પહેલાંની પ્રેગ્નન્સી અને આજની પ્રેગ્નન્સીમાં ઘણો મોટો ફરક છે અને એ ફરક છે ઇલાજની પદ્ધતિમાં. પહેલાં સ્ત્રી પ્રેગ્નન્ટ થતી પછી પણ અમુક ઘરોમાં તરત ડોક્ટર પાસે ન લઈ જતા. થોડોક સમય થાય પછી જ એકાદ વાર દેખાડવા પૂરતું દેખાડી દે અને પછી સ્ત્રીને સીધી ડિલિવરી માટે લઈ જતા. સોનોગ્રાફી પણ પહેલાં એકાદ વાર જ કરાવતા. આજે પણ ઘણા વડીલો છે, જેઓ સોનોગ્રાફી કરાવવાની ના પાડી દે છે. આજે આ રીત તદ્દન બદલાઇ ગઈ છે. લોકો ઘણા જાગૃત થઈ ગયા છે. આજે કોઈ પણ કપલ જ્યારે બાળક વિશે વિચારતું થાય એ પહેલાં જ ડોક્ટરની મુલાકાત લે છે. ડોક્ટર્સની સલાહ મુજબ જ આગળ વધે છે. ડોક્ટર્સ બાળક કન્સીવ કરતાં પહેલાં માતા-પિતા બન્ને માટે જરૂરી ટેસ્ટનું એક લિસ્ટ આપે છે, જે ટેસ્ટ કરાવવી ખૂબ જ જરૂરી હોય છે. વળી, સ્ત્રી પ્રેગ્નન્ટ થઈ જાય પછી પણ નિયમિતરૂપે તેનું ચેક-અપ અને ટેસ્ટ થતાં રહે છે.
તબીબી નિષ્ણાતો માને છે કે આ બદલાયેલી પદ્ધતિ અને જાગૃતિને કારણે જ સ્ત્રીઓનો ડિલિવરી સમયે અને બાળકોનો જન્મ સમયે થતો મૃત્યુદર ઘટ્યો છે. છતાં આજે અમુક લોકો એવા છે જે જાત-જાતની ટેસ્ટ કરાવવા માગતા નથી. બાળક પ્લાન કરતાં પહેલાં ડોક્ટરને મળતા નથી કે પ્રેગ્નન્સી પછી તરત જ ડોક્ટર પાસે જતા નથી. આવું ન કરવાથી ઘણા ગેરલાભ થઈ શકે છે જેમાંના એક ગેરલાભની વાત અહીં રજૂ કરી છે. અને આ ગેરલાભ એટલે પ્રેગ્નન્સી દરમિયાન જોવા મળતો થાઇરોઇડનો એક રોગ - હાયપોથાઇરોડિઝમ.
સ્ત્રીઓમાં વધુ
આપણા શરીરમાં થાઇરોઇડ નામની એક ગ્રંથિ છે, જેમાં થાઇરોઇડ હોર્મોનનો સ્રાવ થાય છે અને એનો સંગ્રહ પણ. થાઇરોઇડ હોર્મોન શરીરના દરેક કોષના કાર્ય માટે અનિવાર્ય છે. એ ધબકારાને કાબૂમાં રાખે છે, બ્લડ-પ્રેશરને જાળવે છે, શરીરનું તાપમાન એકસમાન રાખે છે. શરીરના મેટાબોલિઝમ એટલે કે પાચનપ્રક્રિયામાં પણ એ મહત્ત્વનો ભાગ ભજવે છે. એ બાળકોમાં મુખ્યત્વે ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી હોર્મોન છે. આ હોર્મોનનું પ્રમાણ ઘટી જાય એ રોગને હાયપોથાઇરોડિઝમ કહે છે અને જો પ્રમાણ વધી જાય તો રોગને હાયપરથાઇરોડિઝમ કહે છે. આમાંથી હાયપોથાઇરોડિઝમ વધુ પ્રમાણમાં જોવા મળતો રોગ છે. વળી, મહત્ત્વની વાત એ છે કે પુરુષો કરતાં આ રોગ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. એનું કારણ જણાવતાં નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટ્સ કહે છે કે પુરુષોના જીવનકાળ દરમિયાન હોર્મોન્સનું અસંતુલન ઘણું ઓછું જોવા મળે છે, જ્યારે સ્ત્રીઓમાં ખાસ કરીને માસિક દરમિયાન કે પ્રેગ્નન્સી અને મેનોપોઝ દરમિયાન હોર્મોન્સની ઊથલપાથલ વધુ થાય છે. થાઇરોઇડ પણ એક હોર્મોનનો જ પ્રકાર છે. આથી સ્ત્રીઓમાં આ રોગ વધુ જોવા મળે છે.
પ્રેગ્નન્સીમાં રિસ્ક
મહત્ત્વની વાત એ છે કે થાઇરોઇડનો આ પ્રોબ્લેમ જન્મથી પણ ઘણાને હોઈ શકે છે તો ઘણા લોકોને નાનપણમાં આવી શકે છે. ઘણી સ્ત્રીઓને મેનોપોઝ દરમિયાન આવે તો ઘણાને યુવાનીમાં. અમુક સ્ત્રીઓ, જેને જિનેટિકલી થાઇરોઇડ થવાની શક્યતા હોય છે તેમને ખાસ પ્રેગ્નન્સી દરમિયાન આ રોગ થાય છે.
પ્રેગ્નન્સીમાં થાઇરોઇડ વધુ ચિંતાજનક કેમ માનવામાં આવે છે? બે-પાંચ ટકા સ્ત્રીઓને પ્રેગ્નન્સી દરમિયાન હાયપોથાઇરોડિઝમનો પ્રોબ્લેમ થાય છે. જો સ્ત્રીને પહેલેથી થાઇરોઇડ હોય અને તે પ્રેગ્નન્ટ બને કે પછી સ્ત્રીને અચાનક પ્રેગ્નન્સી સમયે જ થાઇરોઇડ આવે - આ બન્ને કેસમાં જો તેનું થાઇરોઇડનું નિદાન ન થઈ શકે અથવા તેનો ઇલાજ ચાલુ કરવામાં ન આવે તો બાળકના વિકાસમાં મોટો ખતરો ઊભો થઈ શકે છે, કારણ કે પ્રેગ્નન્સીના પહેલા ત્રણ મહિના બાળક પાસે પોતાની થાઇરોઇડ ગ્રંથિ હોતી નથી. તે પોતાના ગ્રોથ માટે માતાનું થાઇરોઇડ વાપરતું હોય છે. જો માતાનું જ થાઇરોઇડ ઓછું હોય તો બાળકને પૂરતું થાઇરોઇડ મળે નહીં અને તેના મગજનો વિકાસ થાય નહીં. આ પરિસ્થિતિમાં બાળક માનસિક અક્ષમ પણ જન્મી શકે છે. આ સિવાય મિસ-કેરેજ, મૃત બાળક, પ્રિમેચ્યોર ડિલિવરી કે પછી અવિકસિત બાળક જન્મવાની સંભાવના પણ વધુ રહે છે.
કારણ
પ્રેગ્નન્સી દરમિયાન હાયપોથાઇરોડિઝમ કોને થાય એ વિશે સમજાવતાં નિષ્ણાતો જેના પરિવારમાં કોઈને, ખાસ કરીને માતા કે પિતાને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય તેવી સ્ત્રીઓને હાયપોથાઇરોડિઝમ થવાની શક્યતા રહે છે. જેના શરીરમાં આયોડીનની કમી હોય તેવી સ્ત્રીઓને પણ આ રોગ થાય છે. આ ઉપરાંત કુપોષણનો શિકાર હોય તેવી સ્ત્રીઓને પણ આ રોગ થવાની શક્યતા રહેલી છે. ઘણા નોન-વેજિટેરિયન ખોરાકમાં આયોડીન રહેલું છે, પરંતુ જે લોકો વેજિટેરિયન છે તેમણે ખાસ તો નમક આયોડીનયુક્ત જ ખાવું જોઈએ.
પરીક્ષણ
બાળક માટે પ્લાન કરો એ પહેલાં, પ્રેગ્નન્સી દરમિયાન દર ત્રણ મહિને અને ડિલિવરીનાં ૬ અઠવાડિયાં પછી થાઇરોઇડ માટે ટેસ્ટ જરૂરી છે. થાઇરોઇડ ક્યારેક સાયલન્ટ પણ હોઈ શકે છે, જેમાં સ્ત્રીને કોઈ જ લક્ષણો હોય નહીં તો લાંબા સમય સુધી ખબર પડતી નથી કે સ્ત્રીને આ રોગ છે. જે સ્ત્રીઓને પ્રેગ્નન્સી દરમિયાન જ થાઇરોઇડ આવી ગયું હોય તેમને ડિલિવરી પછી મોટા ભાગના કેસમાં જતું રહે છે, પરંતુ ઘણા કેસમાં એ જતું નથી. આમ એ ગયું કે નહીં એ જાણવા માટે પણ ટેસ્ટ કરાવવી જરૂરી છે. પ્રેગ્નન્સી દરમિયાન આ ટેસ્ટ કરાવવી એટલે જરૂરી છે કે થાઇરોઇડનું લેવલ ચેક કરીને સ્ત્રીનો ડોઝ વધારવો કે ઘટાડવો એ નિશ્ચિત કરી શકાય.
સારવાર
• હાયપોથાઇરોઇડનો ઇલાજ સરળ છે. દવાઓ દ્વારા થાઇરોઇડના લેવલને કાબૂમાં લઈ શકાય છે.
• ઘણી સ્ત્રીઓને પહેલેથી થાઇરોઇડ હોય ત્યારે ઇલાજ દ્વારા થાઇરોઇડનું લેવલ સરખું કરીને તે પ્રેગ્નન્ટ બની શકે છે અને પ્રેગ્નન્સી દરમિયાન પણ સતત ટેસ્ટ કરાવતા રહી, દવાઓ ચાલુ રાખીને લેવલ જાળવી શકે છે.
• જે સ્ત્રીને પહેલાં થાઇરોઇડ ન હોય અને પ્રેગ્નન્સી દરમિયાન જ તેનું નિદાન થયું હોય તેણે પ્રેગ્નન્સી વેળા દવાઓ દ્વારા પોતાનું થાઇરોઇડ લેવલ જાળવી રાખવું જરૂરી છે.
• આવી સ્ત્રીઓનું થાઇરોઇડ ડિલિવરી પછી જતું રહે છે, પરંતુ તેને ભવિષ્યમાં ગમે ત્યારે થાઇરોઇડનો પ્રોબ્લેમ થવાની શક્યતા રહે છે.
• હાયપોથાઇરોડિઝમ એક એવી સ્થિતિ છે જે અમુક સ્ત્રીઓમાં આજીવન રહેતી હોય છે એટલે કે તેમને બ્લડ-પ્રેશર અને ડાયાબિટીસની જેમ જીવનભર દવાઓ પર આધાર રાખવો પડે છે, પરંતુ ઘણી સ્ત્રીઓને એ મટી પણ જાય છે.