હેરફોલઃ સદાબહાર સમસ્યાના હાથવગા ઉપચાર

Wednesday 16th August 2023 05:50 EDT
 
 

વાળ ખરવાની સમસ્યા મોટાભાગની મહિલાઓને સતાવી રહી છે. વાળ ખરવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જેમ કે, આનુવંશિક, શારીરિક કે ઇમોશનલ સ્ટ્રેસ, અયોગ્ય આહાર, આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વગેરે. વાળની ખરવાની સમસ્યા માટે અનેક ઉપાયોને અસરકારક ગણાવાય છે, પણ મોટા ભાગના ઉપાયો ખર્ચાળ હોય છે, અને તે કેટલા અસરકારક હશે તેની તો કોઇ ખાતરી હોતી જ નથી. જોકે આજે આપણે ખરતાં વાળને અટકાવવા માટે આસાન ઘરગથ્થુ ઉપચાર વિશે વાત કરીશું, જે બિલકુલ ખર્ચાળ નથી.
• તેલઃ વાળમાં લગાવવા તમે કોઈ પણ તેલ લઈ શકો છો. એ પછી નારિયેળનું તેલ કેમ ન હોય. રાત્રે સૂતાં પહેલાં સ્કેલ્પમાં તેલ વડે સારી રીતે માલિશ કરો. બીજા દિવસે માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ નાંખો. રોજ વાળમાં તેલ લગાવવું શક્ય ન હોય તો વાળ ધોવાના હોય એના આગલે દિવસે રાત્રે તેલ વડે સ્કેલ્પમાં મસાજ કરો. તેલ વાળને ભરપૂર પોષણ પૂરું પાડશે.
• લીમડોઃ એક કપ નારિયેળના તેલમાં અડધો કપ કડવા લીમડાનાં પાન નાંખી તેને ગરમ કરો. લીમડો કાળો થઈ જાય ત્યાં સુધી હલાવતાં રહો. તેલ ઠંડું થઈ જાય પછી ગાળીને ભરી લો. સ્કેલ્પમાં તેલ વડે મસાજ કરી કલાક પછી વાળ ધોઈ નાંખો. શેમ્પૂ કર્યા પછી કન્ડિશનર કરવાનું ન ભૂલતાં. અઠવાડિયામાં બે વખત આ તેલનો ઉપયોગ કરી શકાય છે. લીમડો વાળ માટે ટોનિકનું કામ કરે છે. નિયમિત આ તેલનો ઉપયોગ કરવાથી સફેદ વાળ આવતા અટકે છે અને સફેદ થઈ ગયેલા વાળ ધીરે ધીરે કાળા થાય છે. જોકે એમાં ઘણો લાંબો સમય લાગે છે. કડવો લીમડો ખોડાને પણ દૂર કરે છે.
• આંબળાંઃ ચારથી પાંચ નંગ આંબળાંના નાના નાના ટુકડા કરી તેને એક કપ નારિયેળના તેલમાં નાંખો. નારિયેળનું તેલ કાળું ન થાય ત્યાં સુધી તેને ઉકાળો. ઠંડું પડે એટલે તેલને ગાળીને બોટલમાં ભરી લો. વાળ ધોવાના હોય એના આગલા દિવસે આ તેલથી સ્કેલ્પમાં માલિશ કરો. વાળ ધોવાના હોય એ દિવસે પણ આ તેલ વડે માલિશ કરી શકો. કલાક પછી વાળ ધોઈ નાંખો. વિટામિન સીથી ભરપૂર આંબળાં વાળને મજબૂત બનાવવામાં ઉપયોગી થાય છે. આંબળાંનો ઉપયોગ નારિયેળ તેલ સાથે કરવામાં આવે તો એ વાળને ખરતાં અટકાવે છે.
• ગ્રીન ટીઃ બે ગ્રીન ટી બેગ્સને ત્રણ કપ ગરમ પાણીમાં નાંખી દો. ગ્રીન ટીવાળું આ પાણી ઠંડું થાય એટલે ટી બેગ્સને બહાર કાઢીને એ પાણીનો ઉપયોગ વાળ ધોવા માટે કરો. આ પાણી સ્કેલ્પ અને વાળમાં લગાવીને તેના વડે મસાજ પણ કરી શકો.
• દહીંઃ એક વાટકી દહીં લો. થોડા મેથીના દાણાને મિક્સરમાં પીસી લો. આ મેથી પાઉડરને દહીંમાં નાંખીને મિશ્રણ તૈયાર કરો. તેને વાળમાં લગાવી હળવા હાથે માલિશ કરી 20-30 મિનિટ સુધી રહેવા દો. એ પછી સાદા પાણીથી વાળ ધોઈ શેમ્પૂ કરી લો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter