સ્ત્રીની ઉંમર કોઇ પણ હોય, પરંતુ સહુ કોઇ ઇચ્છે છે કે એના વાળ લાંબા અને ઘટાદાર હોય, સાથે સાથે જ સોફ્ટ અને સિલ્કી પણ હોય. જોકે વાળને સોફ્ટ અને સિલ્કી બનાવવા માટે એની જાળવણી વધારે સારી રીતે કરવી જરૂરી છે. વાળને સોફ્ટ બનાવવા માટે ઘરમાં બનાવેલા સીરમનો ઉપયોગ કરી શકાય છે.
• કોપરેલનું સીરમઃ કોપરેલનું સીરમ બનાવવા માટે કોપરેલ અને બદામના તેલને સરખા પ્રમાણમાં મિક્સ કરો અને તેને હુંફાળુ ગરમ કરી લો. આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાવો. આને માથામાં થોડા કલાકો માટે રાખીને વાળને સારી રીતે ધોઇ નાંખો. કોપરેલ વાળને મોઇશ્ચરાઇઝ કરે છે અને પોષણ આપે છે જ્યારે બદામ વાળને આવશ્યક પોષણ પૂરું પાડે છે. આ સીરમની મદદથી વાળ સ્મૂધ અને સોફ્ટ બને છે.
• એલોવેરા સીરમઃ બે ચમચી ફ્રેશ એલોવેરા જેલમાં એક ચમચી જોજોબા ઓઇલ મિકસ કરી લો. વાળ થોડા ભીના હોય ત્યારે એમાં આ મિશ્રણ લગાવો. શરૂઆતમાં આ મિશ્રણને વાળના મૂળમાં લગાવો અને પછી ક્રમશઃ આખા વાળમાં લગાવતા જાઓ. આ મિશ્રણને એક કલાક સુધી માથામાં રહેવા દો અને પછી વાળ ધોઇ લો. એલોવેરામાં વાળને હાઇડ્રેટ કરવાનો ગુણ છે જે એના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
• એવોકાડો સીરમઃ એક એવોકાડોને સારી રીતે ક્રશ કરીને એમાં એક ચમચી ઓલિવ ઓઇલ નાખીને એક સ્મૂધ પેસ્ટ બનાવી લો. થોડા ભીના વાળમાં આ મિશ્રણ લગાવો. આને વાળમાં અડધો કલાક રહેવા દો અને પછી વાળને ધોઇ લો. એવોકાડોમાં હેલ્ધી ફેટ અને વિટામિન હોય છે જેના કારણે વાળ હાઇડ્રેટ થઇને સોફ્ટ બને છે.
• દહીં-મધનું સીરમઃ બે ચમચી દહીં લો અને એની અંદર એક ચમચી મધ મેળવી લો. આ મિશ્રણને વાળમાં લગાવો. આ મિશ્રણને વાળમાં નીચેની તરફ વધારે સારી રીતે લગાવો. આ મિશ્રણને વાળમાં 20થી 30 મિનિટ સુધી રહેવા દો. દહીં અને મધ બંનેમાં મોઇશ્ચરાઇઝિંગનો ગુણ હોય છે. એ વાળને સોફ્ટ કરવામાં અને એને સ્મૂધ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. આ તમામ પ્રકારના સીરમ એકદમ પ્રાકૃતિક છે અને વાળ માટે સુરક્ષિત તેમજ લાભદાયક છે. આ સીરમ ઘરે જ બનાવીને એનો ઉપયોગ વાળ પર કરી શકાય છે.