આપણે સહુ જાણીએ છીએ કે તેલ અનેકવિધ પ્રકારનાં હોય છે. અમુક ઓઈલ લૂબ્રિકેશન માટે, કોઈ સર્વાંગી સ્વાસ્થ્ય માટે માટે, તો વળી કોઇ પોષણ માટે તો કોઈ તેલ સ્કિન અને વાળમાં સ્કેલ્પ માટે પરફેક્ટ છે. તેલ ભલે અલગ અલગ પ્રકારના હોય, પણ એક વાત સ્પષ્ટ છે કે હેરની સારી હેલ્થ માટે હેર મસાજ જરૂરી જ નહીં, અનિવાર્ય છે એમ કહી શકાય.
આપણને ક્યારેક સ્કેલ્પમાં ખોડો, ખંજવાળ, ડ્રાઇનેસ જેવી તકલીફ હોય તો પણ હેર મસાજ ઉપયોગી છે. જો ક્યારેક વાળ રફ અને ડ્રાય થઈ જતા હોય તો પણ હેર ઓઇલ મસાજ ઉપયોગી બની રહે છે. તો આજે જાણીએ વાળ અને સ્કેલ્પની હેલ્થ સાથે સંકળાયેલી જરૂરી વાતો...
• મેન્ટલ સ્ટ્રેસથી તૂટતા વાળઃ આજની ભાગદોડભરી જિંદગીમાં ભાગ્યે જ કોઇ વ્યક્તિ એવી હશે જેમને સ્ટ્રેસ ન હોય. આ માનસિક તણાવ શરીરના સર્વાંગ સ્વાસ્થ્ય માટે જેટલો નુકસાનકારક છે એટલો જ વાળ માટે નુકસાનકારક છે. આપણે નાની નાની વાતોથી પરેશાન થઇ જઇએ છીએ. મગજમાં નેગેટિવ ભાવના રહે છે. એની સીધી અસર વાળ અને સ્કેલ્પની હેલ્થ પર પડે છે, તેથી મનને શાત રાખવું અને ખુશ રહેવું જરૂરી છે. એની અસર વાળ ઉપર પડશે, તમારા વાળનો ગ્રોથ વધશે અને ચમકદાર થશે ખોડાની સમસ્યા દુર થશે. જો તમે હેર ઓઇલ મસાજ કરાવશો તો સ્ટ્રેસ ઓછું થશે, હળવાશ અનુભવશો, અને વાળ પણ સુંવાળા અને મજબૂત બનશે.
• ગંદા વાળમાં ઓઇલ મસાજઃ જો તમારે વાળનું આયુષ્ય વધારવું હોય, તેને પાતળા કે નબળા પડતાં અટકાવવા હોય તો ગંદા વાળમાં મસાજ કરવાનું ટાળો. આપણે જ્યારે બહાર ફરીને આવીએ છીએ ત્યારે આપણા વાળમાં પ્રદૂષણની અસર હોય છે. પરસેવો, ચીકાશ અને બારીક રજકણ જામી ગયા હોય છે. આવા ગંદા વાળમાં આપણે ઓઇલિંગ કરીએ છીએ, ત્યારે ફાયદો થવાના બદલે નુકસાન થાય છે. વાળ આવી હાલતમાં હોય ત્યારે મસાજ કરવાથી સ્કેલ્પના રોમછિદ્રની ઉપર એક્સ્ટર્નલ મટિરિયલ એટલે કે પ્રદષણ અને ગંદકી જામી જાય છે અને રોમછિદ્ર બંધ જ રહે છે. આવી સ્થિતિ વાળ માટે સારી નથી. આથી આવા ગંદા વાળમાં ક્યારેય ઓઇલિંગ ન કરવું જોઇએ, સ્વચ્છ વાળમાં ઓઇલિંગ કરશો તો અવશ્ય ફાયદો થશે.
• વાળના ગ્રોથમાં મદદરૂપઃ વાળ પ્રોટીનમાંથી બને છે અને તેના તંદુરસ્ત ગ્રોથ માટે પૂરતા પ્રમાણમાં વિટામિન અને અન્ય ન્યુટ્રિઅન્ટ્સ જરૂરી છે. ઓઈલ મસાજથી આવા પોષણની ખોટ પૂરે છે. સ્કેલ્પમાં હળવા હાથે તેલ માલિશ કરવાથી રોમછિદ્ર ખુલી જાય છે. પરિણામે વાળની ત્વચા તેલને સારી રીતે શોષે છે. માથાના રક્તસંચારમાં વધારો થાય છે. વાળના મૂળ મજબત થવાથી સ્વાભાવિક જ તેનો ગ્રોથ અને મજબૂતાઇ પણ વધવાના જ.
આ ઉપરાંત નિયમિત રીતે તેલ વડે મસાજ કરવાથી વાળમાં કેમિકલ અને અન્ય હેર ટ્રીટમેન્ટથી થતાં નુકસાનની અસર પણ ઓછી થાય છે. હેર ઓઇલ વાળમાં ચમક વધારે છે. ગરમીને કારણે વાળ સાવ નિસ્તેજ અને નિર્જીવ થઇ જાય છે. તેલ વડે નિયમિત માલિશ કરવાથી વાળની ઘણી બધી તકલીફો દૂર થઇ જાય છે અને વાળને પોષણ મળે છે. યોગ્ય સફાઇના અભાવે સ્કેલ્પમાં રોમછિદ્ર બંધ થઇ જવાથી ઘણી વખત તાળવામાં બળતરા, ખંજવાળ અને બેકટેરિયલ ઇન્ફેક્શન વગેરે થઇ શકે છે. પરંતુ જો તમે વાળમાં માલિશ કરશો તો સ્કેલ્પને પોષણ મળે છે અને ઇન્ફેક્શન થતું નથી. ખોડો કે હેરફોલ થવા પાછળનું મુખ્ય કારણ જ આ છે -
હેર ઓઇલ મસાજનો અભાવ. હેર ઓઇલ કરવાથી ખોડો દૂર થાય છે અને હેરફોલને અટકાવી શકાય છે.