શ્રાવણ મહિનો આવે એટલે તહેવારોની વણઝાર લાવે. આ તહેવારોમાં રક્ષાબંધનનું ખૂબ જ મહત્ત્વ રહે છે. બહેન સુંદર શણગાર સજીને ભાઈના કાંડે રાખડી બાંધે છે. ટ્રેડિશનલ કપડાં સાથે શણગારમાં માત્ર કાનમાં હેવિ જ્વેલરી પણ સુંદર ટ્રેડિશનલ લુક આપે છે. વેસ્ટર્ન કપડાં ઉપર પણ કાનમાં ટ્રેડિશનલ ઈયરિંગમાં ચાંદબાલી ઈન ટ્રેન્ડ છે. બાકી કોઈ જ્વેલરી તહેવારે ન પહેરો માત્ર ચાંદબાલી પહેરો તો પણ અવસર દીપી ઊઠે છે. ચાંદબાલી ઈયરિંગ્સ ચહેરાની રોનક વધારવામાં ખાસ ભૂમિકા ભજવે છે. બોરીંગ કે સિંપલ ડ્રેસ સાથે ટ્રેન્ડી ચાંદબાલી તમને પરફેક્ટ અને જુદો જ લુક આપશે. ફંક્શનસ, વેડિંગ કે પાર્ટી ઉપરાંત ચાંદબાલી કોલેજ ગોઈંગ ગર્લ્સ કે પ્રોફેશનલ વુમન પણ પહેરી શકે છે. ખાસ અવસરે તો હમણાં મોટી સાઈઝની ચાંદબાલીનો ટ્રેન્ડ છે અને યુવતીઓ લાઈટથી હેવિવેઈટ ચાંદબાલી ટ્રેડિશનલ આઉટફિટ્સ સાથે પહેરે છે. ઓવરસાઈઝ ચાંદબાલીની કેટલીક ચોઈસ અહીં આપવામાં આવી છે જે તમે તહેવારે પહેરી શકો છો અને તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકો છો.
ઓવરસાઈઝ ચાંદબાલી
વારે તહેવારે અત્યારે ઘણી મહિલાઓને ઓવરસાઈઝ ચાંદબાલી પહેરેલી જોઈ શકો છો. આ ફેશનમાં બી-ટાઉન એકટ્રેસ પણ સામેલ છે. દીપિકા પદુકોણેએ તેના લગ્નમાં ઓવરસાઈઝ ઈંયરિંગ્સ પહેર્યાં હતાં. તેણે પોતાના માટા ભાગના ફંક્શનમાં ચાંદબાલી પહેરી હતી. આ ઉપરાંત ઐશ્વર્યા રાય, સોનમ કપૂર, વિદ્યા બાલન પણ તમને ઓવરસાઈઝ ટ્રેન્ડી ચાંદબાલીમાં દેખાશે. હવે ફક્ત દુલ્હન જ નહીં પણ કોઈ પણ વારે તહેવારે ચાંદબાલી પહેરે તો દીપી ઊઠે છે. સામાન્ય રીતે કોલેજ ગોઈંગ ગર્લ્સ પ્લાસ્ટિક, ઓક્સોડાઈઝ લાઈટ વેઈટ ચાંદબાલી પહેરે છે. એવી જ રીતે ઓફિસ ગોઈંગ યુવતીઓ પણ ઓક્સોડાઈઝમાં ડાર્ક સ્ટોન મઢેલી ચાંદબાલી પહેરે છે. આ ઈંયરિંગ્સ ગ્લેમર્સની સાથે સાથે બોલ્ડ લુક પણ આપે છે.
લગ્ન અને ચાંદબાલીનો સંબંધ ઘણો જૂનો છે. ખાસ કરીને ભારતમાં કન્યાઓને તેમના દાદીના સમયની ચાંદબાલીથી લઈને મોડર્ન ઓવરસાઈઝ ચાંદબાલી ખૂબ જ પસંદ આવે છે. જો તમારો ચહેરા ગોળ હોય તો તમે ટ્રાયેંગલ કે સ્ક્વેર ડિઝાઈનમાં ચાંદબાલી પહેરી શકો છો અને જો તમારો ચહેરો નાનો હોય તો તમે નાની નાની ચાંદબાલી પણ પહેરી શકો છો.
ચાંદબાલીની સ્ટાઈલ
મોતી - ચાંદીના કોમ્બિનેશનની ચાંદબાલી ખૂબ જ ટ્રેન્ડી લાગે છે જો તમે સિમ્પલ ડ્રેસ પર પણ આ પ્રકારની ચાંદબાલી પહેરશો તો પણ તમે ભીડમાં જુદા તરી આવશો.
આ સાડી અને અનારકલી ડ્રેસ પર ચાંદબાલી એકદમ સુંદર લાગે છે. દેખાવમાં તે હેવિ ટ્રેડિશનલ લુક આપે છે. જોકે ચાંદબાલી જેટલી મોટી હોય તેટલી સુંદર દેખાય, પણ ચાંદબાલીનું મટીરિયલ ત્વચાને નુક્સાનકારક ન હોવું જોઈએ. તેથી માત્ર ઉચ્ચ ગુણવત્તાવાળી ચાંદબાલી ખરીદો. સોના સાથે મોતી કે ડાયમંડની ચાંદબાલી પણ ખૂબ જ વખણાય છે. તે હેવિ અને કિંમતી હોવાથી તેની તકેદારી રાખવી પણ ખૂબ જ જરૂરી બની રહે છે.
કુંદનની ચાંદબાલી કોઈ પણ મહિલાને સુંદર જ લાગે છે. ચાંદબાલીમાં લાંબા સોનાના ઝુમકાં ખૂબ સુંદર દેખાય છે. ચાંદબાલી ઈંયરિંગ્સની કેટલીક લેટેસ્ટ ડિઝાઈન્સમાં સ્ટોન એન્ડ બીડ્સ ચાંદબાલી, મીનાકારી ચાંદબાલી, સ્ટ્રિંગ્સ પર્લ ડિટેલિંગ ચાંદબાલી, ફ્લાવર સ્ટોન ચાંદબાલી, ઝો ડ્રોપિંગ પોલ્કી ચાંદબાલીનો સમાવેશ થાય છે. ઈમિટેશન વર્કમાં ચાંદબાલીમાં ઘણા વિકલ્પો તમને માર્કેટમાં મલી રહેશે. જો સોના, ચાંદી કે પંચઘાતુમાંથી ચાંદબાલી વસાવવાની ઈચ્છા હોય તો તમે તમારી પસંદગીની ચાંદબાલી ઝવેરી પાસે ઘડાવી પણ શકો છો.