એક સમયે રાજા-રજવાડાંઓ અને માલેતુજારોના પરિવારો પૂરતો સીમિત હીરો હવે ઘર-ઘરમાં પહોંચી રહ્યો છે. ધનાઢયોની સાથે સાથે હવે ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારોમાં પણ હીરાના આભૂષણો ખરીદવાનું ચલણ વધી રહ્યું છે. હીરાના વિકસતા બજારે આ શક્ય બનાવ્યું છે. એક જમાનામાં ગ્રાહકોની ખરીદી સોના-ચાંદીના આભૂષણો પૂરતી જ સીમિત રહેતી હતી. જોકે આજનો ગ્રાહક હીરાનાં આભૂષણો જૂએ પણ છે અને ખરીદે પણ છે.
ખરીદીનો ટ્રેન્ડ
ભારતની બ્રાન્ડેડ જ્વેલરી કંપનીઓએ પણ સમયની જરૂરત અને ગ્રાહકોની બદલાતી પસંદને ધ્યાનમાં રાખીને સોના-ચાંદીની સાથે સાથે હીરાનાં એવા આભૂષણો બજારમાં મૂક્યાં છે જે મનને પણ મોહી લે અને ગજવાને પણ પરવડે. જૂના જમાનાના ભારે આભૂષણોના બદલે થોડા હળવા, છતાં સુંદરતમ દેખાતા હીરાનાં ઘરેણાં લોકોની પહેલી પસંદ છે. આવા ઘરેણાંમાં માત્ર એક હીરો જડેલો હોય છે. જેમ કે, એક જ હીરો જડેલી વીંટી કે એક જ હીરો જડેલા પેન્ડન્ટવાળી પાતળી એવી સોનાની ચેન, કાન માટે એક-એક હીરો જડેલાં એરિંગ વગેરે. આવા દાગીનાઓની કિંમત તેમાં જડેલા હીરાના આકાર પર નિર્ભર કરે છે, પરંતુ તેમાં એક જ હીરો હોવાથી પ્રમાણમાં કિંમત ઓછી હોય છે. આ ઉપરાંત તહેવારો અને અન્ય ખાસ પ્રસંગોને અનુરૂપ વિવિધ ડિઝાઈનનાં ઘરેણાં પણ લોકો પસંદ કરે છે. જેમ કે, રક્ષાબંધન પર રાખડીની જગ્યાએ સુંદર બ્રેસલેટ.
ડાયમંડ જ્વેલરી વેચતી કંપનીઓ જાણે છે કે લોકોમાં હીરાનું આકર્ષણ વધી રહ્યું છે. આથી જ તેઓ વધુને વધુ ગ્રાહકોને આકર્ષવા નવા નવા પ્રકારની સ્કીમ લાવતા રહે છે. 'જૂનું આપીને નવું મેળવો'ની ફોર્મ્યુલા જ્વેલરી બજારમાં સફળ પુરવાર થઈ છે. ગયા વર્ષે એક સ્કીમ એવી હતી કે સોનાના દાગીનાની બદલામાં એનાથી વધારે કિંમતનો હીરો મેળવો. આ પછી એક જાણીતી કંપની એવી ઓફર લાવી હતી કે સોનાના જૂના દાગીના આપો અને બદલામાં તે દાગીનાના મૂલ્ય કરતાં ૨૦ ટકા વધુ કિંમત ધરાવતા હીરા મેળવો. કોઇક કંપનીએ વળી એવી સ્કીમ મૂકી હતી કે હીરો ખરીદ્યાના બે, ચાર કે પાંચ વર્ષ પછી અમને જ પાછો વેંચો અને ખરીદ કિંમત કરતાં થોડાક ટકા વધુ મૂલ્ય મેળવો. કેટલાક લોકો વળી હીરાની ખરીદીને એક પ્રકારનું મૂડીરોકાણ ગણે છે. હીરાનું આભૂષણ પ્રસંગોપાત પહેરી પણ શકાય અને સમય વીતવા સાથે તેના મૂલ્યમાં પણ વૃદ્ધિ થતી રહે.
કહેવાનું તાત્પર્ય એટલું જ કે હીરાના આભૂષણ ખરીદવાનું આકર્ષણ થાય તેવા એક નહીં અનેક કારણો હાજર છે. જોકે હીરો કે તેની જ્વેલરી ખરીદવામાં કેટલીક બાબતોની કાળજી રાખવી આવશ્યક છે.
ખરીદીમાં સાવચેતી
જાણકારોના મતે હીરો ખરીદતી વેળા પાંચ 'સી'નું ધ્યાન રાખવું આવશ્યક છે. આ જ પહેલો ‘સી’ એટલે કટ (તરાશ), બીજો ‘સી’ એટલે કલેરિટી (પારદર્શીતા), ત્રીજો ‘સી’ એટલે કલર (રંગ), ચોથો ‘સી’ એટલે કેરેટ અને પાંચમો ‘સી’ એટલે સર્ટિફિકેટ (હીરો અસલી હોવાનું પ્રમાણપત્ર). હીરાની કિંમત આ બધા ગુણોના આધારે નક્કી કરવામાં આવે છે.
• કટઃ હીરાનો કટ જ એ નક્કી કરે છે કે એ કેટલો ચમકદાર છે. જો કટ બરાબર ન હોય તો હીરો ધૂંધળો અને ફિક્કો દેખાય છે. કટ મેગ્નિફાઈંગ ગ્લાસની મદદથી જોઈ શકાય છે. હીરા માટે જે કટ ગ્રેડનો ઉપયોગ થાય છે તેમાં એક્સીલન્ટ, આઇડિયલ, વેરી ગુડ, ગુડ અને ફેરનો સમાવેશ થાય છે.
• ક્લેરિટીઃ કોઈ પણ બે હીરા એકસરખા નથી હોતા. જે હીરામાં જેટલાં ઓછાં નિશાન હોય, એ એટલો વધુ મોંઘો હોય છે. હીરાની ક્લેરિટીને અલગ અલગ ગ્રેડિંગ અપાય છે, જેના આધારે તમે હીરાની ક્લેરિટી નક્કી કરી શકો છો.
• કલરઃ રંગના હિસાબે હીરાને અંગ્રેજી આલ્ફાબેટના અક્ષરો પ્રમાણે ‘ડી’થી ‘ઝેડ’ સુધીનું ગ્રેડિંગ અપાય છે. રંગ વગરનો હીરો સૌથી શ્રેષ્ઠ અને કિંમતી હોય છે એને સર્વોચ્ચ ‘ડી’ ગ્રેડિંગ અપાયું છે. ‘ડી’થી ‘એફ’માં રંગ વગરના હીરા, ‘જી’થી ‘જે’માં હળવા રંગના હીરા, ‘કે’થી ‘એમ’માં મધ્યમ રંગના હીરા અને ‘એન’થી ‘વાય’માં પીળા અથવા બ્રાઉન રંગના હીરાનો સમાવેશ થાય છે.
• કેરેટઃ હીરો કેરેટથી મપાય છે. એક કેરેટ ૨૦૦ મિલીગ્રામ સમાન હોય છે. એક કેરેટના આ ૨૦૦ ભાગને સેન્ટ કહેવામાં આવે છે. હીરો કેટલા કેરેટનો છે, એ નક્કી કરવા માટે હીરાના આકારની સાથે સાથે એની ચમક પણ પારખવામાં આવે છે.
• સર્ટિફિકેટઃ હીરાના બજારમાં માન્યતાપ્રાપ્ત જેમ લેબોરેટરીના સર્ટિફિકેટનું વિશેષ મહત્ત્વ છે. સમગ્ર દુનિયામાં ચાર ટોચની માન્યતાપ્રાપ્ત લેબોરેટરી છે. જેમોલોજિકલ ઇન્સ્ટિટયૂટ ઓફ અમેરિકા, યુરોપિયન જેમોલોજિકલ લેબોરેટરી, સાઉથ અમેરિકન જેમ સોસાયટી અને ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટયુટ. આમાંથી એકમાત્ર ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટયૂટ ગ્રેડિંગ સંસ્થા છે. નહીં નફો નહીં નુકસાનના ધોરણે કાર્યરત આ સંસ્થાની શાખા એક મુંબઈમાં પણ છે.
સામાન્ય રીતે ડાયમંડ ગ્રેડિંગ સર્ટિફિકેટમાં હીરાના રેખાચિત્રની સાથે સાથે કટ, કલેરિટી, કલર અને કેરેટની જાણકારીઓ હોય છે. સર્ટિફિકેટ પર હીરાના આકારની સાથે સાથે સાચું માપ, પ્રમાણ અને ઊંડાણની ટકાવારી પણ લખેલી હોય છે. આ બધી વિગતો સર્ટિફિકેટમાં ચકાસ્યા પછી જ હીરો ખરીદવાનો નિર્ણય કરો.
નકલી હીરાનું બજાર
અસલી હીરા જેવા જ દેખાતા નકલી હીરા (પથ્થરો)નું પણ એક અલગ બજાર છે. નકલી હીરા ચમક અને ગુણમાં અસલી હીરા જેવા જ લાગે છે, પરંતુ કિંમત અસલી હીરાથી ઘણી ઓછા હોવાના કારણે ગ્રાહકને નકલી હીરા ખરીદવામાં રસ પડે છે. આ ઘરેણાને ઇમિટેશન જ્વેલરી પણ કહે છે. નોંધનીય બાબત એ છે કે આ વાતનો ફાયદો ઊઠાવીને કેટલીક વખત બોગસ ઝવેરી દ્વારા ગ્રાહકોને અસલીના નામે નકલી હીરા પધરાવી દેવાયાની ઘટનાઓ પણ બની છે. આથી હીરો ખરીદતી વખતે ખૂબ સાવચેતી જરૂરી છે. આ પ્રકારની છેતરપિંડીથી સર્ટિફિકેટ જ બચાવી શકે છે.
એ વાતનું ખાસ ધ્યાન રાખો કે હીરાના સર્ટિફિકેટની તારીખ છ મહિનાની અંદરની જ હોવી જોઈએ અને હીરો કે તેનું આભૂષણ અન્ય કોઈના દ્વારા પહેરાયેલું ન હોવું જોઇએ. તમે અસલી હીરો જ ખરીદો છો તો પછી એનું પાકું બિલ પણ અવશ્ય લો. તમે હીરો ખરીદી તો લીધો. હવે એની દેખરેખ પણ જરૃરી છે.
હીરાની જાળવણી
હીરાને આમ તો ઝડપથી કોઈ નુકસાન પહોંચતું નથી તેમ છતાં એની ચમક જાળવી રાખવા માટે થોડી સંભાળ જરૂરી છે. હીરાને સાબુના પાણી અથવા તો અરીઠાના પાણીમાં બોળી રાખીને સોફ્ટ બ્રશની મદદથી હળવા હાથે સાફ કરો એ સિવાય એમોનિયાનું મિશ્રણ (એક ભાગ એમોનિયા અને છ ભાગ પાણી) લઈને તેમાં હીરો બોળી રાખીને બ્રશથી સાફ કરો. વર્ષમાં એક વાર તમે હીરો ઝવેરી પાસે લઈ જઈને સાફ કરાવો એ વધુ યોગ્ય છે. હીરાને મલમલના કપડાંમાં સાચવીને રાખો.
હીરાને હંમેશાં મહિલાઓનો શ્રેષ્ઠ મિત્ર માનવામાં આવે છે. પરંતુ હવે હીરાબજારમાં પુરુષો માટે પણ ઘણું બધું છે. જેમ કે, હીરા જડિત ટાઇપિન, કુરતાના બટન, બ્રેસલેટ, વીટી, કફલિંક, ઘડિયાળ વગેરે. આથી જો તમારી ઇચ્છા હોય તો તમે તમારા પતિને ગિફટમાં હીરો આપી શકો છો.
આજે હીરો પ્રેમનું પ્રતીક મનાય છે. દરેક પ્રેમભર્યા સંબંધમાં લોકો હીરાની ચમક જોવાનું પસંદ કરે છે. પતિ-પત્નીના સંબંધમાં હીરાની આ ચમક 'કોહીનૂર' સમાન લાગે છે. હીરો તો હીરો જ છે, ભલે પછી એ ગિફટમાં મળ્યો હોય કે જાતે ખરીદ્યો હોય. હા, હીરાનો આકાર જેટલો મોટો હોય એટલો જ એ સારો લાગે છે. ભેટ તરીકે મળેલો હીરો તો અમૂલ્ય ગણાય. આખરે તો હીરો છે સદાને માટે.