વિખ્યાત ‘ટાઈમ’ મેગેઝિને હોલિવૂડ અભિનેત્રી અને નિર્માતા નિકોલ કિડમેન સહિત 13 અસાધારણ મહિલાઓને વર્ષ 2025 માટે ‘વુમન ઓફ ધ યર’ તરીકે પસંદ કરી છે. આ તમામ તેમની લીડરશિપ, હિમાયત અને પ્રભાવ દ્વારા સમાન વિશ્વનું નિર્માણ કરવામાં યોગદાન આપી રહી છે. આ ભારતીય જીવવિજ્ઞાની પૂર્ણિમા દેવી બર્મનનો પણ સમાવેશ થાય છે. આસામનાં ડો. પૂર્ણિમા દેવી બર્મન હર્ગિલા તરીકે જાણીતા લુપ્તપ્રાય ગ્રેટર એડજ્યુટન્ટ સ્ટોર્ક અને તેના વેટલેન્ડ વસવાટને બચાવવાના પ્રયાસો માટે સમર્પિત છે.
પૂર્ણિમા બર્મનની વાત સાંભળીને સમજાશે કે તેમને આ કાર્ય માટે કઇ રીતે પ્રેરણા મળી અને આ માટે તેમને કેવા સંજોગો સામે લડવું પડ્યું હતું. તેઓ કહે છે કે હર્ગિલાનાં બચ્ચાંને જમીન પર પડેલાં જોઇને મને મારી જોડિયા દીકરીઓ યાદ આવી અને મિશન શરૂ થયું જે આજ સુધી ચાલુ છે.
તેઓ એ દિવસને યાદ કરતાં કહે છે કે આ 2007ની વાત છે. મારા પર એક પરિચિતનો ફોન આવ્યો કે એક ઝાડ કાપવામાં આવી રહ્યું છે જેમાં ગ્રેટર એડજ્યુટન્ટ સ્ટોર્ક (હર્ગિલા)નો માળો પણ છે. હું તરત જ સ્થળ પર દોડી ગઇ અને જોયું તો લુપ્તપ્રાય પ્રજાતિનાં નવજાત બચ્ચાંઓ જમીન પર પડેલાં હતાં. મેં વૃક્ષો કાપનાર વ્યક્તિને પૂછ્યછયું કે આવું કેમ કર્યું? ઝાડ કાપતાં એટલું પણ ધ્યાન ન રાખ્યું કે તેમાં બચ્ચાં સાથેનો માળો છે... તો તેમણે જવાબ આપ્યો કે આ પક્ષી તો અપશુકનિયાળ છે અને બીમારી ફેલાવતા હોય છે. મને તેમની વાહિયાત વાતો સાંભળીને ગુસ્સો આવી ગયો.
મેં ઉગ્ર વિરોધ કર્યો તો આસપાસમાં રહેતાં પાડોશી રોષે ભરાઈ ગયા હતા. કોઇ મારી વાત સાંભળવા કે સમજવા તૈયાર નહોતું, પણ તે સમયે મારા મગજમાં માત્રને માત્ર મારી નવજાત જોડિયા દીકરીઓના ચહેરા જ તરવરતા હતા. જેમ તેઓ નાનકડી હતી તેમ બચ્ચાંઓ પણ નાનાં જ હતાં ને... મેં બચ્ચાંઓને તપાસ્યાં ને ધબકારા અનુભવ્યા તો મારા પગ જાણે ત્યાં જ થંભી ગયા હતા. બસ આ પછી મિશન શરૂ થયું અને બીજા બધાના સાથસહકાર સાથે આજ સુધી અવિરત ચાલી રહ્યું છે.
ડો. પૂર્ણિમા કહે છે કે ‘તે સમયે આસામમાં માત્ર 450 ગ્રેટર એડજ્યુટન્ટ સ્ટોર્ક હતાં. અમારા સહિયારા પ્રયાસોને કારણે ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરે આ પક્ષીની કેટેગરી ‘એન્ડેન્જર્ડ’ (‘લુપ્તપ્રાય’)માંથી બદલી ‘નિયર થ્રેટેન્ડ' કરી દીધી છે. આજે આસામમાં આ પક્ષીઓની સંખ્યા 1800થી પણ વધુ થઈ ગઈ છે.’