દરેક માનુનીને તેના વાળ ખૂબ જ પ્રિય હોય છે. આ વાળને ક્યારેક છુટ્ટા રાખવા તો ક્યારેક બાંધવા માટે તે તે ઘણી એક્સેસરીનો ઉપયોગ કરે છે. જોકે વાળની અનેક હેરસ્ટાઈલ સાથે તેની જાળવણી પણ જરૂરી હોય છે. આ જાળવણી અને હેરસ્ટાઈલમાં મહત્ત્વનો ભાગ ભજવે છે હેરબેન્ડ અથવા હેડબેન્ડ. આ વાળની હેરસ્ટાઈલ માટેની અને તેની જાળવણી માટેની આકર્ષક એક્સેસરી છે.
સંખ્યાબંધ હોલિવૂડ કે બોલિવૂડ સેલિબ્રિટીઝ રીલ અને રિઅલ લાઈફમાં સુંદર હેડબેન્ડ પહેરતી જોવા મળે છે તો સામાન્ય યુવતીઓ – મહિલાઓમાં પણ તેના તરફ આકર્ષિત થયેલી દેખાય છે. પહેલાના સમયમાં પણ હેરબેન્ડ કાપડ, લોખંડ, સ્ટીલ અને પ્લાસ્ટિકની મળતી હતી. આજના આધુનિક યુગમાં પણ હેડબેન્ડમાં આ ઉપરાંતની ઘણી નવી ડીઝાઈન જોવા મળે છે. સોના કે હીરા-મોતી મઢેલી, પેડેડ, વર્ક કરેલી, ફ્લોરલ જેવી ઘણી વિવિધતા હેરબેન્ડમાં જોવા મળે છે.
ફેશન એક્સપર્ટ્સના મતે, હેડબેન્ડ એવી હેર એક્સેસરી છે જે તમને ત્વરિત આકર્ષક લુક આપે છે. તમારો પોશાક સહેજ સાદો હોય તોય હેડબેન્ડને કારણે તમે આકર્ષક દેખાઇ આવો. મહત્ત્વની વાત એ છે કે તમે વાળ ખુલ્લા રાખ્યાં હોય કે પછી ચોક્કસ રીતે બાંધ્યા હોય, તમને હેડબેન્ડ પહેરવામાં ઝાઝો વિચાર કરવાની જરૂર નથી પડતી.
તમે વચ્ચે પાંથી પાડીને વાળ કપાળ પાસે લઈ લો. ત્યાર પછી બેથી ત્રણ ઈંચ જેટલા ઉપરના ભાગમાં હેડબેન્ડ લગાવો. તમે ચાહો તો વાળને આગળથી હળવો પફ આપીને પાછળના વાળનો અંબોડો વાળો અથવા પોની બાંધી દો અથવા બીજી કોઈ પણ હેર સ્ટાઈલ કરી શકો. આ હેર સ્ટાઇલ માટે પેડેડ હેડબેન્ડનો ઉપયોગ હેરસ્ટાઈલને સુંદર દેખાવ આપશે. પેડેડ હેડબેન્ડ વિંખાઈ ગયેલા વાળને પણ સુંદર લુક આપે છે. કોઇક વખત તમારા વાળ સરખી રીતે બંધાતા જ ન હોય તો પેડેડ હેરબેન્ડ પહેરીને તમારા વાળને સુંદર રીતે રાખી શકાય. હેડબેન્ડ પહેરતી વખતે કઈ વાતો ધ્યાનમાં લેવી અને કેવા પોશાક સાથે કેવી હેડબેન્ડ પહેરવી તેની માહિતી આપતાં ફેશન એક્સપર્ટ્સ કહે છે કે, તમારા પ્રિન્ટેડ ડ્રેસ સાથે તેના કરતાં કોન્ટ્રાસ પ્રિન્ટની હેડબેન્ડ પહેરો. જો તમે મોટી પ્રિન્ટનો પોશાક પહેર્યો હોય તો નાની પ્રિન્ટની હેડબેન્ડ પહેરો. જો તમે નાની પ્રિન્ટનો ડ્રેસ પહેર્યો હોય તો મોટી પ્રિન્ટની હેડબેન્ડ માથામાં પહેરો.
પાર્ટી ડ્રેસ સાથે મોટા મોતી મઢેલી હેડબેન્ડ સુંદર લાગશે. તેવી જ રીતે એકદમ ખૂલતા શર્ટ અને ડેનિમ સાથે ભરચક વર્ક કરેલી હેડબેન્ડ રંગ જમાવશે. પફી સ્લીવ્ઝવાળા બ્લેઝર, રગ્ડ શોર્ટસ અને સફેદ ટી-શર્ટની જોડી સાથે પેડેડ હેરબેન્ડ ખૂબ જચે છે. ક્લાસિક બિડેડ હેડબેન્ડ કોઈ પણ પોશાક સાથે મિક્સ એન્ડ મેચ કરીને પહેરી શકાય તમારો ડ્રેસ પોલકા ડોટવાળો હોય, પ્રિન્ટેડ હોય કે પછી સ્ટ્રાઇપ્સવાળો.
પાર્ટીવેર માટે ભરચક વર્ક કરેલી હેડબેન્ડ સારી ગણાશે. ખાસ કરીને સફેદ ડ્રેસ સાથે. ભારતીય પોશાક સાથે પણ આવી હેડબેન્ડ પરફેક્ટ ચોઈસ છે. આ ઉપરાંત માર્કેટમાં હાલમાં એવી સળિયાની કે પાતળા વાયરની હેડબેન્ડ પણ મળે છે કે જે તમારા વાળને બાંધી રાખે, હેરસ્ટાઈલમાં ઉપયોગમાં લઈ શકાય અને જે દેખાય પણ નહીં. વિવિધ પ્રકારની હેરસ્ટાઈલ માટે આ પ્રકારની હેરબેન્ડનો ઉપયોગ કરી શકાય છે.