હીરો તો જેટલો સફેદ એટલો સારો અને મૂલ્યવાન... સહુ કોઇની વર્ષોથી આ માન્યતા રહી છે. અરે, એક જમાનામાં ઝવેરીઓ પણ આવું જ કહેતા, પરંતુ આધુનિક જમાનામાં - સમયના વહેવા સાથે મૂલ્યો બદલાઇ ગયા છે. ગૃહિણીઓ સાડીમાંથી સલવાર કમીઝ પહેરતી થઇ ગઇ છે અને ફેશનના નામ પર નવા-નવા અખતરા કરવા માંડી છે. આજકાલ ફેશનના બજારમાં બોલબાલા છે રંગીન હીરાઓની. એક સમયે લોકો એવું વિચારીને સોનાના દાગીનાં ખરીદતા હતાં કે સંકટ સમયે આને વેચશું તો કેટલા રૂપિયા ઉપજશે? પરંતુ આજે મનગમતી વસ્તુ પાછળ પૈસા ખરીદતા આવો વિચાર કરવાની કોઇને ફુરસદ નથી. ઉલ્ટાનું આવું પૂછનાર લોકો વેદિયામાં ખપી જાય છે. આજે તો બસ, વસ્તુ મનગમતી મળવી જોઇએ, ભવિષ્યની ઐસીતૈસી. આ ન્યાયે હાઇ સોસાયટીમાં ફેન્સી હીરાઓની ફેશન ચાલી છે. સમય જતાં મૂલ્યો બદલાય તે આનું નામ. હવે બજારમાં ઉપલબ્ધ છે વિવિધ રંગના હીરા, અને તે પણ સફેદ હીરા કરતાં વધુ મોંઘા અને વધુ સુંદર. ઝાંખા ગુલાબી, ભૂરી કે રતાશ પડતી ઝાંયના હીરા તમે જોયા જ હશે. એ બધા સામે પરંપરાગત હીરાઓ થોડાક ‘ઝાંખા’ પડી જાય છે.
બજારમાં ઉપલબ્ધ રંગીન ઝાંયવાળા હીરાઓમાં મુખ્યત્વે પીળા, બદામી, કેસરી, રતાશવાળા હીરાઓનું વેચાણ વધુ હોય છે. ગુલાબી ઝાંયવાળો હીરો પચીસ હજારે એકાદો જ મળતો હોવાથી અતિ કિંમતી ગણાય છે જ્યારે ઘેરા પીળા રંગના હીરા સફેદ હીરાથી દસ ગણી વધુ કિંમતી મનાય છે! જોકે કેટલાંક ઝાંખા પીળા હીરાઓ થોડી ઉતરતી કક્ષાના હોઇ શકે. જેમ રંગ ઘેરો એમ કિંમત વધુ.
કેટલાક ઝવેરીઓ પીળાશ પડતા હીરાને ‘કેનેરી’ હીરા કહે છે. પીળા હીરામાં ઘાસના રંગની ઝાંયથી લઇને ટેક્સીના પીળા રંગની ઝાંય સુધીના બધા રંગોનો સમાવેશ થાય છે. એથી રાતા-પીળા રંગના હીરાને આ નામ જરૂર આપી શકાય, પણ બધા પીળા હીરાને ‘કેનેરી’ નામ આપવું યોગ્ય નથી.
બદામી રંગના હીરાઓ પુરુષોમાં વધુ લોકપ્રિય છે કારણ કે એ મર્દાનગી દર્શાવે છે અને પુરુષોના કપડા સાથે મેચ પણ થઇ શકે છે. એમાંય જુદી-જુદી શ્રેણીઓ છે જેમ કે ચમકતો બ્રાઉન, સફેદાઇ પડતો ઝાંખો બદામી ઇત્યાદી.
હીરા રંગીન કેવી રીતે બને છે તે જાણવા આપણે વિજ્ઞાાનનો આધાર લઇએ. દરેક પદાર્થ અણુ અને પરમાણુઓનો સમુહ છે. આમ જુઓ તો હીરા અને કોલસામાં માત્ર અણુઓની રચનાનો ફરક છે એટલું જ. મૂળમાં તો બધું એકનું એક છે. કાર્બનના પરમાણુઓની ચોક્કસ પ્રકારની ગોઠવણીને કારણે હીરો એની ચમક અને રંગ મેળવે છે. હવે કાર્બન સાથે જો બીજા કોઇ વાયુના પરમાણુઓ હોય તો હીરાને જુદો રંગ મળે. જેમ કે, જો નાઇટ્રોજનના પરમાણુઓ ભળે તો પીળો કે બ્રાઉન રંગ ઉત્પન્ન થાય અને બોરોનના પરમાણુઓ ભૂરો રંગ પ્રદાન કરે. ટૂંકમાં જેટલો હીરો શુદ્ધ એટલો સફેદ અને ભેળસેળીયો એટલો રંગીન. કળિયુગની આ બલિહારી કે ભેળસેળીયા હીરાની કિંમત વધુ અને સફેદની ઓછી! આથી બહેનોએ જરા વિચાર કરીને હીરાની ખરીદી કરવી પડે! સફેદ રંગના હીરાઓને જ આપણે સદીઓથી ‘સાચા’ હીરા ગણતા આવ્યા છીએ પરંતુ આધુનિક જમાનામાં પરંપરાઓ બદલાતી જાય છે.
ફેન્સી-રંગીન હીરાઓમાં પીળા રંગના હીરા સસ્તામાં મળે છે. એને જો સોનામાં જડાવવામાં આવે તો એ ઘેરા રંગના લાગી શકે અને તેની શોભા વધી જાય. રંગીન હીરાઓની કિંમત એમના રંગનું ઘેરાપણું અને શુદ્ધતા પર આધારિત હોય છે. જોકે હવે હીરામાં ડાઘ હોય તો એને અશુદ્ધ કે અશુભ મનાતા નથી કારણ કે અશુદ્ધિ વધુ એમ રંગ વધુ ઘેરો.
રંગીન હીરાઓ ખરીદતા પહેલાં કેટલીક ચકાસણીઓ આવશ્યક છે. આજકાલ ભેળસેળમાં પણ 'સેળભેળ' થવા માંડી છે. હીરાઓને કુદરતી રંગ ન મળ્યો હોય તો એમાં રેડિયેશનથી રંગ ઉપજાવવામાં આવે છે. આવા હીરોઓ વધુ ઘેરા રંગના હોય છે અને ઓછી કિંમતના પણ. એથી ભરોસાપાત્ર ઝવેરી પાસેથી, સર્ટિફિકેટ સાથે જ હીરાખરીદી વધુ યોગ્ય છે. ફેન્સી હીરા ખરીદતા પહેલા ઝવેરી પાસેથી જાણી લો કે એનો રંગ કુદરતી છે. જેથી રંગીન હીરાની ઊંચી કિંમત આપી બનાવટી રંગ ઉપજાવેલ હીરો ખરીદીને છેતરાવું ન પડે.
શક્ય હોય તો ઝવેરીને કહો કે કુદરતી રીતે રંગીન અને અકુદરતી રંગવાળા હીરાઓને બાજુ બાજુમાં મૂકી બતાવે. તરત જ ફરજ નજરે ચઢી આવશે. સચ્ચાઇને જાણવા પારખુ નજર જોઇએ, જે સામાન્ય માણસ પાસે ન હોય.
કેટલીક આંતરાષ્ટ્રીય સંસ્થાઓ સર્ટિફિકેટ પણ આપે છે જેથી તમારે છેતરાવાનો ભય ન રહે. જેમ કે, ઇન્ટરનેશનલ ડાયમંડ કમિટી કે જેમોલોજીકલ ઇન્સ્ટિટયુટ ઓફ અમેરિકા આવા હીરાઓનું વર્ગીકરણ અમુક માપદંડના આધાર પર કરે છે. સંસ્થાઓનું સર્ટિફિકેટ હોય તો તમે નચિંતપણે એ ઘરેણા લઇ શકો. રંગીન હીરાઓ, બુટ્ટીઓમાં, હારમાં કે માથાના ટીક્કાઓમાં જડવામાં આવે તો ઘરેણા અને માનુનીની સુંદરતાને ચાંદ લગાવી દે છે. આખરે તો પેલી જાહેરાતમાં કહે છે ને ‘હીરા હૈ સદા કે લિયે....’ સદીઓથી હીરા પ્રેમનું પ્રતિક મનાતા આવ્યા છે અને આધુનિક યુગમાં રંગીન હીરાઓ પ્રેમમાં રંગીન મસ્તીનો જાદુ પાથરે છે.