અમેરિકાના નોર્થ કેરોલિનામાં રહેતી ૩૧ વર્ષની જેનેટ બ્રાઉન નામની મહિલા બે સંતાનોની માતા છે. જેનેટ ઉબર ટેક્સી ચલાવીને પોતાની રીતે આર્થિક પગભર છે. જન્મથી જ તેના કોણીથી આગળના હાથ વિકસ્યા નથી. કોણીથી આગળ તેના બન્ને હાથમાં ખૂબ પાતળું હાડકું છે જેનો જેનેટ બખૂબી ઉપયોગ કરી લે છે. ઘરનું એકેય કામ એવું નથી જે જેનેટ ન કરી શકે. ઘરની સફાઈની વાત હોય કે રસોઈ. બધું જ તે કરે છે. કપડાં ધોવાથી માંડીને પોતાનું માથું ઓળવા સુધીનું કામ તે હાથ વિના કરી શકે છે.
હાડકાંનો ઉપયોગ
કોણીથી આગળના પાતળા હાડકાંનો જેનેટ એવી રીતે ઉપયોગ કરે છે જે તેના માટે હાથ અને આંગળીઓની ગરજ સારે છે. દરેક કામ જાતે કરવા માટે તેણે ઘરમાં નાના-મોટા ઉપાય શોધી લીધાં છે. કાંસકો હાથમાં પકડવા માટે તેણે કાંસકાની ફરતે રબર બાંધી દીધું છે એટલે રબર હાથમાં પહેરીને તે પોાતના વાળ જાતે ઓળી લઈ શકે છે. તે પોતાની જાતે જ ભોજન ગ્રહણ કરે છે. બે હાથ ભેગા કરીને તે પેનથી લખી પણ શકે છે. આ બધું જો સમજ્યા પણ જેનેટ ટેક્સી પણ ચલાવે છે.
જેનેટનું કહેવું છે કે, ટેક્સીના મુસાફરો પહેલી વાર જુએ કે તેની ટેક્સી ડ્રાઈનરના હાથ નથી ત્યારે તેમને શંકા જાય કે હેમખેમ તેમને પહોંચાડશે કે નહીં, પરંતુ તેમને એક વાર મારા ડ્રાઇવિંગનો અનુભવ થયા પછી તેઓ મને જ તેમના પર્સનલ ડ્રાઇવર તરીકે ડાયરેક્ટ ફોન કરીને મારી ટેક્સી બુક કરવાનું પસંદ કરે છે. જેનેટ પણ દીકરાઓ સ્કૂલમાં જાય ત્યારે નવરાશનો સમય બેસી રહેવાને બદલે ટેક્સી ચલાવીને વધારાના પૈસા રળી લે છે.
જેનેટ કહે છે કે, લોકો મને ડિસેબલ સમજીને મદદ કરવા હાથ લંબાવે છે ત્યારે બહુ જ ખરાબ લાગે છે. મારાથી નહીં થાય એવું ધારીને મદદ કરવા આવનારા લોકોનો આશય સારો જ હોય છે, પણ એ મને એ દુઃખી કરે છે કેમ કે ભલે મને હાથ ન હોય, પણ એવું એકેય કામ નથી જે બે હાથવાળા લોકો કરી શકતાં હોય અને હું ન કરી શકતી હોઉ. જેનેટે પોતાના જેવા ડિસેબલ લોકો માટે એક વૈશ્વિક સંસ્થા ખોલી છે જે તેમને જાતે પગભર થવા માટે પ્રોત્સાહન અને જરૂરી સહાય પૂરી પાડે છે.