હેર બોટોક્સ એવી ટ્રીટમેન્ટ છે જે વાળની ચમક વધારીને એની સુંદરતામાં ઉમેરો કરે છે. આ બ્યૂટિ ટ્રિટમેન્ટ બહુ લોકપ્રિય બની છે કારણ કે એમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જે વાળ માટે ફાયદાકરક હોવા ઉપરાંત તેમને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.
સ્કિન બોટોક્સની જેમ હેર બોટોક્સ એ વાળની એન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટ છે જેમાં કોલાજન, વિટામિન બી-5 અને ઈ આપવામાં આવે છે. વાળની એજિંગ પ્રોસેસને ધીમી કરવા ઉપરાંત આ ટ્રીટમેન્ટ પહેલાંથી ક્ષતિગ્રસ્ત વાળને અંદરથી રિપેર પણ કરે છે. આમાં સ્કિન બોટોક્સની જેમ ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ વાળ પર પ્રોટીન કન્ડિશનિંગ એજન્ટ લગાવવામાં આવે છે. આ એજન્ટ વાળના મૂળમાં પરસેવો થતો અટકાવે છે, જેના કારણે વાળ ચીકણા નથી લાગતા પરંતુ એને બાઉન્સી લુક મળે છે.
હેર બોટોક્સમાં શું વપરાય છે?
હેર બોટોક્સ એ ફોર્માલ્ડીહાઈડ ફ્રી અને કેમિકલ ફ્રી કન્ડિશન ટ્રીટમેન્ટ છે. એમાં કેવિઅર ઓઈલ, વિટામીન બી-5, વિટામીન ઇ અને બીઓએનટી-એલ પેપ્ટાઈડ જેવા રસાયણોને જરૂરિયાત મુજબ મિક્સ કરીને વાળ પર લગાવવામાં આવે છે. વાસ્તવમાં, આમાં પ્રોટીનબેઝ્ડ સોલ્યુશન ભીના વાળ પર લગાવવામાં આવે છે, જે વાળની આસપાસ રક્ષણાત્મક સ્તર બનાવવામાં મદદ કરે છે.
આનાથી લાભ શું થાય?
હેર બોટોક્સ એ સ્પ્લિટ એન્ડ્સની વૃદ્ધિને ઘટાડવામાં ઘણી મદદ કરે છે. આની મદદથી તમારા વાળને કેમિકલથી થતા નુકસાનથી પણ રિપેર કરી શકાય છે. હેર બોટોક્સ એ વાળને ચમકદાર અને સ્વસ્થ બનાવવાની એક સરસ રીત છે. એ વાળને ઊંડું પોષણ આપે છે, હાઈડ્રેટ કરે છે તેમજ વાળને મુલાયમ, ચમકદાર અને જાડા બનાવે છે. બોટોક્સ હેર ટ્રીટમેન્ટ દરમિયાન ઉપયોગમાં લેવાતા કોલેજન અને કેરાટિન વાળના ક્યુટિકલના ક્ષતિગ્રસ્ત વિસ્તારોને સુધારવામાં મદદ કરે છે.
આટલું ખાસ ધ્યાન રાખો
હેર બોટોક્સ ટ્રીટમેન્ટની કિંમત વાળની લંબાઈ પર આધારિત હોય છે. હેર બોટોક્સની અસર વાળ પર લગભગ 4થી 6 મહિના સુધી રહે છે. હેર બોટોક્સ ટ્રીટમેન્ટ લીધા પછી તમારે બેથી ત્રણ દિવસ સુધી વાળ ધોવાનું ટાળવું જોઈએ. તમે તમારા વાળ જેટલા ઓછા ધોશો તેટલી વધુ સારવારની અસર થશે.
ટ્રીટમેન્ટ પછી વાળને માત્ર સલ્ફેટ ફ્રી શેમ્પૂથી ધોઈ લો. વાળને મુલાયમ બનાવવા માટે કન્ડિશનરનો ઉપયોગ કરો.