બૈજિંગઃ ચીનની 26 વર્ષીય યુવતીએ સમાજની અપેક્ષાઓ અને હાઇ સેલેરી વાળી કોર્પોટેટ જોબ છોડીને યુનિવર્સિટી કેન્ટીનમાં કામ કરવાનું પસંદ કર્યું છે. પત્રકારિતામાં માસ્ટર ડિગ્રી કરનારી હવાંગ કહે છે કે, એ તેની ખુશી અને માનસિક શાંતિ ઇચ્છતી હતી. આથી કેમ્પસ કેન્ટીનમાં કામ કરવાનું શરૂ કર્યું. હવાંગે 2022માં ચીનની ટોચની પેકિંગ યુનિવર્સિટીમાંથી પત્રકારિતામાં માસ્ટર કર્યું હતું. જે બાદ તેણે ઘણી મોટી વેબ કંપનીઓ અને સરકારી મીડિયા સંસ્થાઓમાં ઇન્ટર્નશિપ કરી હતી. તેની સમક્ષ ઉજળું ભાવિ હતું, પરંતુ તેને પોતાના કાર્યક્ષેત્રે ઊંચી સેલરી કરતાં સંતોષ વધુ જોઇતો હતો.
શરૂમાં થાક, પણ સારી ઊંઘથી બધુ બરાબર
વિદ્યાર્થી તેને પ્રેમપૂર્ણ વ્યવહારના કારણે ‘મમ હવાંગ’ કહીને સંબોધે છે. તે દરરોજ સવારે કામ પર પહોંચે છે અને આખો દિવસ ઉભા રહીને ભોજન પીરસે છે. સૂપ કે પોરીજ કાઢે છે અને ઘણાં બધા શાકભાજી સુધારે છે. તે કહે છે કે, શરૂઆતમાં તેને ઘણો થાક લાગતો, પણ હવે તે આ રૂટીનથી ટેવાઈ ગઈ છે. એક વાર તો તેણે મરચાં સુધારતા આખી ટોપલી ખાલી કરી નાખી, અને મરચાની બળતરાથી તેનો હાથ સોજી ગયો હતો. તે કહે છે, ‘શરૂઆતમાં થાક બહુ લાગતો, પણ એક સારી ઊંઘથી શરીર જલ્દી રિકવર થઈ જાય છે. સવારે એકદમ હળવાશ અનુભવું છું.
ઓછી સેલેરીથી પણ સંતુષ્ટ
હવાંગ કેન્ટીનમાં કામ કરવા માટે દર મહિને આશરે 69,000 રૂપિયા વેતન મેળવે છે, જ્યારે તેના સાથી વિદ્યાર્થીઓનું સરેરાશ સેલેરી પેકેજ આશરે 2.3 લાખ રૂપિયા કમાય છે. આમ છતાં તે કહે છે, ‘આ મારી પસંદનું કાર્યક્ષેત્ર છે, કેમ કે તેનાથી મને ખુશી મળે છે.’ તેણે ભવિષ્યમાં કેન્ટીન મેનેજર બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. પણ શું હવાંગનો પરિવાર તેના આ ‘ક્રાંતિકારી’ નિર્ણય સાથે સંમત થઇ ગયો હતો? હવાંગ કહે છે કે ના. તેનું કહેવું છે કે પરિવારે તેના આ નિર્ણય પર વાંધો ઉઠાવ્યો હતો. તેના સંબંધી, જે બસ ડ્રાઈવર છે, તેમને ચિંતા હતી કે આ કામ શારીરિક રીતે ઘણું અઘરું છે અને સેલેરી પણ ઓછી છે. જોકે હવાંગની ખુશી જોઇને હવે તેના પરિવારજનો ખુશ છે.