કેલ્શિયમ એ શરીર અને ખાસ કરીને હાડકાં માટે ખૂબ જ અગત્યનું તત્ત્વ છે જ્યારે મહિલાઓ 40 વર્ષની વયે પહોંચે છે ત્યારે તેમનું મેટાબોલિઝમ અને હોર્મોન્સમાં નોંધપાત્ર પરિવર્તન આવે છે જેના લીધે કેલ્શિયમ અને વિટામિન-ડીની ઊણપ સર્જાય છે. આનાથી થતી મુશ્કેલીઓ તેના નિવારણ માટે કેલ્શિયમ અને વિટામિનનું મહત્વ જાણવું જરૂરી છે.
હોર્મોન્સમાં પરિવર્તનના પગલે ઈસ્ટ્રોજન ઘટવાથી મહિલાઓમાં હાડકાંની ઘનતા (ડેન્સિટી) ઘટે છે. આ સમયે હાડકાંની મજબૂતાઈ માટે ઘૂંટણના તેમજ સાંધાના ઘસારા તેમજ કમરનો દુખાવો રોકવા માટે, પ્રેગ્નન્સી વેળા બાળકના ગર્ભવિકાસમાં કેલ્શિયમ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત કેલ્શિયમની કમીના કારણે ઉંમર વધવાની સાથે હાડકાં બરડ (ઓસ્ટીઓપોરોસીસી) થવાની સમસ્યા સર્જાય છે. આ સ્થિતિ નિવારવા માટે શરીરમાં પૂરતાં પ્રમાણમાં કેલ્શિયમ હોવું આવશ્યક છે. આ ઉપરાંત સંશોધનો દર્શાવે છે કે મહિલાઓમાં મેટાબોલિક સિન્ડ્રોમ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ તેમજ હ્ય્દયરોગના પ્રિવેન્શન માટે પણ કેલ્શિયમ અને વિટામિન-ડી બંને અગત્યના છે.
કોણે વિશેષ કાળજી લેવી જોઇએ?
• જે લોકો સંપૂર્ણ શાકાહારી છે • પ્રેગ્નન્ટ અને સ્તનપાન કરાવતી મહિલાઓ કે જેમને પૂરતું કેલ્શિયમ મળતું નથી.• 40 વર્ષથી મોટી ઉંમર મહિલાઓ • લાંબા અરસા માટે જેમણે સ્ટેરોઈડયુક્ત દવાની સારવાર લીધી હોય • પેટનાં આંતરડાંની લાંબી બીમારી ધરાવતા દર્દીઓ. વગેરે...
આ ઊણપ કઇ રીતે પૂરી શકાય?
નિયમિત સંતુલિત આહાર લો. આ માટે કેલ્શિયમ અને વિટામિન-ડી પર્યાપ્ત માત્રામાં હોય તેવી ચીજવસ્તુઓને રોજિંદા ભોજનમાં સામેલ કરો. જેમ કે, દૂધ, ચીઝ, દહીં, ડેરી પ્રોડક્ટસ, કેળાં, જામફ્ળ, પાલક, સંતરાં, સોયાબીન, લીલા શાકભાજી, બદામ, મગફ્ળી જેવા નટ્સ વગેરેમાંથી બંને પ્રચુર માત્રામાં મળે છે.
ખાસ યાદ રાખો કે ત્વચા એ વિટામિન-ડીની ફેક્ટરી છે, જે સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન-ડીનું સંશ્લેષણ કરે છે. આથી જ્યારે કુદરત મોકો આપે, વેધર ક્લિન હોય ત્યારે 15 મિનિટ કુમળા સૂર્યપ્રકાશમાં બેસવું જોઇએ.
કેલ્શિયમ અને વિટામિન-ડીનાં કાર્યો એકબીજાને પૂરક છે અને મહિલાઓના નિરામય સ્વાસ્થ્ય માટે તેનું આગવું મહત્ત્વ છે. જો નખ બટકણાં થઇ ગયા હોય, વાળ વધુ પડતા તૂટતા હોય વગેરે જેવા લક્ષણો કેલ્શિયમની ઊણપનાં આગોતરા સંકેત છે. જો આવા લક્ષણો દેખાતા હોય તો તમારા જીપીને કન્સલ્ટ કરો. તેઓ તપાસ કરીને જરૂર હશે તો ટેસ્ટ કરાવવાની સલાહ આપશે. તેમની સલાહ મુજબ જરૂરી ટેસ્ટ કરાવી, ટેબ્લેટ લઇને આ ઊણપ ઓછી કરો. જેથી તમે શારીરિક સમસ્યાઓને ટાળી શકો અને તંદુરસ્ત જીવન જીવી શકો છો.