આધુનિક યુગની માનુનીઓની જીવનશૈલીમાં એટલું પરિવર્તન આવી ગયું છે કે તેઓ મેનોપોઝ પહેલાં અને પછી હૃદયરોગની શિકાર બની રહી છે. આની પાછળનું મુખ્ય કારણ છે ભાગદોડભરી જિંદગી અને સતત માનસિક તણાવ. નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટો કહે છે કે ભારત હોય કે બ્રિટન, મોટા શહેરોમાં આજે ઘરનો એક પુરુષ કમાય અને આખું ઘર ખાય એ સમય વિતી ગયો છે. બે છેડા ભેગાં કરવા ઘરની મહિલાઓને પણ નોકરી કરવી પડે છે. આવી સ્થિતિમાં તેમની જવાબદારી બેવડાઈ જાય છે. આ વર્કપ્રેશર જ આખરે તેમને હાર્ટ એટેક સુધી દોરી જાય છે.
લક્ષણો પારખવા મુશ્કેલ
તબીબી નિષ્ણાતો જણાવે છે કે સ્ત્રીઓને હૃદયરોગનો હુમલો આવે ત્યારે ચક્કર આવવા, ઊલટી થવી, અપચો થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી જેવા લક્ષણો દેખાય છે. પણ ઘણી વાર તેમને છાતીમાં દુખાવો નથી થતો. આમ મુશ્કેલી એ છે કે આવા બધા લક્ષણો અન્ય બીમારીઓમાં પણ જોવા મળતા હોવાથી સ્ત્રીઓને એ વાતનો ખ્યાલ જ નથી આવતો કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. બાદમાં જ્યારે વિવિધ ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે જ જાણ થાય છે કે તેઓ હાર્ટ એટેકનો શિકાર બની છે.
હાર્ટ એટેકથી મોતને ભેટતી મહિલાઓની સંખ્યા કંઇ નાનીસૂની નથી, પરંતુ જ્યારે કોઈ સ્ત્રી હૃદયરોગથી પીડાતી હોય ત્યારે તેના લક્ષણો પુરુષોમાં દેખાતા લક્ષણો કરતાં જુદાં હોવાથી આ બીમારી ઝટ પારખી શકાતી નથી. પરિણામે જે મૃત્યુને અટકાવી શકાય તેમ હોય તેને અટકાવી શકાતું નથી.
સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી
તબીબો કહે છે કે મોટા ભાગની સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્ય, રુટિન ચેક-અપ પ્રત્યે થોડીક ઉદાસીન જોવા મળે છે. આનો મતલબ એ નથી કે સ્ત્રીઓ આટલા મહત્ત્વના મુદ્દે બેદરકાર કે લાપરવાહ છે, પરંતુ હકીકત એ છે કે ઘર - પરિવાર અને જોબ વચ્ચે સમતુલા જાળવવાની ભાગદોડમાં, બધી જવાબદારી નિભાવવાની લાયમાં તેઓ ઇચ્છવા છતાં પોતાના સ્વાસ્થ્યની પૂરતી સંભાળ લઇ શકતી નથી કે તેની ઉપેક્ષા કર્યે જાય છે. આ બાબત સરવાળે તેના માટે બહુ જ નુકસાનકારક સાબિત થાય છે.
હાર્ટ એટેકની શક્યતા વધુ કેમ?
આપણે સ્ત્રીઓને હૃદયરોગ સંદર્ભે જોખમી પુરવાર થતાં અન્ય કારણો પર નજર ફેરવીએ તો, સ્ત્રીઓની ધમની પુરુષોની રક્તનળી કરતાં વધુ સાંકડી હોય છે. પરિણામે તેમાં જલદી બ્લોકેજ થવાનું જોખમ હોય છે. સાંકડી રક્તનળી માનુનીને મેનોપોઝ પછી હૃદયરોગનો શિકાર બનાવવા જવાબદાર બને છે. આથી જ જ્યારે કોઇ સ્ત્રીને એકથી વધુ વખત હૃદયરોગનો હુમલો આવે છે ત્યારે તેનું હાર્ટફેલ થઈ જવાનો ખતરો અનેકગણો વધી જાય છે. અથવા તો તે સ્ટ્રોક કે કિડની ફેલ્યોરનો ભોગ પણ બની શકે છે.
માનુનીઓને હાર્ટ એટેક થવાની શક્યતા વધુ હોય છે તેના ઘણાં કારણો છે. જેમ કે, સ્થૂળતા, ધૂમ્રપાન, ગર્ભનિરોધક ગોળીઓનું સેવન તેમજ ડાયાબિટિસની દવાઓ. આ ઉપરાંત બિનતંદુરસ્ત ભોજનશૈલી પણ એક કારણ છે. ફાસ્ટ ફુડના ચટાકાને કારણે મહિલાઓ આપણું પરંપરાગત ફાઈબરયુક્ત ભોજન લેવાનું ટાળે છે અને વધારે પડતું કાર્બોહાઈડ્રેટયુક્ત ખાણું ખાય છે.
મોટા શહેરોની ભાગદોડભરી લાઈફસ્ટાઈલ અને પ્રાકૃતિક રીતે હૃદયની સાંકડી ધમનીઓ સ્ત્રીઓને હાર્ટ એટેક તરફ ધકેલે છે એ સાચું, પરંતુ જો તેમના હૃદયરોગનું નિદાન સમયસર થઈ જાય અને વહેલાસર સારવાર મળે તો તેના ઉપર એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી કરાવી તેમની જિંદગી બચાવી શકાય છે.
આટલી કાળજી અવશ્ય લો...
તબીબો ચેતવણી ઉચ્ચારતાં કહે છે કે હૃદયરોગથી બચવા સ્ત્રીઓએ તેમની લાઈફસ્ટાઈલ અને ખાણીપીણી પ્રત્યે સાવધ રહેવું જોઈએ. દિવસમાં ત્રણથી ચાર ફળ - શાકભાજી ખાવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી લિફટનો ઉપયોગ કરવાને બદલે પગથિયાં ચડવા-ઉતરવા જોઈએ. સ્થૂળતા ઘટાડીને હૃદયને મજબૂત રાખતું ભોજન લેવું જોઈએ. નિયમિત રીતે એરોબિક એકસસાઈઝ કરવી જોઈએ. ૧૮ વર્ષની વય પછી દર વર્ષે એક વખત બ્લડ પ્રેશર મપાવવું જોઈએ. તેવી જ રીતે ૪૦ વર્ષ પછી દર વર્ષે કોલેસ્ટરોલ અને બ્લડ શુગરની તપાસ કરાવતાં રહેવું જોઈએ. તેમાંય જો પરિવારમાં હૃદયરોગની હિસ્ટરી હોય તો આ તપાસ યુવાવસ્થાથી જ કરાવતાં રહેવું જોઈએ.