થોડાક દિવસ પૂર્વે સમાચાર ચમક્યા હતા કે ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ અભિનેત્રી ડાયેના હેડને ૪૨ વર્ષની વયે હેલ્ધી દીકરીને જન્મ આપ્યો છે. આ માટે તેણે આઠ વર્ષ પહેલાં પોતાનાં એગ્સ એટલે કે અંડકોષ ફ્રોઝન કરાવ્યા હતા. જે સ્ત્રીઓ કોઈ પણ કારણોસર ૩૦-૩૨ વર્ષની ઉંમર સુધીમાં મા બનવા ન માગતી હોય એવી સ્ત્રીઓ યુવાન વયે તેમના શરીરમાં બનતા સારી ક્વોલિટીના અંડકોષ આ એગ-ફ્રોઝન પદ્ધતિ દ્વારા સાચવી રાખે છે અને પછી પોતાની ઇચ્છા મુજબ મોટી ઉંમરે પ્રેગ્નન્સી ધારણ કરી શકે છે. આથી તેમનું બાળક હેલ્ધી પણ રહે છે અને પ્રેગ્નન્ટ બનવામાં પણ તેમને કોઈ તકલીફ ન પડે. જોકે નિષ્ણાત ડોક્ટરોનું કહેવું છે કે ફ્રોઝન એગ્સ પદ્ધતિ દ્વારા ગર્ભ ધારણ કરવાની શ્રેષ્ઠ ઉંમર ૩૫ વર્ષ સુધીની છે. ડોક્ટર્સનું કહેવું છે કે ડાયેના પહેલી એવી સ્ત્રી છે, જેણે ૪૨ વર્ષે આ પદ્ધતિ દ્વારા બાળક મેળવ્યું હતું. આ માટે ડાયેનાએ ઓક્ટોબર ૨૦૦૭થી લઈને માર્ચ ૨૦૦૮ સુધીમાં પોતાનાં ૧૬ એગ્સ ફ્રીઝ કરાવ્યાં હતાં. આજની ઘણી સ્ત્રીઓ કે જે પ્રોફેશનલ છે, પોતાની કરીઅર બનાવવા માગે છે અને ઘર, કરીઅર અને બાળક વચ્ચે પિસાતી રહે છે તેમના માટે કદાચ ડાયના એક નવું ઉદાહરણ છે, જેણે માતૃત્વને ૧૦ વર્ષ પાછળ ઠેલી પોતાની કરીઅર પર ધ્યાન આપ્યું. આ એક રસ્તો છે જે ડાયેનાએ પસંદ કર્યો, પરંતુ શું આ રસ્તો આ રીતે અપનાવવો યોગ્ય છે?
એગ-ફ્રીઝિંગ માટે વાપરવામાં આવતી પદ્ધતિ, જેને વિટ્રિફિકેશન પદ્ધતિ કહે છે એ જૂની નથી. ૨૦૧૨માં આવેલી આ પદ્ધતિ એકદમ નવી જ કહી શકાય અને આટલા ઓછા સમયમાં એણે એક વિકસિત પદ્ધતિ તરીકે સ્થાન મેળવી લીધું છે. અમેરિકન સોસાયટી ઓફ રીપ્રોડક્ટિવ મેડિસિન દ્વારા હવે એ એક્સપરિમેન્ટલ પદ્ધતિ રહી નથી. આ પદ્ધતિને હવે સંપૂર્ણ માન્યતા મળી ચૂકી છે. કરીઅર ખાતર પ્રેગ્નન્સીને પાછળ ધકેલવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કેટલા અંશે યોગ્ય છે એ સવાલ વ્યક્તિગત છે, પરંતુ આ પદ્ધતિનો ઉપયોગ મેડિકલ હેતુસર ખૂબ ઉમદા કારણોસર થાય છે તે હકીકત છે. આ પદ્ધતિ અને એના બીજા ઉપયોગો વિશે જાણો.
શા માટે એગ-ફ્રીઝિંગ?
સ્ત્રીની બાયોલોજિકલ ક્લોક મુજબ ૨૦થી ૩૦ વર્ષનો સમય તેના માટે મા બનવા માટે શ્રેષ્ઠ કહી શકાય. આ દરમિયાન તેના શરીરમાં બનતાં એગ્સ કે અંડકોષની ક્વોલિટી ખૂબ જ સારી કક્ષાની હોય છે. જેમ-જેમ તેની ઉંમર વધતી જાય એમ-એમ તેનાં એગની ક્વોલિટી બગડતી જાય છે. ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ ગાયનેકોલોજિસ્ટ માને છે કે જો કોઈ સ્ત્રી ૪૦ વર્ષે મા બનવા ઇચ્છે તો તેનાં એગની ક્વોલિટી સારી ન હોવાથી તેને ગર્ભધારણમાં તકલીફ પડી શકે છે અથવા તો તેના બાળકમાં કોઈ ખામી રહી જવાની શક્યતા રહે છે. એક સારા બાળક માટે સ્ત્રીનું એગ અને પુરુષનું સ્પર્મ બન્ને સારી ક્વોલિટીનાં હોવાં જરૂરી છે. કોઈ પણ કારણોસર સ્ત્રી પોતાની રીપ્રોડક્ટિવ ઉંમરમાં મા બનવા માગતી ન હોય ત્યારે તેને એગ-ફ્રીઝિંગ કામ લાગી શકે છે. સામાન્ય રીતે એગ-ફ્રીઝિંગ માટે ૩૩ વર્ષ સુધીની સ્ત્રીઓનાં એગ્સ લેવામાં આવે છે.
કઈ રીતે કરવામાં આવે?
ફ્રીઝિંગ-ટેક્નિકથી સ્ત્રીઓનાં એગ્સ જ નહીં, પુરુષોનું સ્પર્મ પણ સાચવી શકાય છે એટલું જ નહીં, એગ અને સ્પર્મને મેળવીને તૈયાર કરવામાં આવેલા એમ્બ્રિયો પણ ફ્રીઝ કરી શકાય છે. અલબત્ત, એગનું ફ્રીઝિંગ કરવાની આ રીત ધારીએ એટલી સહેલી નથી.
એગ-ફ્રીઝિંગ માટે એકસાથે સ્ત્રીનાં ૧૦-૧૫ એગ્સ કાઢવાં જરૂરી છે. એ માટે સ્ત્રીને અમુક હોર્મોન્સ-રિલેટેડ દવાઓ આપવામાં આવે છે જેના કારણે એકસાથે આટલાં એગ્સ બને. એ એગ્સને કાઢી એનું ફ્રીઝિંગ કરવામાં આવે છે. હવે જ્યારે એગ્સને વાપરવાનો સમય આવે છે ત્યારે એને એ કન્ડિશનમાંથી બહાર કાઢતી વખતે ક્યારેક અમુક એગ્સ તૂટી જાય છે, ક્યારેક ફ્રીઝ થયાં હોવા છતાં અમુક એગ્સ જીવતાં રહેતાં નથી તો ક્યારેક અમુક એગ્સ ફલિત ન થઇ શકે તેટલા નબળા હોય છે. આથી જ એકસાથે ૧૫ એગ્સ કાઢવામાં આવે છે જેથી એમાંથી પર્ફેક્ટ એગ મળી શકે. પર્ફેક્ટ એગ મળ્યા પછી એને ટેસ્ટટ્યુબ બેબીની જેમ બહાર જ ફલિત કરીને સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે.
કોના માટે ઉપયોગી?
હવે આ પદ્ધતિ કોના માટે ઉપયોગી સાબિત થઈ શકે છે તે જાણીએ.
• જે સ્ત્રીના શરીરમાં એગ્સ બરાબર બનતાં ન હોય તેમને માતૃત્વ ધારણ કરવા માટે ડોનર એગ્સની જરૂર પડે છે. એટલે કે કોઈ બીજી સ્ત્રીનાં એગની જરૂર પડે છે. જ્યારે એ સીધાં જ ઉપયોગમાં લેવામાં આવે એટલે કે ડોનરના શરીરમાંથી એગ્સને સીધાં બહાર કાઢી બહાર જ એને ફલિત કરીને મા બનવા માગતી સ્ત્રીના શરીરમાં દાખલ કરવા માટે બન્ને સ્ત્રીઓની સાઇકલ એકસરખી કરવી પડે છે. એવું ન કરવું પડે એ માટે ડોનર એગ્સને બહાર કાઢી ફ્રીઝ કરી ઉપયોગમાં લેવાં હોય ત્યારે લઈ શકાય છે.
• આ પદ્ધતિનો મોટો ઉપયોગ ત્યારે થશે જ્યારે એની બેન્ક બનવા લાગશે. બેન્કનો ફાયદો એ છે કે જરૂરતમંદ વ્યક્તિને ઓપ્શન મળશે કે તેને કયા પ્રકારનું એગ જોઈએ છે, કારણ કે જ્યારે ડોનર એગ મેળવતા હોય ત્યારે વંશ, જાતિ, પ્રજાતિ વગેરે પર લોકો ઘણો ભાર આપતા હોય છે. આજે દરેક IVF સેન્ટર નાના-મોટા પાયે ડોનરનાં એગનું ફ્રીઝિંગ કરતા હોય છે.
• આ પદ્ધતિનો સૌથી મોટો ઉપયોગ કેન્સરના સ્ત્રીદરદીઓ માટે છે. ખૂબ નાની ઉંમરમાં જે સ્ત્રીઓને કેન્સર થાય છે અને જેમને સારવાર માટે કેમોથેરપી લેવી પડે છે તેમના માટે આ પદ્ધતિ વરદાન છે. કેમોથેરપીની અસર સ્ત્રીનાં એગ્સની ક્વોલિટી પર પડતી હોય છે, જેના લીધે તેમનું ભવિષ્યમાં મા બનવું મુશ્કેલ થઈ જાય છે. જ્યારે કોઈ પણ સ્ત્રીને કેન્સર થાય તો તેને કેમોથેરપી આપતાં પહેલાં તેનાં એગ્સ કાઢીને ફ્રીઝ કરી લેવામાં આવે છે, જેનો ભવિષ્યમાં કેન્સરનો ઉપચાર થઈ ગયા પછી ઉપયોગ કરીને તે માતૃત્વનું સુખ લઈ શકે છે.