સ્ત્રીઓ માટે નર્સિંગ પ્રશિક્ષણ શરૂ કરનાર પ્રથમ : રમાબાઈ રાનડે

પ્રથમ ભારતીય નારી

ટીના દોશી Wednesday 28th June 2023 06:10 EDT
 
 

યમુનાબાઈ કૂર્લેકરને ઓળખો છો ?
આ સવાલનો જવાબ નકારમાં વાળતાં પહેલાં એટલું જાણી લેજો કે યમુનાબાઈ કૂર્લેકર એ બીજું કોઈ નહીં, પણ રમાબાઈ રાનડે પોતે ! યમુનાબાઈ એ રમાબાઈનું પિયરનું નામ હતું. જોકે યમુનાબાઈ તરીકે એને કોઈ ન ઓળખે અને રમાબાઈ નામે કોઈ ન ઓળખે એવું બને
નહીં !
રમાબાઈ એટલે ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેની પત્ની એ ખરું, પણ એની ઓળખ માત્ર પતિના નામ સાથે જોડાયેલી નથી. રમાબાઈ સમાજસેવિકા હતી, સ્ત્રીશિક્ષણને પ્રોત્સાહન આપેલું, બાળવિવાહની નાબૂદી માટે પ્રયત્નો કરેલા, પીડિત સ્ત્રીઓ માટે સેવાસદનની સ્થાપના કરેલી, મહિલા મતાધિકારની પુરસ્કર્તા હતી અને સૌથી મોટું કામ એ કરેલું કે રમાબાઈએ નર્સિંગ ક્ષેત્ર આડે આવતાં અવરોધોને ઓળંગીને સેવાસદન સોસાયટી દ્વારા સ્ત્રીઓને નર્સિંગમાં શિક્ષિત કરેલી. આમ રમાબાઈ રાનડે સ્ત્રીઓ માટે નર્સિંગ પ્રશિક્ષણનો આરંભ કરનાર પ્રથમ ભારતીય મહિલા બની...ભારત સરકારે રમાબાઈની સ્મૃતિમાં ૧૫ ઓગસ્ટ ૧૯૬૨ના રોજ ૧૫ નયા પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડેલી.
રમાબાઈનો જન્મ યમુનાબાઈ તરીકે દેવરાષ્ટ્રે ગામમાં કૂર્લેકર નામે સરદાર કુળમાં ઉમાબાઈ અને માધવરાવ કૂર્લેકરને ઘેર ૨૫ જાન્યુઆરી ૧૮૬૩ના થયો. એ જમાનાના રિવાજ મુજબ પાંચમે કે સાતમે વરસે કન્યાવિવાહ થઈ જતાં, પણ માધવરાવની લાડકવાયી હોવાથી ૧૮૭૩માં રમાનાં લગ્ન અગિયારમે વર્ષે બત્રીસ વર્ષના વિધુર ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે સાથે કરાયાં. લગ્ન પછી કન્યાનું નામ બદલવાના મરાઠી રિવાજ મુજબ યમુનાનું રમા નામે નામકરણ થયું.
મહાદેવ રાનડે ન્યાયમૂર્તિ અને રમાબાઈ નિરક્ષર. પહેલી નજરે જ કજોડું લાગે, પણ આ જોડું જ આગળ જતાં સજોડું સાબિત થયું. રમાબાઈનો ઉછેર જૂની રૂઢિ મુજબ થયો, જયારે મહાદેવનું ઘડતર નવા વિચારો અને નવા વાતાવરણમાં થયેલું. એમણે જયારે જાણ્યું કે રમાબાઈ તદ્દન અશિક્ષિત છે, ત્યારે પાટીપેન લાવીને શ્રી ગણેશાય નમ:નો પાઠ રમાને આપ્યો. રોજ રાત્રે રમાબાઈને ભણાવવામાં ન્યાયમૂર્તિ બે કલાક ગાળતા. પંદરમે દિવસે જયારે રમાબાઈએ બાળપોથીમાંનો પાઠ વાંચી બતાવ્યો ત્યારે મહાદેવ રાનડેને સંતોષ થયો.
ન્યાયમૂર્તિ રાનડેએ ચાકડે ચડાવીને કાચી માટીને આકાર આપતાં કુંભારની કુશળતાથી પત્નીના જીવનને ઘાટ આપ્યો. એને જાહેરજીવન ભણી વાળી. એ પોત સ્ત્રીશિક્ષણ અને વિધવા પુનર્વિવાહના પ્રખર હિમાયતી હતા. એમણે રમાબાઈને પણ આ દિશામાં કામ કરવા પ્રેરી. દરમિયાન, રમાબાઈએ જાહેર જીવનમાં પહેલું પગલું માંડી દીધેલું. ૧૮૭૮માં નાસિક હાઈસ્કૂલના પુરસ્કાર વિતરણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને રમાબાઈએ જાહેર જીવનનો આરંભ કર્યો. ૧૮૯૩થી ૧૯૦૧ સુધી રમાબાઈની સામાજિક પ્રવૃત્તિઓ શિખરે પહોંચેલી. દરમિયાન ૧૬ જાન્યુઆરી ૧૯૦૧માં ન્યાયમૂર્તિનું નિધન થયું. પણ રમાબાઈ પતિએ ચીંધેલા રસ્તે આગળ વધતી રહી.
રમાબાઈ સ્ત્રીઓના ઉત્થાન માટે સતત કાર્યરત રહી. ૨૯ ડિસેમ્બર ૧૯૦૪ના મુંબઈમાં પ્રથમ ભારત મહિલા પરિષદની સ્થાપના કરી. બાળવિવાહને નાબૂદ કરવા અથાક પ્રયત્ન કર્યા. સ્ત્રીઓને નર્સિંગના વ્યવસાયમાં પ્રવેશ મેળવવા પ્રોત્સાહિત કરી. ૨ ઓક્ટોબર ૧૯૦૯ના દિવસે પુણેમાં રમાબાઈને ઘેર પુણે સેવાસદનની સ્થાપના કરવામાં આવી. અગણિત પીડિત મહિલાઓ માટે સેવાસદન ‘ઘરથી દૂર ઘર’ બની ગયું. પ્રથમ ભારતીય નર્સનું પ્રશિક્ષણ સેવાસદનમાં જ થયેલું. મહિલાઓને નર્સિંગ ક્ષેત્રમાં પ્રવેશવા આડેનાં અવરોધો દૂર કરીને સેવાસદનના માધ્યમથી રમાબાઈએ પાયાનું કામ કર્યું.
આ સેવાસદન નાનકડા છોડમાંથી વટવૃક્ષ બની ગયું. મધ્યમવર્ગીય મહિલાઓ માટે સેવાસદન મહાન દેન હતી. રમાબાઈએ ન્યાયમૂર્તિ રાનડેના દેહાંત પછી ચોવીસ વર્ષ સુધી મહિલાઓમાં સામાજિક જાગૃતિ ઉત્પન્ન કરવાનું, તેમની ફરિયાદોનું નિવારણ કરવાનું અને પીડિત મહિલાઓના પુનર્વસન માટે અવિરતપણે કામ કર્યું.
રમાબાઈ નેત્રી બની ગયેલી, છતાં પોતાની સફળતા પાછળ પતિનો હાથ હોવાનું એ ક્યારેય ન ભૂલી. એથી પોતાનો પરિચય આપતાં એ
એટલું જ કહેતી કે, હું તો મારા પતિનો પડછાયો માત્ર છું !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter