તમારા વાળનો ગ્રોથ અટકી ગયો છે? વાળ ડલ અને નબળા થઇ ગયા છે, હેર ફોલ થઇ રહ્યો છે? તો બની શકે કે તમે જે આહાર લઇ રહ્યાં છો એમાં જરૂરી વિટામિન્સના પ્રમાણની ઉણપ હોય. વિટામિન્સની ઉણપને કારણે વાળને લગતી અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે. વાળના ગ્રોથને વધારવા અને વાળને ભરપૂર પોષણ પૂરું પાડવામાં વિટામિન્સ આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. વાળને હેલ્ધી અને સ્ટ્રોંગ બનાવવા માટે કયા ક્યા વિટામિન મહત્ત્વપૂર્ણ છે એ અંગે જાણીએ...
• વિટામિન-એ: વાળને મજબૂત અને ઘટાદાર બનાવે છે વિટામિન-એ. તમારા વાળ વધારે પડતા ડ્રાય થઇ ગયા હોય તો એનો અર્થ એ છે કે, વિટામિન-એનો ઉપયોગ તમારા ડાયટમાં પૂરતા પ્રમાણમાં થઇ રહ્યો નથી. સિલ્કી અને શાઇની હેર ઇચ્છતા હો તો ભરપૂર પ્રમાણમાં વિટામિન-એનું સેવન કરો. સંતરાં, ગાજર, લીલાં શાકભાજી, પીળાં ફળો, બ્રોકોલી અને દૂધને નિયમિત રૂપે ડાયટમાં સામેલ કરો. આનાથી થોડાક જ સમય વાળમાં ફરક જોવા મળશે.
• વિટામિન-બી: વાળના વિકાસ માટે વિટામિન-બી પણ જરૂરી છે. વિટામિન-બીની ઉણપને લીધે વાળ ખરવા લાગે છે. નાની ઉંમરમાં ડાયટમાં વિટામિન-બી૧૨ની ઉણપ હોય તો વાળ જલદી સફેદ થવા લાગે છે. વિટામિન-બીની ઉણપને દૂર કરવા દૂધ, પનીર, ચીઝ અને ઇંડાંનું સેવન કરી શકો છો.
• વિટામિન-સી: ત્વચાને લગતી અનેકવિધ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે જે રીતે વિટામિન-સી મદદરૂપ થાય છે એ જ રીતે વાળને પણ વિટામિન-સી મજબૂત બનાવે છે. વિટામિન-સી લીંબુ, સંતરાં, મોસંબી જેવાં ખાટાં ફળોમાંથી મળે છે. બ્રોકોલીમાં પણ વિટામિન-સી હોય છે. આ બધા કોલેજન પ્રોટીન પ્રોડક્શનમાં મદદ કરે છે. આ પ્રોટીન કોલેજન વાળને સોફ્ટ બનાવીને વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. એન્ટિ-ઓક્સિડન્ટ્સમાં ભરપૂર વિટામિન-સી ફ્રી રેડિકલ્સથી શરીરને ડેમેજ થતા અટકાવે છે.
• વિટામિન-ડી: વિટામિન-ડીની ઉણપથી વાળ ખરવા લાગે છે. વિટામિન-ડી ઇમ્યૂન સિસ્ટમને પણ મજબૂત કરવા માટે પણ બહુ જરૂરી છે. વિટામિન-ડી શરીરના કોષોના ગ્રોથને વધારવામાં પણ મદદ કરે છે. વિટામિન-ડી ફેટી ફિશ સાલ્મન અને ઇંડાંમાંથી મળે છે. આ ઉપરાંત તડકામાંથી વિટામિન-ડી લઈ શકાય છે. રોજ કૂણા તાપમાં બેસવાથી વિટામિન-ડી મળે છે.
• વિટામિન-ઈ: વિટામિન-ઈનો ઉપયોગ અનેક પ્રકારની હેર પ્રોડક્ટમાં કરવામાં આવે છે. વિટામિન-ઈ તાપ અને યુવી કિરણોથી વાળને ડેમેજ થતાં અટકાવે છે. વિટામિન-ઈ તમને સીડ્સ, લીલાં શાકભાજી, બ્રોકોલી અને નટ્સમાંથી મળે છે. નિયમિત રીતે તેને તમારા ડાયટમાં સામેલ કરો.