યુવતીથી લઇને વયસ્ક મહિલાને એક ઈચ્છા અવશ્ય હોય છે કે તેની ત્વચા નિશાનરહિત, કરચલીમુક્ત, ચુસ્ત અને સાથે સાથે જ ચમકદાર પણ હોય. વધતી વય, પ્રદૂષણ, ખોરાક, ટેન્શન અને હોર્મોનલ ફેરફારનો અસર તેમની ત્વચા પર ન દેખાય, એવું પણ માનૂની ઇચ્છતી હોય છે. આ ઇચ્છાને કારણે જ બજારમાં બ્યૂટિ પ્રોડક્ટ્સની ભરમાર છે. વિવિધ પ્રકારના ફેસ ક્રીમ અને સીરમ હવે ફેસ કેર રૂટિનનો ભાગ બની ગયા છે. પરંતુ ઘણી મહિલાઓ હજુ પણ તેની વચ્ચેના તફાવત, આ બ્યૂટિ પ્રોડક્ટના ઉપયોગ અને તેનાથી થતાં ફાયદા વિશે અજાણ જોવા મળે છે.
સીરમ અને ક્રીમ વચ્ચે તફાવત
સીરમની તુલનામાં ક્રીમ વધારે જાડું હોય છે. મોટાભાગનાં ક્રીમ ઓઇલ બેઝ હોય છે, જે ત્વચાના ભેજને જાળવી રાખે છે. તે ત્વચાને હાઇડ્રેટ રાખીને લાંબા સમય સુધી પોષણ પૂરું પાડે છે. ડ્રાય સ્ક્રીન માટે ક્રીમ શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ તે ઓઇલી ત્વચા માટે ખીલનું કારણ બની શકે છે. જ્યારે સીરમ મુખ્યત્વે વોટર બેઝ હોય છે. તે ત્વચાની સમસ્યાઓને ઝડપથી દૂર કરે છે. તેમાં મોટા ભાગે અર્ક જ મુખ્ય સત્વ હોય છે જ્યારે ક્રીમમાં અન્ય પદાર્થો પણ ઉમેરવામાં આવતા હોય છે.
સીરમની વિશેષતા
હાલમાં સીરમનો ઉપયોગ ટ્રેન્ડમાં છે. તેનું મોટું કારણ એ છે કે તે ત્વચા પર ઝડપથી અસર બતાવે છે. સીરમ ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. તેના નિયમિત ઉપયોગથી ફાઇન લાઈન્સ, કરચલીઓ, ઓપન પોર્સ, પિમ્પલ્સ, ખીલ, હાઇપરપિગ્મેન્ટેશન અને ડ્રાયનેસ ઝડપથી દૂર થાય છે. સ્કિનની જરૂરિયાત મુજબ સિરમ પસંદ કરી શકાય છે. સિરમમાં વિવિધ પ્રકારના એન્ટીઓક્સિડન્ટ, વિટામિન્સ અને પેપ્ટાઇડ્સ હોય છે. આ કારણે તે સ્કિન પર ઓછા સમયમાં જાદુઈ અસર કરે છે. સિરમ સ્કિન ટોનને સુધારે છે. તે પાતળું અને હળવું હોવાથી સ્કિનમાં સરળતાથી પ્રવેશી જાય છે અને અસરકારક રીતે કામ કરે છે.
ક્રીમની વિશેષતા
ક્રીમ તમારી ત્વચાને ઉત્તમ રીતે હાઇડ્રેટ કરે છે. તે ત્વચાના ભેજને જાળવી રાખે છે. ક્રીમની અસર લાંબા સમય સુધી ત્વચા પર રહે છે. જો તમારી ત્વચા સૂકી છે તો ક્રીમ તમારા માટે વધુ જરૂરી કે ઉપયોગી બની જાય છે.
તો પછી સીરમ સારું કે ક્રીમ?
હવે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે ત્વચા પર શાનો ઉપયોગ કરવો જોઈએ, સીરમનો કે ક્રીમનો? આ પ્રશ્નનો જવાબ જે તે વ્યક્તિની જરૂરત અને ઇચ્છા પર આધારિત છે. જો તમે ખરેખર તમારી ત્વચાના ટોનમાં સુધારો કરવા ઇચ્છો તો તમારે નિયમિત રીતે ફેસ સીરમ અને ક્રીમ બંનેનો વપરાશ કરવો જોઇએ. ત્વચાની યોગ્ય સંભાળ માટે દૈનિક રુટિનમાં પણ આવશ્યક ફેરફાર કરવો જરૂરી છે. ફેસ ધોઈને પછી સીરમ લગાવો. ત્યારબાદ સારું ક્રીમ અપ્લાય કરો. સીરમ અને ક્રીમ બંનેની પસંદગી તમારી સ્કિન ટાઇપને નજરમાં રાખીને કરો.