આઉટફિટને મેચિંગ લિપસ્ટિક, નેઇલ પોલિશ, એરિંગ્સ વગેરે ખરીદવા આપણે કેટલી મહેનત કરીએ છીએ, પરંતુ હેર બ્રશ ખરીદવા આટલી મહેનત ક્યારેય કરતાં નથી. તમારા લુક માટે જેટલા સભાન છો એમાંથી થોડી સભાનતા હેર બ્રશ માટે પણ હોવી જરૂરી છે. હેર સ્ટાઇલને આકાર આપવા માટે પરફેક્ટ હેર બ્રશ પસંદ કરવું જોઇએ. આજે આપણે હેર બ્રશના સિલેક્શન અંગે વાત કરીશું. માર્કેટમાં અનેક પ્રકારનાં હેર બ્રશ મળે છે, પરંતુ ચાર હેર બ્રશ એવા છે જે તમારા લુકમાં પરિવર્તન સાથે તમને સ્માર્ટ લુક આપશે.
• રાઉન્ડ બ્રશઃ હેર સ્ટાઇલિંગ સાથે જોડાયેલી મોટા ભાગની મુશ્કેલી રાઉન્ડ બ્રશથી સરળ બની જશે. રાઉન્ડ બ્રશ અનેક પ્રકારમાં અવેલેબલ છે. મોટા આકારના રાઉન્ડ બ્રશથી તમે વાળને સરળતાથી કર્લી શેપ આપી શકો છો. રાઉન્ડ બ્રશ સામાન્ય રીતે નાયલોન અને સિરામિકનું કોમ્બિનેશન હોય છે. તેના બ્રિસલ અમુક બ્રશમાં નેચરલ હોય છે, બાકી મોટા ભાગે આર્ટિફિશ્યલ મટિરિયલના બનેલા હોય છે - પછી તે પ્લાસ્ટિક હોય કે સિરામિક. આવા બ્રશની ખાસિયત એ છે કે તે બ્લો ડ્રાયરની હીટને સહન કરવા સક્ષમ છે. એનાથી હેર સ્ટાઇલને પરફેક્ટ શેપ મળે છે.
• પેડલ બ્રશઃ વાળને સેટ કરવા રોજિંદા જીવનમાં આ બ્રશ ઉપયોગમાં લેવાય છે. મહિલાના પર્સમાં પેડલ બ્રશ સ્થાન ધરાવે છે. પેડલ બ્રશ દરેક હેર સ્ટાઇલમાં તો ઉપયોગી નથી, પરંતુ કર્લી વાળને સીધા કરી શકાય છે અને વાળને ચમક આપવામાં મદદ કરે છે. સામાન્ય રીતે આ બ્રશ થોડું પહોળું, મોટું અને સપાટ હોય છે. આ બ્રશથી વાળ ઓળવામાં સરળતા રહે છે.
• રટૈલ કોમ્બઃ નેચરલ હેર ઓળવા માટે રટૈલ કોમ્બનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઇએ કેમ કે એનાથી વાળ તૂટે છે. પણ હા, વાળને સેક્શનમાં સેપરેટ કરીને અથવા તેને લિફ્ટ કરવા માટે રટૈલ કોમ્બ ઉત્તમ છે. એનાથી તમે કૂલ બ્રૈડ્સ, કર્લી વિવિધ સ્ટાઇલ આપી શકો છો. આ કોમ્બના બારીક દાંતા હેર સ્ટાઇલમાં બમ્પ એડ કરવા માટે બહુ ઉપયોગી છે.
• સ્ટ્રેટનિંગ બ્રશઃ વાળને ઓળીને તેને થોડા ભીના કરીને એ રીતે દબાવવા જાણે કપડાંને ઇસ્ત્રી મારી રહ્યાં હોવ. આ રીતે વાળને સ્ટ્રેટનિંગ કરવાની ઝંઝટમાંથી બચવું હોય તો સ્ટ્રેટનિંગ બ્રશ શ્રેષ્ઠ વિકલ્પ છે. એક કે બે સ્ટ્રોકમાં વાળને સ્ટ્રેટ કરી દે છે. આ બ્રશને વાળના મૂળમાંથી ઓળવાનું શરૂ કરીને અંત સુધી સ્ટ્રેટનિંગ બ્રશ ફેરવો. એનાથી વાળ સરસ સ્ટ્રેટ થઇ જશે. સ્ટ્રેટનિંગ બ્રશથી બહુ સરળતાથી ફ્લેટ રનિંગ લુક મેળવી શકાય છે. એમાં બ્લો ડ્રાયર, બ્રશ અને ફ્લેટ આયર્ન થ્રી- ઇન-વન ટૂલ્સ છે. ફાસ્ટ લાઇફમાં સ્ટ્રેટનિંગ બ્રશ સમયની બચત પણ કરે છે.