હીરા ઉદ્યોગમાં સામાન્ય રીતે પુરુષ કામદારો જ કામ કરે છે, પરંતુ સુરતમાં બે દિવ્યાંગ મહિલાઓ છેલ્લા કેટલાક વર્ષોથી હીરાના કારોબારમાં કામ કરી આર્થિક પગભર બની છે અને આ ઉદ્યોગમાં ખંતથી કામ કરીને કાઠું કાઢી રહી છે. સરથાણા-સીમાણા વિસ્તારમાં આવેલી હરિકૃષ્ણા એક્સપોર્ટ હીરા કંપનીમાં કામ કરતી બે મહિલાઓ કાજલબહેન સોરઠિયા અને અમિતાબહેન શાંતિલાલ ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાંથી સારી એવી કમાણી મેળવી રહી છે. મૂળ સૌરાષ્ટ્રના ચિતલ ગામનાં કાજલબહેન સોરઠિયાએ ધો. બાર પછી એનિમેશનનો કોર્સ કર્યો હતો. સુરતમાં આ કોર્સને લગતી રોજગારી માટે તેઓ પ્રયત્ન કરતા હતા ત્યાં જ તેમના પિતાનું નિધન થયું અને પરિવારમાં આર્થિક સંકટ ઊભું થયું તેવું કાજલબહેન કહે છે. કાજલબહેન જણાવે છે કે, મારા કાકાએ રાહ ચિંધાડી કે ડાયમંડ બિઝનેસમાં તારી ક્રિએટિવિટીનો ઉપયોગ થઈ શકે છે. શરૂઆતમાં મને થોડો ખચકાટ થયો, પણ પરિવારમાં નાના ભાઈની દેખરેખની જવાબદારી હતી એટલે પછીથી ડાયમંડ ઈન્ડસ્ટ્રીને લગતું કામ શીખવાનું શરૂ કર્યું. છેલ્લા સાત વર્ષથી હું ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છું અને મહિને રૂ. ૬૦-૭૦ હજાર કમાણી થાય છે.
વડા પ્રધાન દ્વારા સન્માન
કાજલબહેન કહે છે કે, બે વર્ષ અગાઉ કંપનીએ લોયલ્ટી સ્કીમ અંતર્ગત અનેક કર્મચારીઓને કાર ગિફ્ટ આપી હતી. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા. મને કંપની તરફથી વડા પ્રધાનના હાથે જ કારની ચાવી મળી હતી. વડા પ્રધાનને મળવું મારા માટે ગૌરવની પળ હતી. હું એ પળને જીવનમાં ક્યારેય ભૂલી નહીં શકું.
હુનરનો ઉપયોગ કરો
કાજલબહેન કહે છે કે, દરેક મહિલાએ તેના હુનરનો ઉપયોગ કરવો જોઈએ. દરેક મહિલામાં કોઈને કોઈ ક્રિએટિવિટી હોય જ છે. ડાયમંડ બિઝનેસમાં તો ક્રિએટિવિટી જ બધું છે અને મહિલાઓથી ઉત્તમ તેને કોણ સમજી શકે? આ ક્ષેત્રમાં પણ મહિલાઓ માટે વિકાસનો માર્ગ છે.
નોકરી અમિતાબહેનની હિંમત
હરિકૃષ્ણા એક્સપોર્ટ કંપનીમાં ગેલેક્સી-ક્યૂસીમાં કામ કરનારા અમિતાબહેન શાંતિલાલ કહે છે કે પીટીસી અને આર્ટ્સ ગ્રેજ્યુએટ થયા પછી હું કોન્ટ્રાક્ટ બેઝ પર સરકારી સ્કૂલમાં કામ કરતી હતી. જોકે, કોન્ટ્રાક્ટ પૂરો થવાનો હતો અને નોકરી જવાનો ભય પણ હતો. આ દરમિયાન હરિકૃષ્ણા કંપનીમાં જગ્યા હોવાની જાણ થઈ. મેં અરજી કરી તો સિલેક્શન થઈ ગયું.
એ પછી એક વર્ષ મેં ડાયમંડ સાથે જોડાયેલા તમામ કામની તાલીમ લીધી. આ દરમિયાન કંપનીના તમામ વિભાગમાં કામ કર્યું. બ્લોકિંગ, ટ્રેડિંગ, ટ્રિપલ એક્સ જેવા વિભાગના કામ શીખ્યા. એ પછી ક્યૂસી (ક્વોલિટી ચેક) ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહી છું. નોકરી મને પહેલેથી જ હિંમત આપે છે. તેથી લગ્ન પછી પણ જોબ છોડી નથી. અમિતાબહેન કહે છે કે, અમે દિવ્યાંગ છીએ પણ અમે અમારા કામમાં પરફેક્ટ છીએ. તમારું પરફેક્ટ કામ જ તમને આર્થિક પગભર બનાવે છે અને સફળ માણસ પણ બનાવે છે.