સ્વસ્થ જીવન ઈચ્છતા હો તો અપનાવો આ સરળ આદતો

Wednesday 29th March 2023 04:42 EDT
 
 

ખરાબ આદતો છોડવાનું મુશ્કેલ છે એ વાત જેટલી સાચી છે, એટલી જ સાચી વાત એ પણ છે કે  જો તમે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરશો તો સમયની સાથે સાથે નાના-નાના નિર્ણયોની મદદથી હેલ્ધી હેબિટ્સને અપનાવી શકો છો. રોજબરોજના વ્યસ્ત જીવનમાં સારી આદતોને સ્થાન આપવાના કેટલાક ઉપાયો નીચે પ્રમાણે છે. ગૃહિણી હો કે વર્કિંગ વુમન, આ સુચનો અમલમાં મૂકશો તો સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ રહેશે.

સીડીનો ઉપયોગ
જો તમારા ઘર કે ઓફિસમાં સીડીઓ હોય તો શક્ય હોય ત્યારે ચડવા અને ઉતરવા માટે સીડીઓનો જ ઉપયોગ કરો. સ્ટ્રોન્ગ કાર્ડિયો વર્કઆઉટ માટે વારંવાર સીડીઓ પર ચડ-ઉતર કરો. શરૂઆતમાં બહુ આકરા પ્રયાસ ન કરો પણ જેમ જેમ તમે મજબૂત બનતા જાઓ તેમ તેમ પ્રયાસની તીવ્રતા પણ વધારતા જાઓ. તમે ઇચ્છો તો પાણીની બોટલનો ઉપયોગ વેઇટ તરીકે અને કિચન ચેરનો ઉપયોગ ટ્રાઇસેપ ડિપ એક્સરસાઇઝ માટે કરી શકો છો.
સ્વાસ્થ્યવર્ધક વિકલ્પ
જો તમે રોજ સુગરયુક્ત પીણાં અથવા તો ડાયટ સોડા પીતા હો તો એની સ્વાસ્થ્ય પર ચોક્કસપણે નકારાત્મક અસર થશે. આના બદલે છાશ, લીંબુ પાણી, નારિયેળ પાણી, સ્મૂધી અથવા તો વેજિટેબલ જ્યુસ જેવા વિકલ્પ પસંદ કરો.
બ્રેકમાં કરો વોક
કામના સ્થળે લંચનો સમય હોય ત્યારે આ સમયગાળામાં થોડો સમય કાઢીને 10 મિનિટ સુધી વોક કરો. કામના સ્થળે સીડીથી ચડ-ઉતર કરો અને ઉપયોગ કરવા માટે સૌથી દૂર આવેલો બાથરૂમ પસંદ કરો. પાર્કિંગ માટે પણ સૌથી દૂરની જગ્યા પસંદ કરો જેથી તમારે ફરજિયાત જતી અને આવતી વખતે થોડું ચાલવું પડે. યાદ રાખો, નાના-નાના પ્રયાસોનું પણ હકારાત્મક પરિણામ મળે છે.
પોશ્ચર સુધારો
યાદ હશે જ કે જ્યારે તમે નાના હતા ત્યારે ખરાબ પોશ્ચર માટે તમારા માતા-પિતા તમને કેટલું ખિજાતાં હતાં? જોકે તેમની વાત એકદમ સાચી હતી. યોગ્ય પોશ્ચરથી શારીરિક સમસ્યાનું પ્રમાણ ઘટે છે અને લિગામેન્ટને પણ વણજોઇતા સ્ટ્રેસનો સામનો નથી કરવો પડતો. યોગ્ય પોશ્ચર હોય તો પીઠનો દુખાવો, ચક્કર અને સ્નાયુઓના દુખાવા જેવી સમસ્યાથી બચી શકાય છે. પોશ્ચરમાં સુધારો કરવાની પ્રક્રિયામાં રાતોરાત પરિણામ નથી મળતું. તમારે સતત જાતને યાદ કરાવવું પડે છે કે સીધા બેસવાથી સમગ્ર સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર પડે છે.
નિયમિત વજન કરો
વજન એક હદ કરતાં વધી ન જાય એ માટે એના પર નજર રાખો. તમારા માટે વિકલી ગોલ નક્કી કરો અને એને એક કાગળ પર લખીને એક ગોલ સુધી પહોંચવાની દિશામાં કેટલીક પ્રગતિ નથી એની નોંધ રાખો. દર અઠવાડિયે સરખા દિવસે, સરખા સમયે અને લગભગ એક સરખો પોશાક પહેરીને વજન કરો જેથી સાતત્યતા જળવાય. સ્કેલના માપ અને કપડાંના ફિટિંગમાં સાતત્ય જળવાય એ બહુ જરૂરી છે. તમારા ડોક્ટર અથવા તો ડાયટિશિયન સાથે મળીને ડાયટ ચાર્ટ બનાવો જેથી તમે તમારા વેઇટ લોસ ગોલ સુધી બને એટલા ઝડપથી અને બની શકે એટલી સ્વસ્થ રીતે પહોંચી શકો.
બેલેન્સ એક્સરસાઇઝ
એક પગ પર 10 સેકન્ડ સુધી બેલેન્સ જાળવીને ઉભા રહો. આ જ પ્રક્રિયાનું બીજા પગ પર પુનરાવર્તન કરો. તમારા રૂટિનમાં આ બેલેન્સ એક્સરસાઇઝનો સમાવેશ કરો. આ એક્ટિવિટી સવારે બ્રશ કરતી વખતે અથવા તો લાઇનમાં ઉભા રહેતી વખતે પણ કરી શકાય છે. આ એક પ્રકારની ન્યૂરોમોટર ટ્રેનિંગ છે અને એના કારણે સંતુલન જાળવવામાં અને ચપળતા કેળવવામાં મદદ મળે છે. એક્સરસાઇઝમાં આ કૌશલની જરૂર પડે છે.
હંમેશા હેલ્ધી બ્રેકફાસ્ટ
બ્રેકફાસ્ટમાં હંમેશા પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર વસ્તુઓનું સેવન કરો. આનાથી તમે સંતૃપ્ત રહેશો અને ઊર્જાનો પણ અનુભવ થશે. જો તમારા દિવસની શરૂઆત યોગ્ય રીતે થશે તો આખા દિવસ દરમિયાન તમને યોગ્ય આહાર લેવાની પ્રેરણા મળશે. આનાથી ડાયાબિટીસ થવાનું જોખમ ઘટશે અને હૃદયનું સ્વાસ્થ્ય પણ સુધરશે. આટલું જ નહીં, નિયમિત બ્રેકફાસ્ટ કરવાથી બ્રેઇન ફોગને ટાળી શકાય છે અને વ્યક્તિ સવારમાં વધારે સક્રિય અને ઊર્જાવાન અનુભવે છે. તમે બ્રેકફાસ્ટમાં ઓટમિલનો ઉપયોગ કરી શકો છો અને એને વધારે રસપ્રદ બનાવવા માટે અલગઅલગ ટોપિંગ્સ ટ્રાય કરી શકાય છે. ઓટમિલ બોરિંગ હોય એવું જરૂરી નથી. એને વધારે ટેસ્ટી બનાવવા માટે તમારા પસંદગીના શાકભાજીનો પણ ઉપયોગ કરી શકો છો.
આહારમાં લીલોતરી
આહારમાં નિયમિત રીતે લીલાં પાનવાળાં શાકભાજીનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષકતત્ત્વો તો મળે જ છે પણ સાથેસાથે પાણીનું સ્તર પણ જળવાય છે. લીલાં પાનમાં રહેતા ફાઇબરને કારણે સંતૃપ્તિનો અહેસાસ થાય છે અને કેલરીની દૃષ્ટિએ પણ એ સ્માર્ટ ચોઇસ છે.
અને છેલ્લું...
અનહેલ્ધી આહારના ક્રિએટિવ વિકલ્પ
તમારા રોજિંદા આહારમાં નિયમિત રીતે જે ઓછા સ્વાસ્થ્યપ્રદ હાઇ કેલરીવાળા ફૂડ અને સ્નેક્સનો સમાવેશ થતો હોય એને ધીમે ધીમે હટાવી દો. ટ્રીટ તરીકે એનું ક્યારેક જ સેવન કરો. આહારમાં સુગરથી ભરપૂર હાઇ કેલરી વસ્તુઓને બદલે લો-ડેરી ફેટ, હોલ ગ્રેન, સ્વાસ્થ્યપ્રદ ઓઇલ તેમજ ફળ જેવા કુદરતી મીઠાસ ધરાવતા પદાર્થોનો સમાવેશ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter