ગુવાહાટીઃ ભારતની સ્ટાર મહિલા દોડવીર હિમા દાસની આસામ પોલીસમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ડીવાયએસપી) તરીકે નિમણૂક કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલના હસ્તે નિમણૂક પત્ર મેળવ્યા બાદ તેણે પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે મારું નાનપણનું સપનું સાકાર થઇ ગયું.
એક નાનકડા, પણ ગરિમાપૂર્ણ સમારોહમાં હિમા દાસને નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. હિમાએ કહ્યું કે ‘હું નાનપણથી જ પોલીસ અધિકારી બનવાના સપના જોતી રહી હતી. સ્કુલના દિવસોથી જ હું પોલીસ અધિકારી બનવા માંગતી હતી અને મારી માતાનું પણ સપનું હતું.’ હિમા દાસે કહ્યું કે, માતા દુર્ગાપુજા સમયે મને રમકડાની બંદુક અપાવતી હતી. આ સમયે મારી માતા કહેતી હતી કે તું આસામ પોલીસની સેવા કરજે અને જીવનમાં સારી વ્યક્તિ બનજે.’ એશિયાઇ રમતની કાંસ્ય પદક વિજેતા અને જૂનિયર વર્લ્ડ ચેમ્પિયન હિમા દાસે કહ્યું કે તે પોલીસની નોકરીની સાથે રમતમાં પણ પોતાની કારર્કિર્દી ચાલુ જ રાખશે.