ઇશ્વરે સ્ત્રી અને પુરુષનાં શરીર અનેક પ્રકારે અલગ બનાવ્યા છે એ તો સમજ્યા, પરંતુ એક જ વસ્તુની અસર પણ તેમના શરીર પર અલગ અલગ થથી હોવાનું એક નહીં, અનેક અભ્યાસમાં પુરવાર થયું છે. પહેલાં અમુક ચોક્કસ સ્ત્રીરોગ સિવાય બીજા કોઈ પણ રોગ વિશે મનાતું હતું કે સ્ત્રી અને પુરુષમાં આ રોગ એક સમાન હોય છે, પરંતુ આજે તબીબી જગત સ્વીકારતું થયું છે કે રોગ ભલે એક હોય, પણ એનાં કારણો, એનો પ્રભાવ અને એના ઇલાજની અસર પુરુષ અને સ્ત્રી પર જુદી-જુદી હોય છે.
હાર્ટ-અટેક માટે આજકાલ સ્ટ્રોક શબ્દનો પ્રયોગ પ્રચલિત થયો છે, પરંતુ ખરેખર તો સ્ટ્રોક શબ્દ મેડિકલ સાયન્સમાં હંમેશાં બ્રેઇન-અટેક માટે વપરાતો શબ્દ છે. અહીં પણ મગજને અસર કરતા સ્ટ્રોક માટેની જ વાત છે. વિશ્વભરમાં ૨૯ ઓક્ટોબરે વર્લ્ડ સ્ટ્રોક ડે ઉજવાય છે. દર વર્ષે જુદી જુદી થીમ પર ઉજવતા વર્લ્ડ સ્ટ્રોક ડેની આ વર્ષની થીમ હતી આઇ એમ વુમન. સ્ત્રીઓ અને બ્રેઇન-સ્ટ્રોકનો પરસ્પર સંબંધ છે એ વિશે બહુ ઓછા લોકો જાણે છે. આથી લોકોમાં જાગૃતિ લાવવા આ થીમ પર પસંદ કરાઇ હતી.
સ્ત્રીઓને પણ બ્રેઇન-સ્ટ્રોક થઈ શકે છે એટલું જ નહીં, તેમના પર સ્ટ્રોકનું રિસ્ક પુરુષો કરતાં વધુ હોય છે. વળી આંતરરાષ્ટ્રીય આંકડાઓ મુજબ સ્ટ્રોકથી મૃત્યુનું પ્રમાણ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે, કારણ કે તેમને સમયસર મેડિકલ હેલ્પ મળતી નથી. સ્ટ્રોકથી તેમના મગજ પર જે અસર થાય છે એ પુરુષોની સરખામણીએ વધુ હોય છે અને સ્ટ્રોક પછી સ્ત્રી પર ડિપ્રેશનનો ભોગ બનવાનું રિસ્ક ઘણું વધારે રહે છે.
ઇન્ટરનેશનલ ગાઇડલાઇન્સ મુજબ સ્ત્રીઓ પર સ્ટ્રોકનું રિસ્ક પુરુષો કરતાં વધુ જોવા મળે છે. આ અંગે ન્યુરોલોજિસ્ટ્સ કહે છે કે બ્રેઇન-સ્ટ્રોક થવા પાછળ એક મૂળભૂત કારણ છે હોર્મોન્સમાં આવતો બદલાવ, જે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. સૌથી વધુ હોર્મોનલ ચેન્જ સ્ત્રીઓમાં પ્રેગ્નન્સી દરમિયાન આવે છે. આમ પ્રેગ્નન્સીમાં થતાં હોર્મોનલ ફેરફારો સ્ટ્રોક માટેનું રિસ્ક-ફેક્ટર છે. આજકાલ જે વધુ જોવા મળે છે એવી તકલીફોમાં જો સ્ત્રીને બ્લડ-પ્રેશર, ડાયાબીટીસ, થાઇરોઇડ જેવાં રિસ્ક-ફેક્ટર જણાય તો સ્ટ્રોકનું જોખમ ખૂબ જ વધી જાય છે. વળી સ્ત્રીઓના ઘણી બીમારીઓમાં હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરપીનો ઇલાજના સ્વરૂપે ઉપયોગ થાય છે. આ થેરપી પણ એક રિસ્ક-ફેક્ટર છે.
પુરુષોમાં જોવા મળતા સ્ટ્રોકના રિસ્ક-ફેક્ટર હાઈ બ્લડ-પ્રેશર, ડાયાબીટીસ, કોલેસ્ટરોલ, ઓબેસિટી વગેરે સ્ત્રીઓમાં પણ કોમન જ છે; ઊલટું સ્ત્રીઓ એનો ભોગ વધુ સરળતાથી બનતી હોય છે. આ ઉપરાંત સ્મોકિંગ પણ ખૂબ અગત્યનું રિસ્ક-ફેક્ટર છે જે પુરુષોની સાથોસાથ આજે સ્ત્રીઓમાં પણ એ વધેલું જોવા મળ્યું છે. આજકાલ મોટા ભાગના ગાયનેકોલોજિસ્ટ એટલે કે સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર્સ સ્ત્રીઓને બર્થ-કન્ટ્રોલ પિલ્સ આપતા હોય છે, જે તેમના મતે બર્થ-કન્ટ્રોલ કરવા માટેનો સેફ ઓપ્શન ગણાય છે, પરંતુ આ ઓપ્શન બિલકુલ સેફ નથી એમ સમજાવતાં નિષ્ણાતો કહે છે કે બર્થ-કન્ટ્રોલ પિલ્સનો લાંબા ગાળાનો ઉપયોગ સ્ત્રીઓમાં હોર્મોન્સના પ્રોબ્લેમ સર્જે છે, કારણ કે આ દવાઓ હોર્મોન સંબંધિત દવાઓ જ હોય છે.
વળી, જે સ્ત્રીઓને બ્લડ-પ્રેશરનો પ્રોબ્લેમ હોય અથવા પ્રેગ્નન્સી વેળા બ્લડ-પ્રેશરનો પ્રોબ્લેમ આવ્યો હોય તેમણે તો બિલકુલ જ આ દવાઓ ન લેવી, કારણ કે બ્લડ-પ્રેશર અને બર્થ-કન્ટ્રોલ પિલ્સ બન્ને ભેગાં થઈને સ્ત્રી પર સ્ટ્રોકના રિસ્કમાં ધરખમ વધારો કરી દે છે.
લક્ષણો પણ અલગ અલગ
સ્ટ્રોકનાં જે ચોક્કસ લક્ષણો છે, જેમ કે બોલવામાં ગરબડ થવી, પેરેલિસિસ થવો, ચાલવામાં તકલીફ પડવી, બરાબર દેખાય નહીં વગેરે લક્ષણો સ્ત્રીઓમાં જોવા મળતાં નથી. સ્ત્રીઓનાં લક્ષણો થોડાંક જુદાં હોય છે એ સમજાવતાં ન્યુરોલોજિસ્ટ્સ કહે છે કે સ્ત્રીમાં અચાનક જ આવતાં નાનાં પરિવર્તનો પણ અવગણવાં ન જોઈએ. ઉદાહરણ તરીકે, અચાનક જાગ્રત અવસ્થામાંથી થોડુંક તંદ્રામય બનવું કે ભાન ભૂલવું, બેભાન થઈ જવું, અચાનક જ અશક્તિ આવી જાય, કન્ફ્યુઝન પેદા થઈ જાય, વ્યાકુળતા આવી જાય, કોઈ ભ્રમ જન્મે અથવા તો આંચકી આવે. જો સ્ત્રીમાં અચાનક જ આ પ્રકારનો કોઈ ફેરફાર આવે અને એકદમ જ જતો રહે તો પણ ડોક્ટર પાસે તાત્કાલિક જવું જરૂરી છે. નહીંતર આ સ્ટ્રોકને પકડી શકાતો નથી અને શરીરને નુકસાન વધતું જાય છે.
બીમારીનો ઇલાજ શું?
અગાઉના સમયમાં જ્યારે ડોક્ટર કોઈ દવા આપતા ત્યારે ઉંમર અને વ્યક્તિનું વજન ચકાસીને દવા આપતા. આ સિવાય સ્ત્રી અને પુરુષનો ભેદ દવાઓમાં નહોતો, પરંતુ આજની તારીખમાં તબીબી વિજ્ઞાન એવું માનતું થયું છે કે સ્ત્રી અને પુરુષનું શરીર જુદું-જુદું છે અને એટલે જ બન્ને પર દવાઓની અસર જુદી-જુદી થાય છે. જો દરદીને સમયસર દવાખાને પહોંચાડવામાં આવે તો વ્યક્તિને સ્ટ્રોકની ઘાતક અસરથી બચાવી શકાય છે, પરંતુ એક ખાસ અવલોકન કહે છે કે સ્ત્રીઓમાં અને પુરુષોમાં આ દવાઓની અસર પણ જુદી-જુદી છે.
આ ન્યુરોલોજિસ્ટ્સ કહે છે કે સ્ત્રી અને પુરુષના મેટાબોલિઝમમાં ઘણો ફરક છે. સ્ત્રીઓનું મેટાબોલિઝમ થોડું સ્લો હોય છે, એથી જોવા મળે છે કે સ્ત્રીઓ સ્ટ્રોકની દવાઓ ખમી શકતી નથી. સ્ત્રીઓમાં સ્ટ્રોકની દવાઓ બાદ સાઇડ-ઇફેક્ટ્સનું પ્રમાણ ઘણું પ્રબળ જોવા મળે છે. થોડાં વર્ષો પહેલાં જ્યારે કોઈ નવી દવા બનતી અને એ દવાની ટ્રાયલ કરવામાં આવતી ત્યારે એ ટ્રાયલમાં પણ સ્ત્રી અને પુરુષનો રેશિયો સરખો નહોતો રાખવામાં આવતો. આથી જ સ્ત્રી અને પુરુષ પર એની અસર અલગથી સમજી શકાતી નહોતી. જોકે આજે બહોળા પ્રમાણમાં સ્ત્રીઓ પર દવાઓની સાઇડ-ઇફેક્ટ્સનું પ્રમાણ જોઈને એ એક જાગૃતિ આવી છે કે સ્ત્રી અને પુરુષોની દવાઓ અલગ હોવી જોઈએ. પર્સનલાઇઝ્ડ દવાનો કન્સેપ્ટ અહીં લાગુ પડે છે.
ચેતતી નારી સદા સુખી
ચેતતા નર જ સદા સુખી એવું નથી, નારીઓને પણ આ વાત લાગુ પડે છે. મહત્વની વાત એ છે કે સ્ત્રીઓ સ્વીકારે કે તેમના પર બ્રેઇન-સ્ટ્રોકનું રિસ્ક ઘણું વધારે છે અને એ બાબતે સતર્કતા પણ કેળવે. ખાસ કરીને ૫૦ વર્ષથી ઉપરની સ્ત્રીઓએ એ ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈ પણ પ્રકારના અચાનક ફેરફારને એ અવગણે નહીં અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને ટેસ્ટ કરાવે. આ ઉપરાંત પહેલેથી જ સ્ટ્રોક માટેનું રિસ્ક વધારનારાં પરિબળો જેમ કે બર્થ-કન્ટ્રોલ પિલ્સ, હોર્મોન-રિપ્લેસમેન્ટ થેરપીથી દૂર રહે. લાઇફ-સ્ટાઇલ હેલ્ધી રાખો અને કોલેસ્ટરોલ, ડાયાબીટીસ, ઓબેસિટી અને બ્લડ-પ્રેશર જેવા મેટાબોલિક ડિસઓર્ડરથી દૂર રહો. રેગ્યુલર એક્સરસાઇઝ કરો, હેલ્ધી ડાયટ અપનાવો અને સ્મોકિંગની કુટેવથી તો હંમેશા દૂર જ રહો.