હાલમાં પલાઝો ફેશન રેન્જ ફેશન વર્લ્ડમાં ઈનટ્રેન્ડ છે. પલાઝો પેન્ટ્સ મૂળે તો બ્રિટિશ ઈંગ્લિશ ટ્રાઉઝર ફેશન સ્ટાઈલ છે. ખાસ કરીને લાંબી સ્ત્રીઓને પલાઝો જચે છે. આ પેન્ટ્સ થોડી ફ્લોઇ ઇફેક્ટ આપવા માટે મોટા ભાગે સિન્થેટિક બ્લેન્ડવાળું કોટન, શિફોન, પોલિએસ્ટર, જ્યોર્જેટ જેવા ફેબ્રિકમાંથી બનાવવામાં આવે છે અને માટે જ એ ખૂલતા અને ફ્લોવાળી ઇફેક્ટ આપે છે. જોકે સિઝન પ્રમાણે હવે ઠંડીમાં પણ પલાઝો પહેરવાની ફેશન છે. ઠંડમાં થિક કોટન કે વુલન પલાઝો પહેરવાની ફેશન હમણાં ચાલી રહી છે. પલાઝો સાથે રેશમી મલમલ જેવા કાપડના ટોપ અને અફઘાની ટોપ પણ સારા લાગશે. કોટનના પલાઝો સાથે લાંબી કોટનની કુર્તી ખૂબ જ સુંદર લાગે છે. જો વુલન પલાઝો હોય તો સાથે કોટનની કુર્તી કે અંકોડી ભરતથી ભરેલું પોંચો સ્ટાઈલ ટોપ પણ તમને સરસ લુક આપી શકે છે. ઓફિશિયલ વેરમાં પલાઝો સાથે વુલન જર્સી પણ સરસ લાગે છે અને ક્રોપ ટોપ પણ પહેરી શકાય. આ કોમ્બિનેશન ઓફિશિયલ પાર્ટીમાં પણ કરી શકાય છે. જો તમે ટ્રેડિશનલ લુક અપનાવવા માગતા હો તો બાંધણી, બનારસી, કલકત્તી મટિરિયલમાંથી પલાઝો તૈયાર કરાવી શકાય છે. તેની ઉપર એ જ મટીરિયલમાંથી કુર્તા કે કુર્તી કરાવીને પહેરી શકાય. સાથે પ્લેન સ્ટોલ સુંદર દેખાવ આપે છે.
પ્રિન્ટેડ અને પ્લેન
પલાઝો પેન્ટ્સ પ્લેન સારા લાગે છે અને એમાં લાઈટ કે ડાર્ક ગમે એ શેડ પસંદ કરી શકાય. ઓફિશિયલ વેર તરીકે પલાઝોની પસંદગી કરતા હો તો બ્લુ, ચોકલેટ, બ્લેક કે ગ્રે જેવા ડાર્ક રંગો પસંદ કરવા. દેખાવમાં એ વાઇડ બોટમ્ડ ટ્રાઉઝર સમાન લગતા હોવાથી એને ફોર્મલ બ્લાઉઝ સાથે હાઈવેસ્ટ પહેરી, સાથે બેસ્ટ પહેરી ટોટલ ફોર્મલ લુક અપનાવી શકાય. પલાઝો બેઝ અને લાઇટ પિન્ક જેવા રંગોમાં અને થોડા શાઇની ફેબ્રિકમાં પણ સારા લાગે છે. બીજી બાજુ ખૂલતા ધીતી ટાઈપ કે અફઘાની પલાઝો પેન્ટ્સ પ્લેન કે પ્રિન્ટેડ બધી રીતે સારા લાગે છે. ટ્રાઈબલ પ્રિન્ટ, ફ્લોરલ પ્રિન્ટ, સ્ટ્રાઈપ્સ અને ચેકર્ડ, આ બધી ડિઝાઇનો ધોતી પલાઝોમાં સારી લાગે છે.
કોમ્બિનેશન
પલાઝો પેન્ટ્સ હાઈવેસ્ટ અથવા મિડ-વેસ્ટ હોય છે. માટે એની સાથે જેકેટથી માંડીને પાતળા શિફોનમાંથી બનાવેલાં બ્લાઉઝ જેવા ટ્યુનિક પણ સારા લાગે. આ સિવાય સ્પેગેટી ટોપ પણ પલાઝો સાથે શોભે છે. જો કુરતી સાથે પેન્ટની જેમ પલાઝો પહેરવું હોય તો નિતંબ સુધીની લંબાઈવાળી શોર્ટ કુરતી પસંદ કરવી. ફ્રીલવાળું ટોપ પણ પલાઝો સાથે પહેરી શકાય. કુરતીથી લઈને ટી-બેગ સ્ટાઇલનાં ટી-શર્ટ અને ટોપ્સ બધું જ પણ મેચ કરીને પલાઝો સાથે પહેરી શકાય છે. કોન્ટ્રાસ્ટ કલરનાં ટી-શર્ટ અથવા ટોપ્સ સારાં લાગશે.
કમ્ફર્ટ કેઝ્યુઅલ વેર
બજારમાં કેઝ્યુઅલ વેર તરીકે પહેરાતા પલાઝો પણ મળી જ રહે છે. કોલેજ ગર્લ્સ તેમજ યંગ પ્રોફેશનલ યુવતીઓમાં વધુ લોકપ્રિય બનેલા આ પલાઝો ફોર્મલ કે સેમી-ફોર્મલ તરીકે પણ પહેરી શકાય છે.