વોશિંગ્ટનઃ અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં ગર્ભપાતને કાયદેસરની મંજૂરી આપતા પાંચ દાયકા જૂના પોતાનો ચુકાદો બદલી નાંખ્યો છે. આ ચુકાદાથી એવું મનાય છે કે હવે મહિલાઓને ગર્ભપાતનો કાયદાકીય અધિકાર મળશે નહીં અને તેના અંગે રાજ્ય પોત-પોતાના અલગ નિયમ બનાવી શકે છે. કોર્ટે 50 વર્ષ જૂના રો વિરુદ્ધ વેડ કેસમાં આપેલો ચુકાદો બદલી નાંખ્યો છે, જેમાં ગર્ભપાતને કાયદેસર ઠેરવવામાં આવ્યો હતો. સાથે સાથે જ કહેવાયું હતું કે, બંધારણ ગર્ભવતી મહિલાને ગર્ભપાત અંગેનો નિર્ણય લેવાનો અધિકાર આપે છે.
બહુચર્ચિત રો વિરુદ્ધ વેડ કેસ શું છે?
વર્ષ 1971માં ગર્ભપાત કરાવવામાં નિષ્ફળ રહેલી એક મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેને રો વિરુદ્ધ વેડ કેસ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ગર્ભપાતની સુવિધાઓ સુધી સરળ પહોંચ માટે અપીલ કરાઈ હતી. રજૂઆત થઇ હતી કે ગર્ભધારણ અને ગર્ભપાત બાબતે મહિલાઓને અધિકાર હોવો જોઈએ, નહીં કે સરકારને. બે વર્ષ બાદ કોર્ટે આપેલા ચુકાદામાં ગર્ભપાતને કાયદેસર ઠેરવાયો અને કહ્યું કે બંધારણ ગર્ભવતી મહિલાને ગર્ભપાત અંગેનો નિર્ણય લેવાનો અધિકાર આપે છે. આ પછી હોસ્પિટલોએ મહિલાઓને ગર્ભપાતની સુવિધા આપવું ફરજિયાત થઈ ગયું હતું.