

આ ગાઇડલાઇન્સમાં સૌથી ચોંકાવનારી માહિતી એ છે કે જે સ્ત્રી બર્થ કન્ટ્રોલ પિલ્સ લેતી હોય તેમણે પણ ખૂબ સજાગ રહેવું, કારણ કે તેના પર મિડલ એજમાં સ્ટ્રોકનું રિસ્ક વધારે હોય શકે છે. ભારતમાં તો મોટા ભાગના ગાયનેકોલોજિસ્ટ બર્થ કન્ટ્રોલ પિલ્સ સજેસ્ટ કરતા હોય છે અને સરકાર દ્વારા માન્ય ક્ષેત્રોમાં પણ એને એકદમ સુરક્ષિત હોવાનું પ્રમાણપત્ર મળેલું છે. તો એને કારણે સ્ટ્રોકનું રિસ્ક કેવી રીતે વધી જાય? આ પ્રશ્નના જવાબમાં નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ કહે છે કે આ ગાઇડલાઇન્સ મુજબ જે સ્ત્રીઓ સ્મોકિંગ કરતી હોય અથવા જેમને પહેલેથી બ્લડ-પ્રેશરનો પ્રોબ્લેમ હોય એવી સ્ત્રીઓએ બર્થ કન્ટ્રોલ પિલ્સ ન લેવી, કારણ કે એનું કોમ્બિનેશન સ્ટ્રોક માટેનું રિસ્ક બની શકે છે. આમ મુખ્ય પ્રોબ્લેમ તો સ્મોકિંગ અને બ્લડ-પ્રેશર જ છે, પરંતુ જો એની સાથે પિલ્સ ભળે તો રિસ્ક વધે એવું કહેવામાં આવ્યું છે.

આટલું ધ્યાન અવશ્ય રાખવું

• જે સ્ત્રીને હાઈ બ્લડ-પ્રેશરનો પ્રોબ્લેમ પ્રેગ્નન્સી પહેલાંથી જ રહેતો હોય તેને પ્રેગ્નન્સી દરમિયાન એસ્પિરિનનો લો-ડોઝ અને કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ આપવાં ખૂબ જરૂરી છે.

• જે સ્ત્રીઓને પ્રેગ્નન્સી દરમિયાન બ્લડ-પ્રેશર કે ડાયાબિટીસ હોય તેમણે ડિલિવરી પછી પણ સતત થોડા-થોડા સમયે પોતાનું બ્લડ-પ્રેશર અને ડાયાબિટીસ ચેક કરાવતાં રહેવું જરૂરી છે. જો થોડું પણ વેરિયેશન આવે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી.

• બર્થ કન્ટ્રોલ પિલ્સ લેતાં પહેલાં એ તપાસ કરવી જરૂરી છે કે સ્ત્રીને બ્લડ-પ્રેશર છે કે નહીં.

આમ તો કોઈ પણ સ્ત્રીએ સ્મોકિંગ અને આલ્કોહોલથી દૂર જ રહેવું જોઇએ, પરંતુ જે સ્ત્રીઓ માઇગ્રેનથી પીડાતી હોય તેમણે તો અચૂકપણે સ્મોકિંગ ટાળવું જ જોઇએ.

• બેલેન્સ્ડ ડાયટ, રેગ્યુલર એક્સરસાઇઝ અને હેલ્ધી લાઇફ-સ્ટાઇલ અપનાવો.

• ડાયાબિટીસ, બ્લડ-પ્રેશર, કોલેસ્ટરોલ, ઓબેસિટી અને હાર્ટ-બીટ્સની રિધમનો પ્રોબ્લેમ જેને આર્ટિયલ ફિબ્રિલેશન કહે છે એ આજે પણ સ્ટ્રોકનાં મુખ્ય કારણોમાંનું એક છે. આથી જેમને એ પ્રોબ્લેમ હોય તેમણે રેગ્યુલર ચેક-અપ અને દવાઓ દ્વારા એને કન્ટ્રોલમાં રાખવું જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter