ક્રિકેટજગતની સૌથી સફળ આઇપીએલ (ઇંડિયન પ્રીમિયર લીગ)ની શાનદાર સફળતાના પગલે હવે ચોથી માર્ચથી વિમેન આઇપીએલનો પ્રારંભ થઇ રહ્યો છે. કુલ પાંચ ટીમ - ગુજરાત જાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિમેન, દિલ્હી કેપિટલ વિમેન, યુપી વોરિયર્સ અને મુંબઇ ઇંડિયન વિમેન વચ્ચે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમ અને નવી મુંબઇના ડી.વાય પાટિલ સ્ટેડિયમમાં વિમેન આઇપીએલ ટ્રોફી માટે જંગ ખેલાશે. આ ક્રિકેટ લીગ ખેલાડીઓના ઓક્શન સાથે જ અખબારોમાં છવાઇ ગઇ છે. પ્રથમ વાર યોજાઈ રહેલી મહિલા આઈપીએલ માટે 13 ફેબ્રુઆરીએ થયેલી હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)એ સૌથી વધુ રૂ. 3.40 કરોડ ચૂકવીને સ્મૃતિ મંધાનાને ખરીદી છે. આ તોતિંગ આંકડો જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનરનું મહત્ત્વ દર્શાવે છે.
સ્મૃતિ આજે વિમેન્સ ટીમ ઇંડિયાનો આધારસ્તંભ ગણાય છે. સ્મૃતિ આઇસીસીનો પ્રતિષ્ઠિત રાશેલ હેહો - ફ્લિન્ટ એવોર્ડ બે વખત (વર્ષ 2018 અને 2022) મેળવી ચૂકી છે તો 2019માં ભારત સરકાર તેને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરી ચૂકી છે.
સ્મૃતિ આજે ક્રિકેટજગતમાં આગવું સ્થાન ધરાવે છે તેમાં તેના પરિવારનો પણ અથાક પરિશ્રમ સમાયેલો છે. નાનપણમાં એક સમય એવો હતો કે જ્યારે પિતા તેને ક્રિકેટ રમાડવા માગતા હતા તો તેના માતા ટેનિસ રમાડવા માગતા હતા. જોકે આ ખેંચતાણમાં જીત ક્રિકેટની થઇ! સ્મૃતિએ તેના જીવનમાં ક્રિકેટને આગવું સ્થાન આપ્યું તો ક્રિકેટની રમતે તેને આસમાનને આંબતી સફળતા અને લોકપ્રિયતા અપાવી એમ કહી શકાય.
વર્ષ 2013ની વાત છે. વેસ્ટ ઝોન અંડર-19 ટૂર્નામેન્ટ હેઠળ મહારાષ્ટ્ર અને ગુજરાતની વચ્ચે એક દિવસીય મેચ રમાઈ રહી હતી. આ મેચમાં 17 વર્ષની સ્મૃતિએ 150 બોલમાં 224 રન ઠોકી દીધા. જે કોઈ પણ ભારતીય મહિલા ક્રિકેટર દ્વારા વન-ડેમાં બનાવાયેલી પ્રથમ બેવડી સદી હતી. આજે પણ આ રેકોર્ડ છે.
આજે ભારતીય ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી ગણાતી સ્મૃતિની સફર જોકે એટલી સરળ નથી. પિતા શ્રીનિવાસે સ્મૃતિને જ્યારે ક્રિકેટ રમાડવાનું શરૂ કર્યું તો લોકો કોમેન્ટ કરતા કે છોકરીઓના ક્રિકેટ રમવાનો કોઈ અર્થ નથી. ભારતમાં મહિલા ક્રિકેટનું કોઈ ભવિષ્ય નથી.
સ્મૃતિ ડાબોડી બેટ્સમેન છે, પરંતુ તેમાં રોચક એ છે કે, રોજિંદા જીવનમાં તે બીજા બધા કામ જમણા હાથે કરે છે. હકીકતમાં તેના પિતા ઈચ્છતા હતા કે સ્મૃતિ ડાબા હાથે બેટિંગ કરે. આથી તેમણે સ્મૃતિને ક્યારેય જમણા હાથે બેટિંગ જ ના કરવા દીધી. તેમનું માનવું હતું કે, ડાબોડી બેટ્સમેન વધુ સ્ટાઈલિશ હોય છે.
સ્મૃતિને ક્રિકેટ પ્રત્યે એટલો પ્રેમ હતો કે, 2014માં આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ માટે સ્મૃતિએ 12 ધોરણની બોર્ડની પરીક્ષામાં ડ્રોપ લીધો હતો. ક્રિકેટ સિવાય સ્મૃતિને કુકિંગનો શોખ છે. તે રેસ્ટોરાં ખોલવા માગે છે. ક્રિકેટ ૨મવા ઉ૫રાંત ફૂટબોલ અને ટેનિસ જોવાનું તેને ગમે છે. તે દિગ્ગજ ફૂટબોલર રોનાલ્ડોની તો એટલી મોટી ફેન છે કે તે જે કોઈ પણ ક્લબથી ૨મે છે તેને ફોલો કરવાનું શરૂ કરી દે છે.
લોહીમાં છે ક્રિકેટની રમત
સ્મૃતિનો જન્મ 19 જુલાઇ 1996ના રોજ મુંબઈમાં મારવાડી પરિવારમાં શ્રીનિવાસ મંધાના અને સ્મિતા મંધાનાના ઘરે થયો હતો. સ્મૃતિ જ્યારે માત્ર બે વર્ષની હતી ત્યારે પરિવાર મુંબઈથી 375 કિમી દૂર મહારાષ્ટ્રના સાંગલીમાં શિફ્ટ થઈ ગયો. હકીકતમાં શ્રીનિવાસ મંધાના સાંગલીની એક કેમિકલ ફેક્ટરીના ડિસ્ટ્રિબ્યૂટર હતા. આથી તેનું પ્રારંભિક શિક્ષણ સાંગલીમાં થયું. તેના પિતા અને ભાઈ શ્રવણ બંને સાંગલી માટે જિલ્લા સ્તરે ક્રિકેટ રમતા હતા. આ સિવાય ભાઈ શ્રવણ મહારાષ્ટ્રની અંડર-16 ટીમ માટે પણ રમ્યો છે. ભાઈનું નામ અખબારોમાં છપાતું જોઈને જ સ્મૃતિએ પણ ક્રિકેટર બનવાનો નિર્ણય લીધો. જોકે, માતા ઈચ્છતાં હતાં કે સ્મૃતિ ટેનિસ રમે. પિતાએ સ્મૃતિના ટેલેન્ટને જાણીને ક્રિકેટ પર જ ફોકસ કરવાની સલાહ આપી.
વન–ડેમાં બેવડી સદી ફટકારનારી
પ્રથમ ભારતીય મહિલા
સ્મૃતિ બે વર્ષની હશે જ્યારે તેણે ચાર વર્ષ મોટા ભાઈ શ્રવણને જોઈને પ્લાસ્ટિકનું બેટ પકડવાનું શરૂ કરી દીધું હતું. માત્ર 6 વર્ષની વયે ક્રિકેટની પ્રોફેશનલ ટ્રેનિંગ શરૂ કરી હતી. માત્ર 9 વર્ષની વયે મહારાષ્ટ્રની અંડર-15 અને 11 વર્ષની વયે તો અંડર-19 ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ. સ્મૃતિ એકલી એવી ક્રિકેટર છે, જેણે સતત 10 વન-ડે મેચમાં 50થી વધુ રન બનાવ્યા છે. સ્મૃતિ 2018 અને 2019માં આઈસીસી દ્વારા પસંદ કરાયેલી ટી-20 ટીમનો ભાગ રહી છે. આ સિવાય 2016, 2018 અને 2019માં આઈસીસી દ્વારા બનાવાયેલી વન-ડે ટીમમાં પણ તેને સામેલ કરાઈ હતી. તેણે ભારતીય ટીમ માટે 2013માં ટી-20, વન-ડે અને 2014માં ટેસ્ટમાં ડેબ્યુ કર્યું. સ્મૃતિએ કુલ 194 (ટી-20, વન-ડે અને ટેસ્ટ) મેચમાં 6059 રન કર્યા છે.
સ્મૃતિ વિશે જાણવા જેવું
• સ્મૃતિને રમત સિવાય જ્યારે પણ સમય મળે છે તે પ્લે સ્ટેશન પર ફીફા રમે છે. • ફોર્બ્સ ઈન્ડિયાની અંડર-30 યાદીમાં સામેલ રહી છે.
• સ્મૃતિ ‘એસએમ-18’ નામની ક્રિકેટ એકેડમી પણ ચલાવે છે. • 2019માં આયોજિત પ્રથમ દૃષ્ટિહિન મહિલા ટી-20 વર્લ્ડ કપની બ્રાન્ડ એમ્બેસેડર રહી હતી. • સ્મૃતિ એક માત્ર ભારતીય ક્રિકેટર છે, જે બ્રિટનમાં આયોજિત કિઆ સુપર લીગમાં રમી ચૂકી છે. • 2016માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી મહિલા બિગ બેશ લીગમાં રમનારી બે ભારતીય ખેલાડીમાં એક સ્મૃતિ (અને બીજી હરમનપ્રીત) હતી. • જ્યારે તેની મમ્મીએ પ્રથમ વાર લેપટોપ ખરીદીને આપ્યું, તો સ્મૃતિએ સૌથી પહેલા તેમાં ડ્રીમ રેસ્ટોરાંનું મેન્યુ ટાઈપ કર્યું હતું.
• તેની મમ્મી પુત્રનો ડ્રેસ કાપીને સ્મૃતિના માપનો બનાવતી હતી. સ્મૃતિ આ ડ્રેસને પહેરીને મેચમાં બેટિંગ કરતી હતી.