પહેલાં સ્ત્રીઓ પ્રસંગોપાત જ હેરકલર કરતી હતી, પણ હવે હેરકલર કરવાનું કોમન થઇ ગયું છે. જોકે હેરકલર કરતાં પહેલાં અને પછી કેટલીક બાબતો વિશે ધ્યાન આપવું ખાસ જરૂરી છે. સૌથી પહેલાં તો એ નક્કી કરવું પડશે કે તમારા વ્યક્તિત્વને કેવો હેરકલર સૂટ થશે? પછી એ નક્કી કરો કે તમે પર્મેનન્ટ હેરકલર કરવા માગો છો કે પછી સેમી-પર્મેનન્ટ? વગેરે વગેરે... આપણે શરૂઆત કરીએ હેરકલરના પ્રકારથી.
નોર્મલી હેરકલરના બે પ્રકાર હોય છે, એક પર્મેનન્ટ અને બીજો સેમી-પર્મેનન્ટ. હેરસ્ટાઇલિસ્ટ અને મેક-અપ આર્ટિસ્ટના જણાવ્યા પ્રમાણે, પર્મેનન્ટ કલરમાં આપણી ઇન્ડિયન સ્કિનને બહુ બ્લોન્ડ કલર સારા નથી લાગતા. લાઇટ બ્રાઉન, બર્ગન્ડી, કોપર જેવા કલર જ આપણી સ્કિનને સૂટ થાય છે. સેમી-પર્મેનન્ટમાં પિન્ક, બ્લુ, ગ્રીન વગેરે. સેમી-પર્મેનન્ટ કલર દસથી પંદર દિવસ જ ટકે છે. આ કલર કરતાં પહેલાં વાળને બ્લીચ કરાવવું જરૂરી છે, જેથી વાળમાં કલર પકડાય. આથી જ મોટા ભાગના હેરસ્ટાઇલિસ્ટ સેમી-પર્મેનન્ટ કલર કરવાની સલાહ આપતા નથી. વળી, સેમી-પર્મેનન્ટ ઘણા મોંઘા પણ હોય છે.
સેમી-પર્મેનન્ટ અને પર્મેનન્ટ કલર સિવાય બીજો એક કલર છે અમોનિયા-ફ્રી કલર. એ વાળને નુકસાનકારક પણ નથી હોતો અને બહુ લોન્ગ-લાસ્ટિંગ પણ નથી હોતો. જે વ્યક્તિના વાળ બહુ તૂટતા હોય એવા વાળ માટે આ કલર વાપરવામાં આવે છે. આ સિવાય હોય છે પાઉડર-બેઝ્ડ કલર. આ પાઉડર-બેઝ્ડ કલર સસ્તા તો હોય છે, પણ એ તમારા વાળને પણ ઘણા નુકસાનકારક હોય છે.
લાભ કે ગેરલાભ?
હેરકલર કરવાથી વાળને નુકસાન પણ નથી અને ફાયદો પણ નથી. બન્ને પ્રકારના હેરકલર વાળ માટે એટલા જ નુકસાનકારક હોય છે. હેરકલર ફેશન માટે કરવામાં આવે છે. આમાં કેમિકલ હોય તો થોડુંક નુકસાન તો થવાનું છે. એવું નથી કે તમારા વાળ સખત ખરાબ થઈ જાય, પરંતુ તમે જો કોઈ પણ કેમિકલ વાળમાં કે સ્કિન પર લગાડો તો તેનાથી પાંચેક ટકા નુકસાન થવાની શક્યતા હોય જ છે. આથી વાળ થોડા ડ્રાય લાગે જ. હા, વાળ ખરે જરૂર, પણ સ્કેલ્પ બળી જાય કે વાળ આખાને આખા ખરાબ થઈ જાય એવું ક્યારેય બનતું નથી. જોકે આ માટે હેરકલર કર્યા પછી પૂરતી સંભાળ પણ લેવી પડે.
કેટલીક સાવચેતી
હેરકલર કરતાં પહેલાં ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેમ કે, હેરકલર કરતાં પહેલાં કોઈ પણ પ્રકારના વાળ હોય એના પર કોઈ પણ પ્રકારનું સિરમ કે પછી તેલ ન લગાડવું. તમારા વાળ માત્ર શેમ્પૂ કરેલા હોવા જોઈએ. વાળમાં કન્ડિશનર પણ ન લગાવવું. કન્ડિશનર કે ઓઇલ માથામાં હશે તો કલર બરાબર પકડાશે નહીં. હેરકલર કરતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે તમને કોઈ ચીજની એલર્જી તો નથીને? કેમ કે કોઈ પણ કલર તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. તમને કોઈ પણ પ્રકારની એલર્જી કે વાળમાં ખોડો હોય તો હેરકલરથી દૂર જ રહેવું. જો તમે જાતે હેરકલર કરવાના હો તો સેલોંમાં પેચ-ટેસ્ટ કરવી. આ ટેસ્ટ પ્રોડક્ટના રિએક્શનને જાણવા માટે કરવામાં આવે છે. તમારું સ્કેલ્પ સંવેદનશીલ હોય તો તમારા હેરસ્ટાઇલિસ્ટને એની જાણ કરવાનું ભૂલો નહીં.
હેરકલર કર્યા પછી શું?
વાળમાં કલર કર્યા પછી દરેકને એક જ સવાલ હોય છે કે કલર તો કરી દીધો; પણ કલર કર્યા પછી વાળની સંભાળ કેવી રીતે લેવી? હેરકલર કર્યા પછી વાળની સંભાળ માટે કલર પ્રોટેક્ટિંગ શેમ્પૂ, કલર પ્રોટેક્ટિંગ સિરમ અને કન્ડિશનર આ ત્રણ વસ્તુ ખૂબ મહત્ત્વની હોય છે. કલર કર્યા પછી અઠવાડિયામાં ત્રણ વાર વાળ ધોવા. પહેલાં શેમ્પુથી વાળ ધોવા અને પછી કન્ડિશનર કરવું અને એના પછી કલર પ્રોટેક્ટિંગ સિરમ લગાડવું.