આ નવરાત્રીમાં ગરબા ભલે વર્ચ્યુઅલી થવાના હોય, પણ નવરાત્રીની ઉજવણીમાં માનુનીઓ કોઈ કચાશ રાખવા માગતી નથી. ઘરમાં કે પોતાના ટેરેસ પર પોતાના પરિવાર સાથે ઓછા લોકો સાથે નવરાત્રીમાં થનગનવા માનુનીઓ તૈયાર હશે. એવામાં તેમને હળવા ઘરેણા પહેરવા મળે તો ઘરેણાનો ભાર જ ન લાગે અને મન મૂકીને ગરબે ઝૂમી શકે. આજે અહીં એવી જ્વેલરીની વાત કરવાના છીએ કે જે પૂંઠામાંથી તૈયાર થઈ શકે. પૂંઠામાંથી તૈયાર થયેલા ઘરેણા સસ્તા, સુંદર અને ટકાઉ હોય છે. આ ઘરેણા ઝડપથી તૈયાર કરી શકો છો અને તમારા પહેરવેશ સાથે મેચિંગ રંગના કે ડિઝાઈનના પણ બનાવી શકો છો.
ફેશન એક્સપર્ટ્સ કહે છે કે ચણિયા-ચોળી અને તેની સાથે મેચિંગ ગમતા ઓર્નામેન્ટ્સ મેળવવામાં હંમેશા યુવતીઓ અને મહિલાઓને મુશ્કેલી પડતી હોય છે. આ વર્ષે તેઓ કોરોના સંકટ વચ્ચે કદાચ જાતે જ માર્કેટમાં જઈને ઘરેણાની ખરીદી પણ ન કરી શકી હોય તો તેઓની સમસ્યાનું સમાધાન એ છે કે તેઓ જાતે જ પૂંઠામાંથી ઘરે મેચિંગ જ્વેલરી બનાવી શકે છે. નવરાત્રીમાં પૂંઠાની બનેલી મોટી સાઈઝની જ્વેલરીથી ભાર પણ લાગતો નથી અને તમે ઈચ્છો એવી ભારે જ્વેલરી પહેરીને ટ્રેડિશનલ લૂક પણ મેળવી શકો છો.
• પૂંઠાની જ્વેલરી બનાવવા માટે જે આકાર, કદની જ્વેલરી બનાવવી હોય એ પ્રમાણે પૂંઠું કાપી લો. તેની પર જે રંગ કરવો હોય તે રંગ કરી લો. એ પછી તેની સજાવટ માટે આભલા, ટીકી, સળી, મોતી, લેસ, સ્ટોન્સ વગેરે ચોંટાડી દો. જૂની લેસ, ભરત ભરેલું કાપડ અથવા ચણિયા-ચોળીનું કાપડ જો બચ્યું હોય તો તેનો ઉપયોગ પણ પૂંઠાના ઘરેણા બનાવવા કરી શકાય છે.
• પૂંઠાની જ્વેલરી બનાવતા હો ત્યારે ગુંદરનો ઉપયોગ કરીને ટુકડા ચોંટાડીને આખું ઘરેણું તૈયાર કરી શકાય. જેમ કે હાર બનાવવો હોય તો જે સાઈઝ ગમે એ પ્રમાણે પૂંઠાના પિસ તૈયાર કરો અને તેને ગુંદરથી ચોંટાડી દો. બુટ્ટી ટોપ જેવી હોય તો તેને પણ ગુંદરથી કાનમાં ચોંટાડી શકાય, પણ તેના માટે ગુંદર સારો અને વધુ લેવાનું પસંદ ન કરવું. રિવર્સેબલ ટેપનો ઉપયોગ કરી શકાય.
• પૂંઠાની જ્વેલરી માટેના ટુકડાઓમાં કાણા પાડીને દોરાથી પણ તેને જોડીને પણ જ્વેલરી બનાવી શકાય. જોકે કાનની બુટ્ટી માટે લોખંડની પાતળી આંકડી, પેચ અથવા સળી જ પસંદ કરવી જોઈએ.
• ઘણી વખત ઈમિટેશન જ્વેલરી પહેરવાથી ઘણા લોકોને એલર્જી થાય છે. વળી કેટલીક ઈમિટેશન જ્વેલરી થોડા સમય પછી કાળી પડી જાય છે અથવા તેનો રંગ ઉતરી જાય છે. તેની ચમક પણ ઓછી થઈ જાય છે. વળી તે ભારે પણ હોય છે. આ બધી જ મુશ્કેલીના ઉપાય તરીકે પૂંઠાની જ્વેલરી શ્રેષ્ઠ વિકલ્પ છે.