નવી દિલ્હીઃ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનાં સ્મિતા કૃષ્ણા ગોદરેજ કોટક વેલ્થ મેનેજમેન્ટ તથા હુરૂનની લિડિંગ વેલ્ધી વુમન ૨૦૧૮ની યાદીમાં રૂ. ૩૭,૫૭૦ કરોડની સંપત્તિ સાથે દેશનાં સૌથી અમીર મહિલા બન્યાં છે. રૂ. ૩૦,૨૦૦ કરોડની સંપત્તિ સાથે દેશની બીજા નંબરનાં સૌથી અમીર મહિલા એચસીએલનાં રોશની નાડર તથા ત્રીજા ક્રમે બીસીસીએલનાં ઇન્દુ જૈન છે. ઇન્દુ જૈન રૂ. ૨૬,૨૪૦ કરોડની નેટવર્થ ધરાવે છે. સ્મિતા કૃષ્ણા ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડ સભ્ય છે. રોશની નાડર એચસીએલના સીઇઓ તથા એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર છે. ૨૮ વર્ષની વયે તેઓ એચસીએલ ગ્રુપનો હિસ્સો બન્યાં હતાં. તેઓ શિવ નાડર ફાઉન્ડેશનનાં પ્રમુખ પણ છે. ઇન્દુ જૈન ટાઇમ્સ ગ્રુપને ચેરપર્સન અને ટાઇમ્સ ફાઉન્ડેશનનાં પ્રમુખ છે. કિરણ મજૂમદાર શો બાયોકોનના ફાઉન્ડર અને એમડી છે. લિસ્ટમાં ચોથા ક્રમે કિરણ મજૂમદાર શો છે. જેમની કુલ નેટવર્થ રૂ. ૨૫,૭૯૦ કરોડ છે. પાંચમા ક્રમે કિરણ નાડર રૂ. ૨૦,૧૨૦ કરોડની નેટવર્થ ધરાવે છે.
યુએસવીની લીના ગાંધી તિવારી રૂ. ૧૦,૭૩૦ કરોડની સંપત્તિ સાથે છઠ્ઠા ક્રમે રહ્યા છે. જેએસડબ્લ્યુ સ્ટીલના સંગીતા જિન્દાલ રૂ. ૧૦,૪૫૦ કરોડની નેટવર્થ સાથે સાતમા ક્રમે, જયશ્રી ઉલ્લાલ આઠમા, અનુ આગા નવમા અને શ્રદ્ધા અગ્રવાલ દસમા નંબરે છે. યાદીમાં મોટાભાગની મહિલાઓ ફાર્મા સેક્ટરની છે. તેમજ સોફ્ટવેર અને સર્વિસિઝ સેક્ટરની ૧૨ મહિલાઓ સામેલ છે. આમાંથી મોટાભાગની ૨૫-૨૫ મહિલાઓ મુંબઈ અને દિલ્હીમાં રહે છે. ટોપ ટેનમાં માત્ર રૂ. ૮૦૦ કરોડથી વધુ સંપત્તિ ધરાવતી મહિલાઓ સામેલ છે.