તમે જો કોઈ યુવતીને એક કાનમાં ઈયર-રિંગ પહેરેલી જૂઓ અને બીજો કાન ખાલી કે એમાં કોઈ નાનકડી બુટ્ટી પહેરેલી જૂઓ તો હસતા નહીં, કેમ કે એ ઈયર-રિંગ પહેરવાની લેટેસ્ટ સ્ટાઇલ છે. તમને થતું હશે આવી તે કેવી સ્ટાઇલ કે જેમાં ઈયર-રિંગ એક જ કાનમાં પહેરવાની હોય. પણ સાચે જ આ સ્ટાઇલ છે અને એ સ્ટાઇલ માટે આ ઈયર-રિંગ્સને ખાસ તૈયાર કરાયાં છે, જે ઈયર-કફ તરીકે ઓળખાય છે.
ઈયર-કફ વિશે જણાવતાં જ્વેલરી ડિઝાઇનર કહે છે કે આ ફેશન માર્કેટમાં થોડાક મહિનાથી આવી છે. એ યંગસ્ટરમાં તો ફેવરિટ હતી જ, પણ હવે એ મહિલાઓની પણ પહેલી પસંદ બની ગઈ છે. ઈયર-કફ એટલે આપણી મમ્મીઓ પહેલાંના જમાનામાં કાનમાં સેર પહેરતી હતી એ સેરનું મોડર્ન વર્ઝન. ફરક એટલો જ છે કે આ ઈયર-કફ એક જ કાનમાં પહેરાય છે, પણ જો તમારે બન્ને કાનમાં પહેરવાં હોય તો એ પણ જોડીમાં મળી રહે છે. પણ ખરેખર આ ફેશન એક જ કાન માટે છે. ઈયર-કફ પહેરવાથી તમારા આખા કાન ઢંકાઈ જાય છે.
ઈયર-કફ તમને માર્કેટમાં ઘણી ડિઝાઇનોમાં જોવા મળશે. જેમ કે, સિમ્પલ ફ્લાવરના શેપમાં, ઝુમકાની સ્ટાઇલમાં, ઝાડના પાનના શેપમાં, પીંછાની ડિઝાઇનમાં વગેરે. વળી, બિલાડી, સાપ, બટરફ્લાય, ડ્રેગન, ઓક્ટોપસ, લિઝર્ડના શેપ જેવા અનેક એનિમલ શેપમાં જોવા મળતાં ઈયર-કફ તમને વાઇલ્ડ લુક આપે છે. ઈયર-ક્ફમાં તમને વરાઇટી ઓફ પોલિશ મળશે જેમ કે સિલ્વર, ગોલ્ડ અને બ્લેક મેટલ જે ગન મેટલ તરીકે પણ ઓળખાય છે. આ સિવાય ક્રિસ્ટલ, મોતી, વિવિધ પ્રકારના સ્ટોન, પંખીનાં પીંછાંમાંથી બનેલા અને મીનાકારીવાળાં ઈયર-કફ તમારું દિલ જીતી લેશે.
ઈયર-કફને તમે ઘણી રીતે પહેરી શકો છો. જેમ કે, એક ઈયર-કફ એવાં આવે છે જેમાં ઈયર-રિંગની સ્ટિક હોય એમાં ભરાવીને પહેરવાનાં હોય જેનાથી તમારો આખો કાન ભરાઈ જાય. બીજાં ઈયર-કફ એવાં આવે છે જે તમારા કાનની અંદર જ પહેરી શકાય. એવાં પણ ઈયર-કફ આવે છે જેમાં ઈયર-રિંગ હોય એના પર તમે ચેઇનને બીજી કોઈ ડિઝાઇન કે ક્લિપથી હેન્ગ કરી શકો. તો વળી એક ઈયર-કફ એવાં પણ આવે છે જેમાં કોઈ પણ ઈયર-રિંગ જે તમારી પાસે અવેલેબલ હોય એની પાછળ એક એક્સ્ટ્રા એટેચમેન્ટ જેવું બનાવવામાં આવે છે અને એ એટેચમેન્ટને તમારા કાનમાં કે વાળમાં પહેરી શકો છો.
ઈયર-કફ ડિઝાઇનમાં એટલાં હેવી હોય છે કે તે પહેર્યા પછી તમારે ગળામાં કંઈ પહેરવાની જરૂર નહીં પડે. ઈયર-કફ્સને તમે ગાઉન, વેસ્ટર્ન અને ઇન્ડો-વેસ્ટર્નવેર સાથે પણ પેર કરી શકો છો. ઈયર-કફમાં હેરસ્ટાઇલ ખૂબ મહત્વની છે. તમે જો ગમે તે હેરસ્ટાઇલ કરશો તો સારું નહીં લાગે અને ખુલ્લા વાળ તો જરા પણ નહીં, કેમ કે જો તમે વાળ ખુલ્લા રાખશો તો ઈયર-કફનો ચાર્મ મરી જશે. આથી તમારે એના માટે વાળ ઉપર બાંધવાની જરૂર છે. ઈયર-કફ પહેરવાં બહુ આસાન છે. એમાં બે સાઇડ હોય છે, જેમાં સામેની સાઇડ ડિઝાઇન હોય છે અને પાછળની બાજુ એક વાયર ઈયર-કફને કાન સાથે એટેચ કરે છે.